રે આજ અષાઢ આયો : નિરંજન ભગત

.
રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !
દૂરને દખ્ખણ મીટ માંડીને, મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને, વરસી હેતની હેલ ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !
મેઘવીણાને કોમલ તારે, મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે, રેલ્યા મલ્હારસૂર ;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !
જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો, સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો, મને, ન લાગ્યો રંગ ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !
આપણે રે પ્રિય, સામસામે તીર, ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર, વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !
બિરહમાં બાઢ લાયો, રે આજ આષાઢ આયો !
- નિરંજન ભગત
કવિ નિરંજન ભગતની કલમે મેઘદૂતનાં વિષયવસ્તુની (?) કાવ્યમય રજૂઆત.
.
શબ્દાર્થ : માઢ – શાસ્ત્રીય સંગીતનો એક રાગ, દખ્ખણ – દક્ષિણ દિશા, અલકા – કાલિદાસ રચિત મેઘદૂતમાં વર્ણવેલ અલકાનગરીનો સંદર્ભ, બિરહ – વિરહ.
.
.
.
.
the attachments to this post:


વિરહમા વરસાદ રેલ લાવે ત્યારે મનોભાવ વ્યક્ત કરતી રચના….
વાહ… દિલ બાગ બાગ થઈ ગયું…
વાહ… સુંદર ગીત.