હરજી મારે મંદિર આવ્યા રે : નરસિંહ મહેતા
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે.
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.
- નરસિંહ મહેતા
આશરે પંદરમી સદીથી ગુજરાતી ભાષા પોતાનો અજવાશ ફેલાવી રહી છે. ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસ પર એક નજર નાંખીએ તો, જૈનાચાર્યો અને સંતોએ, તેને ભક્તિપદોમાં જાળવી છે, મૂલવી છે. વૅબમહેફિલની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે આ સપ્તાહમાં આવાં સાહિત્યકારો અને તેમની કૃતિઓને યાદ કરીશું. નરસિંહ મહેતા એક એવું નામ છે જે દરેક ગુજરાતીનાં હૈયે અને હોઠે વસેલું જ હોય… ! આશરે પંદરમી સદીમાં થયેલ આ ભક્તકવિનાં બે દિવ્ય, ગોપીભાવનાં ભક્તિ પદો માણીશું.
હળવે હળવે હરિ, મનમંદિરમાં પધારી, એવું કામણ કરે છે કે, ઘરનું બધું કામકાજ ભૂલી પ્રભુમય બની જાય છે.અને તેનો સંગ લાગતાં જ , ભવભવની ભાવટ ભાગે છે. શબ્દોનું પુનરાવર્તન આ પદને અદ્ભૂત લય બક્ષે છે.
.
.

લયસ્તરો પર આ પદ મૂક્યું હતું ત્યારે જે લખ્યું હતું એ જ દોહરાવવાનું મન થાય છે:
નરસિંહ મહેતાનું આ અતિ જાણીતું ભક્તિપદ એના સશક્ત લય અને લહેકાને લીધે સહજ આસ્વાદ્ય બની રહે છે. દરેક કડીમાં એક જ શબ્દના ત્રણ-ત્રણવાર કરાતા આવર્તનને વળી કડીના અંતે એજ શબ્દ સાથે સાંકળી લેવાતા મધુરો સૂર જન્મે છે. દરેક શબ્દનું આ ત્રણવારનું પુનરાવર્તન ત્રણ લોકના સ્વામીને સમાવી લેવાનો આડકતરો ઈશારો તો નથીને? વળી મંદિર શાનું? હરિ પધાર્યા એટલે જ આ જીવતરનું કાચું ઈંટ-માટીનું મકાન મંદિર બને છે ને !
ખુબજ મધુરી રચના….ગેયતાને કારણ પદની સુન્દરતા વધી જાય ચ્હે….નરસિન્હ આપણા મોઘેરા વારસાના કવિ….એમને શત શત વન્દન….
અદભૂત નરસિંહ અને તમારો બદલાયેલો ચહેરો બન્ને ગમ્યા અને બીજા તથા આવાં અનેક માતે શુભેચ્છા.
આદ્યકવિ નરસિંહ મહેતાનું ખૂબ જ સુંદર પદ ફરી ફરી ફરી માણવાની મજા પડી!
સુધીર પટેલ.
મને નરસિંહ મહેતા નુ “હરજી મારે મંદિર આવ્યા રે” પદ અતિ પ્રિય લાગ્યુ.
આ પદ હુ ધોરણ ૮ માં સમજી હતી.