અભિસારિકા ગઝલ : જવાહર બક્ષી

( અભિસારિકા )
સાજણ તારી વાટમાં, બંધનનો વિસ્તાર,
આકાશ ઊગ્યું આંખમાં, પગમાં ઊગ્યા પ્હાડ.
પગમાં ઊગ્યાં પ્હાડ, નીકળું નદી થઇને,
અધવચ્ચે રોકે મને, પડછાયાનાં ઝાડ.
પડછાયાનાં ઝાડ સ્હેજ પણ વ્હેમાયે નહિં !
એમ તળેથી સરકતાં વહ્યે જાઉં એકધાર.
વહ્યે જાઉં એકધાર ભિન્ન સંજોગો વચ્ચે,
પળભરમાં કાંઠે વસે પરિસ્થિતિનું ગામ.
પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું,
મને બચાવી નીકળું લઇ શબ્દની આડ.
લઈ શબ્દની આડ, તને શોધું દરિયામાં,
મોજાંઓ કહેતાં ફરે, તું છે દરિયાપાર.
- જવાહર બક્ષી
સાજનને મળવા નીકળેલી સ્ત્રીની આંખમાં પ્રિયજનને મળવાનાં આકાશી અરમાન હોય છે, પણ પગમાં દુન્યવી બંધનનાં પ્હાડ. જેમ પર્વત પરથી નીકળેલી નદી દરિયામાં ઓગળવા તત્પર હોય એમ એકધારી તે વહેતી જાય છે. ભલેને, બન્ને કાંઠે વિપરીત પરિસ્થિતિઓનું ગામ વસેલું હોય ! શબ્દની આડ લઇને , જાતજાતનાં બહાના બનાવી પ્રેમીને મળવા નીકળી જાય છે. પણ દરિયાનાં મોજાં કહે છે, સાજન તો દરિયાપાર છે…. !!
વળી, ગઝલ સ્વરુપમાં પણ કવિએ સાની મિસરાની અર્ધ પંક્તિઓને પછીનાં શેરનાં ઉલા મિસરામાં લીધી છે, જે સમગ્ર ગઝલને રસભંગ કર્યા વિના અદ્ભૂત રીતે સાંકળે છે, અને અભિસારિકાનું સુંદર શબ્દચિત્ર નીપજે છે.
શબ્દાર્થ : અભિસારિકા – પ્રેમીને મળવા જતી સ્ત્રી.
.
the attachments to this post:


ખુબ જ સરસ શબ્દ માવજત સાથે ની એકદમ તાજા કલમ..સરસ અભિવ્યક્તિ.
-પ્રવિણ કે.શ્રીમાળી
ત્થ્હ્ત સુન્દરમ્ ગઝલ્! બહુત હિ લાજવાબ્! અભિવાદન! રોહિત પટેલ
ઝિગઝેગ અથવા Z જેવા લયમાં અને વાક્ય ગતિમાં વહેતો ભાવ કે આંદોલન
આ ગઝલની લાક્ષણીકતા છે.
સાની મિસરાનો ઉતરાર્ધ ઉલા મિસરાનો પૂર્વાર્ધ બનતા સરસ પ્રવાહિતા બની છે. સુંદર.