આયો અષાઢ ! : પ્રદ્યુમ્ન તન્ના

આયો અષાઢ !
સઘન ગગન ઘન ગરજ સુણીને, થર થર કંપ્યા પ્હાડ !
કાજળ ઘેરાં વાદળ છાઈ, દિશા ચૂવે અંધાર,
ઝબકે સબકે લબકે વીજ, કરી નાગણ શા ફુત્કાર,
વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ !
ઉઘલ ઉઘલ દળવાદળ, પલપલ વરસે મૂશળધાર,
પ્રકૃતિ રૂઠી ઊઠી, આજે ધરે પ્રલયસિંગાર,
રંગરંગીલી ઓઢણી છોડી, ઓઢે જળ-ઓછાડ !
આભ ચીરીને ઊતરે, જાણે વૈતરણીનાં વાર,
આકુલ જનગણ કંઠે, ઊઠતો ઘેરો એક પુકાર,
પ્રલયંકર હે શંકર ! એને ઝીલો જટાની આડ.
- પ્રદ્યુમ્ન તન્ના
વરસાદની હેલી વ્હાલી લાગે પણ, પૂર આવતાં જ વ્હાલો વરસાદ કેવો વેરી બની જાય છે ?! – કવિ આ ગીતમાં વરસાદનું આવું જ ક્રૂર, બિહામણું સ્વરુપ વર્ણવે છે. વીજળીઓ ઝબકતી હોય, ત્રાડ નાંખતો પવન વને વને ઘૂમતો હોય અને ત્યારે કાળાં ડિબાંગ વાદળોની ગર્જનાઓ સાંભળી પર્વતો પણ થરથર કાંપી ઊઠે છે. આભ ચીરીને જાણે કે, વૈતરણીનાં પાણી પણ પૃથ્વી પર ઊતરી આવે છે. અને ત્યારે પ્રકૃતિએ લીલી ઓઢણી નહીં જાણે કે પાણીની ચાદર ઓઢી હોય તેવું લાગે છે. આખરે ત્રસ્ત માનવ, પ્રલયંકર શંકરને જટાની આડમાં પાણી ઝીલવાની વિનંતી કરે છે.
શબ્દાર્થ : ગરજ – ગર્જના ( અહીં ), સમીરણ – સમીર (પવન) , ઓછાડ – ચાદર, આકુલ – વ્યાકુળ, સિંગાર – શૃંગાર, શણગાર, વાર – વારિ, પાણી. વૈતરણી – હિંદુ માન્યતા મુજબ, મૃત્યુ બાદ આ નદી પાર કરી સ્વર્ગલોકમાં પ્રવેશ મળે છે.
.
the attachments to this post:


ગમતા કવિનું ગમતું કાવ્ય. દેશાવરી (ડાયસ્પોરાના) સાહિત્યકારોમાં અદબથી લેવાતું નામ. (તળ ગુજરાતના યુવાકવિઓને એમના વિશે કદાચ ખબર ન પણ હોય એવું બને!)
જળ આગળ, જળ પાછળ, હેઠળ, અરતે ફરતે જળ
પર વિસ્તરતું આભ અતલ કંઈ નીલું ને નિરમળ!
વીત્યા ભરચક ભીડ અને
ઘોંઘાટ ભર્યા બે માસ,
દરિયો માણી સહુ સહેલાણી
વળ્યા પરત નિજ વાસ.
ખાલી સૂના તટને માણે
અવ તો અહીંતહીં ઉડતાં ગલ
ને અમ શાં એકલદોકલ!
જળ આગળ, જળ પાછળ, હેઠળ, અરતે ફરતે જળ
શેષ રહી મોસમનો માદક
અલસભર્યો આ ગાળો,
સમોય જાણે વીસરી સઘળું
પડ્યો રહે અહીં આડો!
તળ શા સમથળ જળ પે સૂતો
ફરી ફરી પરમાણું ખેલા
પંચભૂતની નવલ નવલ
પળ સળવળ, પળ ઝળહળ
સભર સભર છલછલ
જળ આગળ, જળ પાછળ, હેઠળ, અરતે ફરતે જળ
એમનું પઠન… http://www.youtube.com/watch?v=XQmS6WsjUq8
સરસ
સુંદર મજાનું ગીત… ગીતનો લય એવો સરસ થ્યો છે કે વાંચતી વખતે વરસાદ વરસતો હોય એવી અનુભૂતિ થયા વિના રહેતી નથી…