આ ક્ષણ સુધી : રાજેન્દ્ર પટેલ

લોહીનું બુંદ
કમળનું ફૂલ થાય
તેની રાહમાં ને રાહમાં
પક્ષી ટહુકી ટહુકીને
સૂકી ડાળ થઈ ગયું.

૨૫૦૦ વર્ષ પહેલાં
બૅબિલોનમાં બનેલા પ્રથમ બે માળનાં મકાનથી
ન્યૂયોર્ક શહેરના ‘ડબલ્યુ.ટી.સી.’ સુધી
બધું રેત-રેત થતું ગયું.

પૈડાંની શોધની ક્ષણથી
આધુનિક રૉબોટ સુધીનાં યંત્રોય
લાગવા માંડ્યાં પુરાણાં.

કાળા માણસોમાંથી ધોળો માણસ થવામાં
ભલે લાગ્યાં ૨૦,૦૦૦ વર્ષ
પણ અબજ અબજ વર્ષ પછીયે
બધું એમ જ છે.

કેવળ બે પથ્થરના ઘસરકામાંથી જન્મેલો
અગ્નિ હરહંમેશ રહ્યો
દેદીપ્યમાન.

તણખાનું તાંડવ
હંમેશાં અવનવાં રુપ
પ્રગટાવતું રહ્યું પૃથ્વીના ઉદ્‍ભવથી આ ક્ષણ સુધી.

- રાજેન્દ્ર પટેલ

ગુજરાતી સાહિત્ય પરિષદમાં અવિરત સેવા આપતાં રાજેન્દ્ર અંકલ , વૅબમહેફિલને પણ મદદ કરી રહ્યાં છે.  આજે તેમનાં જન્મદિને, વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.  ચકમક પથરાઓને ઘસીને અગ્નિની શોધ કરેલી તે ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પૂરું થાય ત્યાં જ પૂરી થાય છે ??!  શું હજુ પણ સમય છે આપણી પાસે, તણખાઓનાં તાંડવથી  બચવાનો ?!!

.

.

.


6 Comments to “આ ક્ષણ સુધી : રાજેન્દ્ર પટેલ”

  1. કવિને જ્ન્મદિનની વધાઈ.

    ચકમકથી જન્મેલ તણખો હજી અગ્નિતાંડવથી આગળ વધી નથી થઈ શક્યો એની વ્યથા સુપેરે પમાય છે. ઉત્કાંતિની વિડંબનાને સરસ રીતે રજૂ કરી છે.

  2. આદરણીય શ્રી રાજેન્દ્રભાઈને જન્મદિન મુબારક.
    કવિના માનસપટમાં કેટકેટલું વૈચારિક દ્વંદ્વ ઘૂમરાતું રહેતું હોય અને એ ભાવ જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે
    ભાવક/વાચક બધાને વિચારવા મજબૂર કરી મૂકે કે, ક્યાં હતાં,ક્યાં છીએ,ક્યાં જવાનું હતું,ક્યાં પહોંચી ગયા…!
    ખૂબજ સદ્ધર વિચાર વૈભવથી છલોછલ માર્મિક વાત લાવ્યા છે કવિ…
    કવિકર્મને સો સો સલામ.

  3. તણખાનું તાંડવ
    હંમેશાં અવનવાં રુપ
    પ્રગટાવતું રહ્યું પૃથ્વીના ઉદ્‍ભવથી આ ક્ષણ સુધી.
    ……….

    સરસ..

  4. Maheshchandra Naik says:

    સરસ ગઝલ, અભિનદન………….

  5. કવિશ્રીને એમના જન્મદિવસની શુભકામનાઓ…

    સુંદર કાવ્ય… ઉત્ક્રાંતિ ઘણી બધી વસ્તુઓને જડમૂળથી બદલી નાંખે છે પણ જે શાશ્વત્ છે એ એમ જ રહેવાનું… સૂર્યના અગનગોળામાંથી છૂટી પડીને પૃથ્વીનો ઉદભવ થયો ત્યારનો અગ્નિ હોય કે બે ચકમકના પથ્થરો ઘસીને પેદા કરાયેલો પ્રથમ કૃત્રિમ અગ્નિ હોય કે પછી WTCની ભૂતાવળ હોય કે ગમે એ… શાશ્વતી કદી ભૂંસાતી નથી!!!

  6. Lata Hirani says:

    રાજેન્દ્રભાઇ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME