હજી થોડાંક એવા મિત્ર છે : અનિલ ચાવડા

ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઊડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય બાઇક મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.

પ્રથમ તો ફોસલાવીને મને એ, મારી અંગત વાત જાણે ને, પછી ?
પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.

કદી મારા ઘરે મહેમાન થઈ આવે, પછી હું મૂકવા જઉં અને,
મને ખુદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.

કરે હેરાન હરપલ એટલું કે, આંખમાં આંસુ જ આવી જાય, પણ ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.

- અનિલ ચાવડા

શબ્દકોશની વ્યાખ્યા કે સાહિત્યકારોની વિભાવના પણ મિત્રને શબ્દશઃ ઉકેલી ના શકે, પણ કવિમિત્ર અનિલની આ ગઝલ વાંચી ચોક્કસ બોલી ઉઠશો , અરે…. યાર, આને જ તો કહેવાય મિત્ર ! આવો જ હોય ખરો મિત્ર… !   મૈત્રી દિનનાં દિવસે ( ૧ ઓગષ્ટ,૨૦૧૦)  આપ સૌ વાચકમિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ !

.


the attachments to this post:

f1
f1


19 Comments to “હજી થોડાંક એવા મિત્ર છે : અનિલ ચાવડા”

  1. અનિલ મારો ખૂબ પ્રિય મિત્ર છે અને એની ગઝલોનો હું આશિક છું… લયસ્તરો.કોમ ( http://layastaro.com/?cat=286 ) પર દસ કવિતાઓ આ વાતની સાહેદી પૂરાવે છે પણ આ ગઝલ અનિલની કક્ષાની ગઝલ નથી… આ ગઝલ વધારે પડતું સપાટી પર રમી રહી છે…

    મત્લાના શેરમાં વિરોધાભાસ છે:
    ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે,
    ઉદાસી ફૂંક મારીને ઊડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.

    બને, સારાં મિત્રો પણ હોય અને નરસા પણ હોય… પણ પછી આ વિરોધાભાસને ગઝલમાં આગળ પુષ્ટિ કેમ નથી મળતી ?

    છેલ્લા શેરમાં આંસુ અને ઝાકળ વચ્ચે તાર્કિક રીતે શો ફરક છે ? ઝાકળ પણ સૂર્યનો તડકો પડતાવેંત ઊડી જાય અને આંસુ પણ આંખમાંથી નીકળે કે તરત ખરી જાય છે.. બંને ક્ષણજીવી છે…

  2. Pinki says:

    પ્રિય વિવેકભાઇ,

    વૅબમહેફિલ પર અનિલની ઘણી ગઝલો મૂકવામાં આવી છે. અને આપની આ વાત સાથે ૧૦૦ % સહમત છું કે, આ ગઝલ અનિલની કક્ષાની નથી જ નથી. આ ગઝલ મારા મોબાઇલ પર એણે લગભગ એકાદ મહિના પહેલાં SMS કરી હશે, પણ તેને મેં સાઇટ પર મૂકી ન હતી. એક માત્ર ‘ગઝલ’ તરીકે આ રચનાની મેં પસંદગી કરી નથી. પણ જો, મિત્ર એટલે શું ? એમ કોઈ પૂછે તો, એના ઉત્તરમાં આ આખીયે ગઝલ ફટકારવી મને નિઃશંકપણે ગમશે જ.

    ગમે ત્યારે ‘ફસાવી’ દે એ શબ્દને માત્ર રમૂજમાં વાપરવામાં આવ્યો છે. general talkમાં કહીએ, કે તું યાર, ફસાવી દઇશ એવી રીતે.

    આંસુ અને ઝાકળ ક્ષણભંગૂર હોય છે, પણ મિત્રની હૂંફથી જ આંસુ ઝાકળની જેમ દડી શકે.
    નહિં તો ઘણીયે વાતો દિલમાં જ ધરબાયેલી રહે અથવા તો – ડૂમો ગળાફાંસો બની જાય. પણ જો કોઇ ખરો મિત્ર આવે તો, આંખમાંથી આંસુ વહેતાં વાર ન લાગે.

    ખભે ધબ્બો મારીને કે હક કરીને બાઇક લઇ જનાર મિત્રોની ખોટ લાગતી હોય ત્યારે, મને લાગ્યું કે, મૈત્રી દિનનાં રોજ, આવા એકાદ મિત્રની ગરજ આ ગઝલ પૂરી પાડી શકે ?!! :)

  3. shirish dave says:

    સ્માઈલ જનરેટીંગ ગઝલ છે.

  4. sudhir patel says:

    મૈત્રીની ખૂબીઓ અને ખામીઓ હળવી શૈલીમાં રજૂ કરતી સરસ ગઝલ!
    મૈત્રી-દિન સૌને મુબારક!
    સુધીર પટેલ.

  5. સુખદુઃખમાં પડખે ઊભો રહે તે જ ખરો મિત્ર.
    કરે હેરાન હરપલ એટલું કે, આંખમાં આંસુ જ આવી જાય, પણ ;
    રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
    શરૂઆતમાં જે આંસુની વાત છે તે મિત્રો વચ્ચેની મસ્તીની વાત છે. જ્યારે આંસુને ઝાકળ બનાવવાની વાત – વિપદાની પળોમાં, તકલીફમાં હોય ત્યારે કોમળ સહારો આપવાની વાત છે. (પર્ણ જેવી રીતે ઝાકળને હથેળીમાં સાચવે છે એમ). મત્લા અને મક્તાના બંને શેર ખૂબ સરસ છે. વચ્ચેના શેર ગઝલને હઝલ તરફ હંકારી જાય છે.

  6. chetu says:

    ખુબ જ સરસ ગઝલ્..મૈત્રિદિન નેી શુભેચ્છાઓ..!!

  7. રાકેશ ઠક્કર , vapi says:

    વિરોધાભાસ છતાં ગઝલ ગમી. પ્રાસંગિક વસ્તુ સાચા- ખોટાથી પર બની જાય છે. ફ્રેંડશીપના એસએમએસ માં ભાગ્યે જ દમ હોય છે. છતાં ફોરવર્ડ થતાં જ રહે છે.

  8. Taha Mansuri says:

    aaj na divas ne anurup khub j sundar ghazal.

    Anil chavda ni kalam nu hamesha aakarshan rahyu che pan aa ghazal ne laine Vivek bhai sathe sahmat thaish ke aa ghazal Anil ni kaksha ni nathi. Bike, bus jeva shabdo temni ghazal ja pratham vakhat joi rahyn che. Gunvatta ni vat bajue muki daiye to pratham najare aa Raish bhai ni ghazal hoy em lage che. ha ha ha

    game te hoy pan etlu chokkas kahish ke Anil Chavda e nishank pane Gujarati Sahitya ni aavti kal che.

  9. અનિલ ચોક્કસ જ ગુજરાતી ગઝલની ઊજળી આવતીકાલ છે પણ એની આ ગઝલે મનમાં ખૂબ ચિંતા પ્રેરી છે… છેલ્લા એક-દોઢ મહિનામાં આ ગઝલ મને પણ sms વડે ત્રણ-ચારવાર મળી… મને તો બાઈક, પેટ્રોલ જેવા શબ્દો સામે પણ કોઈ પૂર્વગ્રહ નથી… ગઝલ એટલે વાતચીતની ભાષામાં આલેખાતી કાવ્યકૃતિ પણ વાત ત્યારે જ બને જ્યારે શેરમાંથી સ-રસ અર્થનિષ્પત્તિ થતી હોય.

    પ્રથમ નજરે આ ગઝલ રઈશભાઈની ગઝલ હોય એમ લાગે છે એ શબ્દો સામે પણ મારો પ્રખર વાંધો છે. રઈશભાઈ જેટલા “સમર્પિત” ગઝલકાર મને આજની તારીખે નજરે ચડતા નથી. એમની રચનામાં હઝલ એ હઝલ જ રહે છે અને ગઝલ એ ગઝલ જ રહે છે…

    ગઝલ મોટાભાગના લોકોને ગમી એટલે કદાચ મારી જ સમજણ નબળી પડી હોય એમ પણ બને…

  10. suresh says:

    ગઝલના રસ્તેથી મિત્ર તરફ જવા કરતાં મિત્રના રસ્તેથી જો ગઝલ સુધી જવાય તો મને લાગે છે ચોક્કસ આમાં રસ પડે.

  11. મુ અનિલભાઈ,તમે નામ મુજબ ગઝલ નથી જ આપી,પણ આજે લખાતી હિન્દી ગઝલ જેવુ જ કઈક લખી નાખ્યુ ચ્હે….!નરી વાસ્તવિક્તા નિતરે ચ્હે..ચ્હતાન કઈ રખડે એવી ય નથી….હા ગુજરાતિઓની સર્જક્તા એમા જોખમાય ચ્હે.બાય ધ વેય મને તો ગમી….આભાર.

  12. Anil Chavda says:

    વિવેકભૈ – પિન્કિબેન, બિજા સૌ મિત્ર, હુ તમરિ વાત સાથે સહમત છુ, પહેલા શેર મા વિરોધાભાસ જાનિ જોઇને જ કર્યો ચ્હે. ઘના બઢા મિત્રો આપનને ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે છે એ વાત સાચિ પણ જ્યારે સમય આવે ત્યારે આપણે ઉદાસ હોઇએ ત્યારે એ અપણિ ઉદાસિ પણ દુર કરિ દેતા હોય છે.
    અત્યારના – આજના – મારિ ઊમરના મિત્રોનિ વાત કરવા આ ગજલ મે લખિ છે. અત્યાર સુધિ મિત્રો વિશે મોટા ભાગે સારુ લખયુ નથિ.
    જેમ કે.
    સફરમા પાછ્ળ મિત્રો પન હતા,
    કોને કર્યો વાર મને કૈ ખબર નથિ.
    જેવા અનેક સેર મિત્રો વિશે લખયા છે,
    મિત્રો વિશે પોસિટિવ અને મસ્તિખોર આજના અને મારિ ઉમરના મિત્રો વિશે લખવાનો પ્રયત્ન છે આ ગજલ્ એમા હુ કેટલો સફલ થયો છુ એ મને ખબર નથિ.

    મારિ ક્ષતિઓ તરફ આન્ગલિ ચિન્દિ બલાવિ ઍ બદલ હુ તમારો હદયપુરવ્ આભાર માનુ છુ.
    આશા છે મારિ ભુલો હમેશા મને દરશવતા રહેશો.

  13. વજેસિંહ પારગી says:

    માત્ર આ ગઝલ પૂરતી વાત નથી.અનિલના કેટલાક શેરો મને ગમ્યા છે.મેં વખાણ્યા ને પોંખ્યા પણ છે. એની પાસં આશા પણ બહુ છે છતાં ક્યારેક એની રચનામાં સાદૃશ્યદોષ, તર્કદોષ એટલા બધા નજરે ચડે છે કે નિરાશ થઈ જવાય. સારા પ્રશિષ્ટ કવિ કરીકે પ્રસ્થાપિત થવા માટે એણે આ દોષો નિવારવા જ રહ્યા. માત્ર વાહવાહ ઉઘરાવવી કે તાળીઓ પડાવવાની કક્ષાએ ન અટવાય એ અનિલ માટે સારું છે. મિત્ર અનિલે તીખી પ્રતિક્રિયાથી કે ટીકાથી ખોટું ન લગાડવાની, વિચલિત ન થવાની સજ્જતા કેળવવી રહી.

  14. Ahok says:

    Mane To Aa Kavitaa Khu j Gami Chhe

  15. Amit says:

    Mastikhor Mitroni Kavita Chhe

  16. RAKESH K. CHAVDA says:

    અનિલની આ ગઝલમા તો મિત્રો માટે સારી વાત કરવામાં આવી છે “મિત્ર ગમે તેવો હોય આપણને ગમે ત્યારે ફસાવી જાય પણ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે પણ એ મિત્ર પોતે જ આવે છે.”

    બાકી તો અનિલની ગઝલનો બહુ પેહલાનો એક શે’ર યાદ આવે છે જેમાં અનિલે સધળા મિત્રોને એક સમાન જ ગણ્યા છે અને એ આ શે’ર છે,

    હું દફ્તરની પેન્સિલ જેવો, ને મિત્રો સધળા સંચા જેવા.

    અનિલ ની ગઝલના આ શે’ર ને હુ ધ્યાનમાં રાખુ છુ તો અત્યારની હજી થોડાંક એવા મિત્ર છે આ ગઝલ પુરવાર કરે છે કે અનિલના મિત્રોમા હવે કંઈક અંશે સુધાર થયો છે અથવા અનિલ હવે તેના મિત્રોને સમજવા લાગ્યો છે… બસ બહુ સવિશેષ તો નહિ કહી શકુ પણ અનિલની આ ગઝ્લમા મઝા પડી…

    અને હા ભાઈ હવે મને પણ દૂરસંચારવાણી યંત્ર પર ગઝલના સંદેશા મોકલતો રેહ

  17. RAKESH K. CHAVDA says:

    અને હા……
    એક કવિની ગઝલનો શે’ર યાદ આવે છે…

    ગઝલનો શે’ર સાંભળીને પીગળે જ નહિ,
    ખુદા કરે એ માણસ મને મળે જ નહિ.

    Pinki : This sher is by Khalil Dhantejvi. :)

  18. sadhna zalariya says:

    zakasss…gazal. vachine dil khush ho gaya.life ma game teva mitra hoy pan har ek friend jaruri hota hai…..

  19. દીપક ઠાકર says:

    અનિલે જ્યારે ચોખવટ કરી જ દીધી છે તો પણ હું એક વાત ઉમેરું કે ગઝલના 100 વર્ષના ખેડાણ અને તે થકી બનેલા કાચા રસ્તા જોયા પછી એવું લાગે કે આમાં ક્યાંક વિરોધાભાસ હોઇ શકે ….પરંતુ મતલા ની પશ્ચાર્ધે તેની પુષ્ટી થવીજ જોઇએ તેવો આગ્રહ ગઝલના લાંબા ખેડાણ થકી બનેલા રસ્તાઓ ની સાપેક્ષે સાચો હોઇ શકે અન્યથા તેવો કોઇ ગઝલ સ્વરુપનો મુળભુત નિયમ નથી…!!! કદાચ સારાં અને નરસાં બન્ને પ્રકારનાં મિત્રો એક કાળે હાથવગાં હોવા અને તે ગઝલક્રુત થાય તો એક સારું સામ્પ્રત નિરુપણ હોઇ શકે…!! ઝાકળ અને આંસુ વચ્ચેનો તાર્કિક અર્થ બેસાડવાનો કદાચ પ્રયત્ન જ નથી ( પછી તો અનિલ જે કહે તે સાચું….!!! ) પણ કદાચ એવું પણ સમજાય છે કે અનિલ એવું દર્શાવવા માગે છે કે – કેટલાંક શઠ મિત્રો મારાં આંસુઓ ને પણ ઝાકળનું સ્વરુપ આપી ને મારી કરુણતાં નો ઉપહાસ કરી રહ્યા છે…!! કનૈયાલાલ મુનશીએ ગાંધીજી દ્વારા મૂંજના પાત્ર માટે થયેલ વિવેચન માટે કહેલ કે – ” .. બાપુ હું એક સાહિત્યકાર અને સમાજસેવક એમ બન્નેની ભૂમિકા ભજવતી વખતે બન્ને ભૂમિકા ને એક્મેકથી અલગ રાખવાનો પ્રયત્નશીલ છું …!!! કોઇ ખલનાયકની કથામાં જીત થવી તે સમાજ માં શી અસર છોડશે તેવું વિચારવું કદાચ સર્જક્નું સાધ્ય ના પણ હોઇ શકે….અને તે સાહિત્યસર્જનની દ્રષ્ટીએ અનન્ય લેખાવું જોઇએ….!! તમામ સાહિત્યસર્જન ફક્ત સમાજ સુધારણા માટે જ સર્જાવું જોઇએ તેવો આગ્રહ સારો હોઇ શકે પણ જરૂરી નથી કે તે નિયમ પણ બને…!! ” – પછી તો અનિલ કહે તે જ સાચું…!!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME