એક ખૂણો : કવિ રાવલ

khuno

એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
આપણાં ઘરમાં રહે છે એક ખૂણો.

એ મને લાગે ઢળેલી સાંજ જેવો,
કેટલાંયે આથમે છે ત્યાં અરૂણો.

હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
આમ છે તડકા સમો ને તો’ય કૂણો.

ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
યાદ આવી જાય છે સંબંધ જૂનો.

આપણે તો એ જ તીરથ, એ જ યાત્રા,
ચલ ધખાવીને હવે – ત્યાં બેસ ધૂણો.

- કવિ રાવલ

સાવ સૂની સાંજે, સાવ અવાવરુ ખૂણામાં, જ્યાં અરમાનનાં અરુણો  પણ અસ્ત પામી ગયેલાં, તે સૂના ખૂણામાં  કવિએ જાણે કે, પોતાની કલમ થકી સજીવારોપણ કર્યું છે.  કેટલી વાર આપણે પણ, આવી કો’ક એક સાંજ યાદ કરતાં, એટલે કે, જાણે કોઈ તીરથની યાત્રા કરતાં હોય એમ, ત્યાં જ ધૂણી ધખાવીને બેસી, યાદોનાં ખરતાં પોપડાંને ખોતર્યાં કરતાં હોઇએ છીએ.

.


the attachments to this post:

khuno
khuno


17 Comments to “એક ખૂણો : કવિ રાવલ”

  1. કવિના જ પઠનમાં સાંભળેલી એની સરસ ગઝલ.
    અવ્વારુ ? અહીં મને લાગે છે અવાવરૂ શબ્દ હોવો જોઈએ.
    અભિનંદન.

  2. Ajitsinh says:

    સહજ અભિવ્યક્તિ દ્વારા મન ના ખૂણેખૂણામા ઘર કરે તેવો ખૂણો.

  3. વિહંગ વ્યાસ says:

    સરસ ગઝલ.

  4. sudhir patel says:

    સુંદર કાફિયાને ચોટદાર રીતે રજૂ કરતી ગઝલ!
    સુધીર પટેલ.

  5. એકલતાને તાગતી આ ગઝલ ઘણા બધાં અ ના ઉપયોગથી એકલતા તાગે છે.
    ‘ આપણા ઘરમાં રહે છે એક ખૂણો ‘ગુજરાતી ભાષામાં તાજગી આવાં વાક્યો (ડીક્શન) લઈને આવે છે.
    ચોથા શેરમાં ‘ જૂનો ‘ ખૂંચે છે અનેક ‘ણ ‘ સાથે.
    ડૉ. મહેશભાઈ સાથે ‘ અવાવરુ–બાબતે હું સમ્મત છૂ,

  6. રાજની says:

    સરસ ગઝલ

  7. sapana says:

    ભાવવાહી ગઝલ્!
    ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
    યાદ આવી જાય છે સંબંધ જૂનો.
    સપના

  8. hemal vaishnav says:

    બહુ સરસ …

  9. શબ્દો વધારાનો ઉપર વજન મૂકવાથી એના વજનમાં ફેરફાર ન થઈ શકે ! અહીં કવયિત્રિ કુ. કવિ રાવલે અવાવરુ શબ્દને અવ્વાવરુ તરીકે પ્રયોજ્યો છે. એ છંદશાસ્ત્રની ઉપેક્ષા જેવું લાગે છે. નવા કાફિયઓ પ્રયોજવાથી ગઝલ સિધ્ધ નથી થાતી એ વાત તો કવિયિત્રિ પોતે પણ બખૂબી જાણે જ છે છતાં આવું કેમ કર્યુ હશે એ તો એ જ જાણે. છતાં પ્રયાસને બિરદાવવો રહ્યો. ધૂણો ધખાવવો એ પણ જરા અજૂગતુ લાગે છે નૈં ? ખેર, જવા દઈએ…

  10. સુંદર કવિ.

    દરેક ના મનમાં એવો એક અવાવરૂ ખૂણો હોય છે જ્યાં જવાની પરવાનગી માત્ર આપણા મનને જ હોય છે…બાહ્ય રીતે બહાર દેખાતા આપણે ક્યાંક એ ખૂણામાં જઇ ચડ્યા હોય એમ પણ બને….

  11. સમગ્ર ગઝલ ગમી. સરસ પસંદગી. કવિને તેમ જ આપને અભિનંદન.

  12. Milind gadhavi says:

    જિગરની વાત સાથે સંમત છું; જો કે મને પહેલો અને ત્રીજો શેર ગમ્યા છે… અવ્વાવરૂ મને ખૂંચતુ નથી, ઉલ્ટુ કવિકર્મ લાગે છે… અથવા તો કવયિત્રીકર્મ…

  13. સુંદર ગઝલ… ફરી માણવી ગમી…

  14. rajshri trivedi says:

    સુઁદર ગઝલ. અવાવરુ સાચો શબ્દ્.ઘરનો અવાવરુ ખૂણૉ અને મનનો એક અવાવરુ ખૂણો બહુ સામ્ય અનુભૂતિ કરાવે છે.

  15. રાકેશ ઠક્કર, વાપી says:

    નવી પોસ્ટ મુકવા વિનંતિ છે.

    Pinki :
    આદરણીય રાકેશભાઇ તથા અન્ય વાચકો,
    આપ સૌની માફી ચાહું છું, નાદુરસ્ત તબિયત અને ઇન્ટરનેટમાં ક્ષતિને કારણે પોસ્ટ મૂકી શકાઇ નથી.

  16. બહુ જ સરસ. એક ખુણાની મદદથી તમે જીવનનુ સત્ય તેમજ આધ્યાત્મિક રજુઆત કરી છે.

    I would love to know what was the inspiration to write this?

  17. Pinki says:

    આપણે સાવ એકલાં હોઇએ ત્યારે મસ-મોટાં મકાનમાં પણ એક ખૂણો શોધી લઇએ છીએ, પણ આપણા મનનાં સાવ અંગત ખૂણાને શોધી નથી શકતાં,અને જ્યારે આવો કોઇ ખૂણો મળી જાય ત્યારે આખેઆખું મન આંસુ રુપે કે શબ્દો રુપે ઠલવાઇ જ જાય. આ સાથે ગઝલનાં રચતિયાને પણ પત્ર દ્વારા ગઝલ-સર્જનની વાત વહેંચવા આમંત્રણ મોકલું છું. :)

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME