મળી આવે : હિતેન આનંદપરા

સૂકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે,
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે.

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં,
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે.

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર,
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે.

મને બહુ થાય છે ઇચ્છા કે હું પાદર જઇ બેસું,
અને બહુ દૂરથી લલકારતો ચારણ મળી આવે.

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ,
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે.

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં,
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે.

- હિતેન આનંદપરા

કવિ વિધેયાત્મક અભિગમ સાથે એક સરળ રદીફ – મળી આવે ની અટકળો અને શક્યતાઓ  રજૂ કરે છે.  જે આપણાં સૌમાં ધરબાયેલાં શમણાંઓને જાગૃત કરી, એક ધરપત આપી જાય છે.  આજે  હિતેનભાઇનાં જન્મદિને,  તેમને સઘળુંયે ‘મળી આવે’ તેવી શુભેચ્છાઓ સહ. :)

.


9 Comments to “મળી આવે : હિતેન આનંદપરા”

  1. ખુબ સુંદર.. વાંચતાવેંત જ ગમી જાય તેવી ગઝલ.
    હિતેનભાઈને જન્મદિન મુબારક.

  2. Jagat says:

    આહ ! ખૂબ જ સુંદર રચના ! હિતેનભાઈ ને જન્મદિન ની ખૂબ શુભકામનાઓ !!

  3. વાહ…!
    સરસ વાત લાવ્યા હિતેનભાઈ,
    એમાંય આ વધારે ગમ્યું…
    ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ,
    મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે.
    ખૂબ-ખૂબ અભિનંદન.

  4. મુ. હીતેનભાઈને જન્મદિનની બધાઈ હો…..સરસ ગઝલની પણ એટલી જ ….!બચપણને જીવતુ કરી દીધુ બાપ…..ધન્ય કવિને…ધન્ય ગરવી ગુજરાતી ગિરા..આભાર..
    સુરેશ મક્વાણા
    ભોપાલ

  5. sudhir patel says:

    કવિશ્રીને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  6. અરે અરે… થોડો મોડો પડ્યો…

    ખેર દિલની શુભકામનાઓ કદી મોડી હોતી નથી…

    વર્ષગાંઠની મબલખ શુભકામનાઓ…

  7. જાણીતી અને માનીતી સુંદર ગઝલ…

    હિતેનભાઈને જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ.

  8. ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં,
    ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે…

    ક્યા બાત હૈ … બહોત ખૂબ.

  9. HEMAL VAISHNAV says:

    Belated Happy Birthday.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME