તો, પપ્પા, હવે ફોન મૂકું ? : મનોહર ત્રિવેદી

dikri

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને  યે મોજ  જરી આવે  તે  થયું મને , STDની ડાળથી ટહૂકું !

હૉસ્ટેલને ?  હૉસ્ટેલ તો ફાવે છે,  જેમ કે કાંટામાં સચવાતું ફૂલ ,
તોય એ તો ઊઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ ;
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મી,બા જલસામાં ? બાજુમાં ઊભી છે ? ના, ના, તો વાસણ છો માંજતી ,
કે’જો   આ  દીકરી  યે તારાં  સૌ સપનાંઓ  રાત પડ્યે  નીંદરમાં  આંજતી ;
સાચવજો, ભોળી છે,  ચિંતાળુ, ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું  લીધું ?  સ્કૂટરને ? ભારે   ઉતાવળા, શમ્ભુ  તો   કેતો’તો   ફ્રીજ ,
કેવા છો જિદ્દી ? ને હપ્તા ને વ્યાજ ?  વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ ;
ઝાઝી તો વાતુંનાં  ગાડાં   ભરાય :  કહું  હાઈકુમાં, એટલે  કે   ટૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

- મનોહર ત્રિવેદી

પિતા અને પુત્રીનાં અનોખા બંધનને ઉજાગર કરતી, મનોહરભાઇની આ ખૂબ જાણીતી રચનાને આજે તેમનાં જ અવાજમાં માણીશું.  દીકરી એટલે જ વ્હાલનો દરિયો પણ સમય વીતતાં જ તેને દાદી બની જતાં વાર નથી લાગતી.  આખાયે ગીતમાં બસ રુટિન વાતચીત જ છે, પણ  હોસ્ટેલમાં રહેતી દીકરીની સંવેદનાઓને આબાદ ઝીલી છે.  મારું બાળપણ યાદ કરું તો , મમ્મી કે અન્ય ન કહી શકે તેવું હું પપ્પાને દાદી બનીને  કહેતાં વાર ન’તી લગાડતી… કદાચ આજે પણ   !!   :)

Happy Father’s Day to all !!

( વિડીયો સૌજન્ય :  પંકજ ત્રિવેદી )

.


the attachments to this post:

dikri
dikri


9 Comments to “તો, પપ્પા, હવે ફોન મૂકું ? : મનોહર ત્રિવેદી”

  1. વિહંગ વ્યાસ says:

    ખૂબજ સુંદર ગીત લાવ્યા છો પિંકીબેન.

  2. sudhir patel says:

    મનોહરભાઈનું ખૂબ સુંદર ગીત અને એવી જ ફાંકડી રજૂઆત!
    Happy Father’s Day to all!!

    સુધીર પટેલ.

  3. ભાવનગરમાં એક મુશાયરમાં હું અને શ્રી મનોહરભાઈ સાથે કવિ તરીકે રજુ થયા ત્યારે એમના મુખે આ ગીત પ્રથમ વખત સાંભળેલું…જો કે એ પહેલા ઘણી વખત વાંચવામાં આવ્યું ‘તુ. દરેક વખતે ગમી જાય એવું ગીત છે.
    પિંકીબેન સારુ કલેક્શન લઈ આવો છો તે… અભિનંદનના હક્કદાર છો હો………

  4. ગીત તો અગાઉ લયસ્તરો અને ટહુકો પર માણ્યું હતું પણ સાથે વિડિયો એક અનોખી ભાત પાઅડે છે…

  5. Ajitsinh says:

    આભાર. દીકરી તો વહાલ નો દરિયો…

  6. Hemal Vaishnav says:

    ખુબ સરસ …

  7. Lata Hirani says:

    મજા પડી ગઇ…

  8. મઝાનું ગીત અમર ભટ્ટનાં અવાજમાં સાંભળ્યું હતું (વિડિયો સ્વરૂપે).

    આજે કવિ મુખે સાંભળવા મળ્યું અને એ પણ વિડિયોના બૉનસ સાથે. પછી વાહ પિન્કીબેન કહેવું જ પડે ને! વધુ ને વધુ નવા મિડિયાનો વપરાશ થાય અને બ્લૉગ પર વિડિયો પોસ્ટનું ચલણ વધે…..

  9. lina mehta says:

    બહુ સુન્દર.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME