ભોળી રે ભરવાડણ : નરસિંહ મહેતા
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. – ભોળીo
અનાથના નાથને વેચે આહિરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. – ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. -ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. – ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરયામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. – ભોળીo
- નરસિંહ મહેતા
સોળ સહસ્ત્ર ગોપીઓનો વ્હાલો, અનાથનો નાથ અને ચૌદ લોકનો સ્વામીને ભોળી ભરવાડણ મટુકીમાં ઘાલી, વેચવા ચાલી નીકળી છે. કૃષ્ણમય ગોપી, મહી લ્યો ને બદલે લ્યો કોઇ મોરારિ બોલી ઊઠે છે અને એ અલૌકિક સંવેદનની અનુભૂતિએ નરસૈંયો સર્જે છે એક અદ્ભૂત ગીત ! વળી, ભોળી ભરવાડણનાં ભાગ્ય પણ કેવાં કે, મટુકીમાં મહીને બદલે, મોરલી વગાડતાં કૃષ્ણને નિહાળી પણ શકે છે ?!!
શબ્દાર્થ : સહસ્ત્ર – હજાર. કૌતક (કૌતુક) – અજાયબી, ચમત્કાર. પેખવું – જોવું.
.
.

ગોપીનો ભક્તિભીનો ઉલ્લાસ અને અચળ પ્રભુપ્રેમ આ ઊર્મિગીતમાં સુંદર અભિવ્યક્તિ પામ્યા છે. ગોપી-કૃષ્ણ દ્વારા આત્માની પરમાત્મા સાથેની રસલીનતા પણ અહીં ભક્તકવિએ કલાત્મક રીતે સૂચવી દીધી છે.
Narsinha & heart of poet. This is only possiable in nagars.
Bhaskar chhaya.. can some one give me more such names….