અટકળ : જનક નાયક

બંધ કમરામાં જ અટકળ હોય છે,
ખોલવાની ક્યાંક તો કળ હોય છે.

વૃક્ષ, માણસ ને નદી એ સત્ય છે,
તોય હોવું માત્ર એક છળ હોય છે.

છે નગરમાં હાસ્ય ખડખડતું છતાં,
વેદનાની ક્યાંક કૂંપળ હોય છે.

કૌંચની માફક વીંધાયા કાફિયા,
તોય ગઝલો કેમ નિષ્ફળ હોય છે ?

આમ મુઠ્ઠીમાં જ છે આખું જગત,
આમ પગમાં એક સાંકળ હોય છે.

- જનક નાયક

આપણે સૌ બ્રહ્મનાં ભ્રમમાં અટવાઇને,  અંતરનાં કમરામાં કેદ થઇ ગયાં છીએ.  વળી, આપણાં ગ્રહો અને પૂર્વગ્રહો એ બંધ કમરાની બારી પણ ખોલવા દેતાં નથી.  આપણાં અને તેનાં (ઈશ્વર)  હોવાપણાંની શક્યતાની અટકળોની કળ વળે તેવી,  એક કળ કવિને મળી આવે છે.  બસ, પગની સાંકળ તોડી, પ્રેમથી દુનિયાને જીતી શકાય, ઇશ્વરને પણ…. એટલે કે, રિલાયન્સનાં ફોન વિના પણ, ” કર લો દુનિયા મુઠ્ઠીમેં “  :)

.


8 Comments to “અટકળ : જનક નાયક”

  1. વિહંગ વ્યાસ says:

    સરસ. જનકભાઇ કુશળ પ્રકાશક છે તે ખબર હતી, પણ ગઝલ લખે છે તે આજે ખબર પડી.

  2. સરસ ગઝલ. ત્રીજો શેર વિશેષ ગમ્યો.

  3. વાહ…
    જનકભાઈની કલમમાં,એમના વિચારો અને સ્વભાવની સરળતા અને સહજતાને અભિવ્યક્ત કરવાની સરસ આવડત છે અને એ, અહીં સુપેરે વણાઈ છે.
    -અભિનંદન.

  4. Maheshchandra Naik says:

    સરસ શબ્દો, સરસ ગઝલ અને સરસ વ્યક્તિત્વના શ્રી જનક્ભાઈને અભિનદન, આભાર્…………….

  5. કૌંચની માફક વીંધાયા કાફિયા,
    તોય ગઝલો કેમ નિષ્ફળ હોય છે ?

    સરસ ગઝલ. કવિએ માર્મિક રીતે કહી દીધું કે કાફિયાઓ વિંધવામાં જ (તુકબંદી કરવામાં જ) મોટાભાગની ગઝલો સપાટ બયાની (કે ચોટ) પર જ વિરમી જઈ કાવ્યની સપાટીને અડે તે પહેલા ફસકી પડે છે.

  6. રાકેશ ઠક્કર, વાપી says:

    ખૂબ સરસ ચોટદાર અભિવ્યક્તિ છે. … આમ પગમાં એક સાંકળ હોય છે.

  7. સરળ ભાષામાં સારી વાત!!

    છેલ્લો શેર ખૂબ સરસ થયો છે…

  8. hemal vaishnav says:

    very nice..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME