જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. – મારો0

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું.  – મારો0

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. – મારો0

- મીરાંબાઈ

મીરાંબાઇ આમ તો, રાજસ્થાનનાં  … તો ગુજરાતીમાં કેવી રીતે તેમનાં આટલાં બધાં ભજનો ? આ પ્રશ્ન કાયમ મને સતાવતો.  પણ, ઘણું કરીને,  પ્રાચીન ભજનોને અર્વાચીન બોલીમાં જ આપણે અપનાવી લીધાં છે તેમ, મીરાંબાઇનાં રાજસ્થાની કે હિન્દી ભજનો પણ ગુજરાતીમાં ફેરવાઇ ગયાં હશે ?!!  હાલમાં જ ક્યાંક વાંચવામાં આવેલું કે, કૃષ્ણની જે મૂર્તિ લઇને મીરાંબાઈ, મેવાડ ગયેલાં, તે મૂર્તિની સ્થાપના દહેગામ પાસે આવેલ કોઇ ગામમાં કરેલી છે.

મીરાંબાઈ, દેવળ ને કાયા અને હંસ ને આત્માની ઉપમા આપી, સ્થૂળ દેહ નહિં,  નિરાકાર આત્મસ્વરુપ જ સત્ય છે, તે બ્રહ્મસત્યને કેટલી સહજતાપૂર્વક વર્ણવે છે !

.


3 Comments to “જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ”

  1. ખૂબ જાણીતું ભક્તિપદ.

    ૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી. તેથી તે ભાષા “જૂની રાજસ્થાની “નાં નામે ઓળખાયી. એ વખતે ક્યાં ગુજરાત અને રાજ્સ્થાનની સરહદો હતી? ભાષા વહેતી નદી જેવી છે જે વહેણ બદલતી રહે છે અને બદલાતી રહે છે. રેફરન્સ: http://sureshbjani.wordpress.com/2010/07/05/origin_gujarati/

  2. Pinki says:

    પંચમભાઈ,

    તમારી આ વાત સાથે સહમત થઉં છું, કારણકે, ગુજરાતી અને રાજસ્થાની ભાષાનાં ઘણાં શબ્દો આજે પણ સમાન છે માત્ર ઉચ્ચારો જુદાં કરવાથી અલગ પડે છે. જેમ કે, ‘મ્હારો’ અને ‘મારો’.

    જોકે, આવતી કાલે, ભાલણની રચનાઓ મૂકીશ તેની હસ્તપ્રત અને હાલની જાણીતી રચનામાં થોડો તફાવત છે.તેથી એવું લાગે કે, કદાચ લોકમુખે શબ્દોમાં ફેરફાર થતો ગયો હશે ??!

  3. P U Thakkar says:

    આવી કથા પ્રચલિત છે. મીરાબાઇ ગુજરાતમાં આવીને રહ્યા હતા..દ્વારકાના મંદિરની મૂર્તિમાં તેઓ સમાઇ ગયા હતા..ભક્ત બોડાણો ડાકોરનો વતની હતો. જે દર પૂનમે દ્વારકા રણછોડરાયના દર્શને જતો..જે દ્વારકાથી ભગવાનને ડાકોર લાવ્યો હતો. તે મૂર્તિમાં મીરાબાઇ સમાયેલા કહેવાતું. એટલે ડાકોરની જે રણછોડરાયની મૂર્તિ છે તેમાં મીરાબાઇ સમાયેલા કહેવાય છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME