आषाढस्य प्रथम दिवसे ? : લાલજી કાનપરિયા

megh

વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?

મોરપિચ્છના રંગો પહેરી બાળાવેશે કોણ આંગણે આવે પાછું ?
ભીના ભીના ટહુકાઓની છાબ ભરીને કોણ આંગણે લાવે પાછું ?
મનને ચડતો હરિયાળો ઉન્માદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?

હસ્તરેખાઓ બધીય જળના રેલા થઇને વહી જાય અચાનક આજે,
મેઘધનુ શી રંગીન વાતો પવન કાનમાં કહી જાય અચાનક આજે.
લોહી સોંસરો ઊઠે છે એક નાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?

- લાલજી કાનપરિયા

आषाढस्य प्रथम दिवसे – એટલે કે, અષાઢ માસનો પ્રથમ દિવસ – આભમાં ગોરંભાતા કાળાં ડિબાંગ વાદળો અને ….. વ..ર..સા..દ ??!  ના…  આ તો છે મહાકવિ કાલિદાસ  અને  કાલિદાસ રચિત  ‘મેઘદૂતમ્‍’  નો પર્યાય  !   વરસાદ વરસે કે ના વરસે -  શ્યામલ મેઘને જોઇ,  મેઘદૂત અને પ્રિયજનની યાદ તો વરસે જ.  અને આવી જ કંઇક વરસાદની ભીની સુગંધ લઇને આવતું  આ ગીત પણ આપ સૌને વગર વરસાદે ચોક્કસ ભીંજવી જ દેશે.

વરસાદી ઋતુ ભીના ભીના ટહુકાઓ  કરી, આપણી અંદર રહેલ એક નિર્દોષ બાળકને સાદ કરીને બોલાવે,  ત્યારે હૈયે કેવો ભીનો ઉન્માદ ઉમટી આવે છે ? તો,  મેઘધનુષ્યનાં રંગનો ઉમંગ – હસ્તરેખામાં રહેલ સર્વ દુઃખોને પણ જાણે કે, ભૂંસી નાંખે છે  - વરસાદની સાથે આંખમાંથી વહેતાં આંસુમાં જ વહી જાય છે.   આ મસ્ત , માદક મોસમમાં, સઘળુંયે ભૂલી, આપ સૌને  ભીંજાવાનું ભીનું ભીનું આમંત્રણ .  એટલે કે,  વૅબમહેફિલ પર  ધોધમાર વરસાદમાં તરબતર ભીંજાવાની મોસમ આવી ગઇ છે !  :)

.


the attachments to this post:

megh
megh


One Comment to “आषाढस्य प्रथम दिवसे ? : લાલજી કાનપરિયા”

  1. વિહંગ વ્યાસ says:

    પ્રતાપરાય આર્ટસ કોલૅજ અમરેલીનાં ગુજરાતી વિષયનાં નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી લાલજીભાઈ કાનપરિયાની રચના અહીં જોઇને આનંદ થયો.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME