શ્રાવણ આવ્યો : ભાલણ

શ્રાવણ આવ્યો, જો રે, રાજની, શૂં કીજે ? નવ્ય જાય રજની.
શાંમસુંદર તો નાવ્યો રે, બાઈ, લંપટ સાથિ સી રે સગાઈ ?

તેહને તો ત્યાંહાં ઘણીએ મ્યલશ્યે, હઇડું અહ્‌મારું વિરહે બલશે.
બાપીડો ‘પીઉ પીઉ’ પોકારે, મનમથ પાંચે બાંણે મારે.

વીજલડી તણે ચમકારે, માહારા મનડાને અંગારે,
હોય નહિં જે એહને વારે, કાયા માહારે અમૃત ઠારે.

મોર બોલે છે એ પાપી, સહલે મ્યલીને હૂં સંતાપી,
વેલ્ય દેવડાંજાએ જૂઈ ફૂલ તણી ગંધે હૂં મૂઈ.

સઘલાં વાહાલાં તો લાગે, રમીએ પથ રમતાં તાં આગે,
વૃંદાવન માંહિ હરિ સાથે ફૂલ વીણીએ વલગી હાથે.

હરજી હાર ગૂંથી પેહરાવે, તો મુઝ મોર નાચતો ભાવે.
ફોરાં લાગે, કાયા કાંપે, સુંદરવર રદયા-સું ચાંપે.

વિરહણીને વરસે તો બલતૂં, ઉહલાનું નવ્ય દીસે વલતૂં.
વરસાડો વાહાલો તાં તેહને, વશે હોય મન કાંન્યે જેહનેં.

કો છે જે નંદસુતને લ્યાવે, માહારા રદેનો તાપ સમાવે ?
અથવા માહારા ચીતને વાલે, પીતાંબર-સું પ્રીત જ ટાલે ?

તેણે કરી હૂં ઘણૂં વીગૂતી, એકે દિન સુખે નવ્ય સૂતી.
એ વિરહે મરવું તે વારુ, આસા જૂઠી આવ્યા સારુ.

ત્યાંહાં તો ચાલી ન જવાએ, એહવાં નીલજ ક્યમ થવાય ?
ભાલણપ્રભુ રાખે કે ન રાખે, જેહને ચાલતું સીતા પાખે,
તેહને તો ત્યાંહાં બીજી નોહતી, તેહને છે ઘણીએ પહનોતી.

- ભાલણ

( રાગ : મલ્હાર )

ભાગવતના દશમસ્કંધનો સારાનુવાદ કરતાં ભાલણે, કૃષ્ણલીલાનાં સુંદર શબ્દચિત્રો આલેખ્યાં છે.  ભાલણની રચનાઓની હસ્તપ્રતમાં ક્યાંક રાધા-કૃષ્ણનાં  રંગચિત્રો પણ જોવાં મળે છે.  કે.કા.શાસ્ત્રીનાં માર્ગદર્શન હેઠળ ધીરુભાઈ દોશીએ નોંધ્યું છે કે, હસ્તપ્રતોમાં પણ, લહિયાએ સમયાનુસાર છૂટ લઇ,  શબ્દોમાં ફેરફાર કરેલો જોવા મળે છે.  આજની આ રચનામાં, જોડણી અને શબ્દો મેં જાણીજોઇને યથાવત્‌  રાખ્યાં છે.  વળી, દરેક પદોમાં રાગનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે, પંદરમી સદીમાં પણ તેઓ કેટલાં કળાકુશળ હતાં. વળી, તેઓએ વ્રજ ભાષામાં પણ પદો લખ્યાં છે.

.

.

.


2 Comments to “શ્રાવણ આવ્યો : ભાલણ”

  1. સાદ્યંત સુંદર રચના… ધીરજપૂર્વક વાંચવી પડી પણ કવિતાનું આ અપ્રતિમ સૌંદર્ય આજના મોટાભાગના કવિઓને પણ હસ્તગત નથી…

  2. Pinki says:

    વિવેકભાઈ, આપની વાત તદ્.ન સાચી છે.

    આશરે પંદરમી સદીની આસપાસ લખાયેલ આ રચનાનાં શબ્દોને જાણીજોઇને જ પુસ્તક પ્રમાણે રાખ્યાં છે. જેથી કરીને જે તે સમયને પણ શબ્દોમાં સાચવી શકાય !!!

    ન સમજાતાં/ઉકેલાતાં શબ્દોનું સરળીકરણ આ મુજબ થઇ શકે

    શ્રાવણ આવ્યો, જો રે, રાજની, શૂં કિજે ?(શું કરું) નવ્ય (ના) જાય રજની.
    શાંમસુંદર (શ્યામસુંદર) તો નાવ્યો( ના આવ્યો) રે, બાઈ, લંપટ સાથિ (સાથે) સી રે સગાઈ ?

    તેને તો ત્યાં ઘણીએ મળશે, હૈયડું મારું વિરહે બળશે.
    બાપીડો(બપૈયો) ‘(પિયુ પિયુ )’ પોકારે, મનમથ (મન્મથ) પાંચે બાંણે મારે.

    મન્મથ = કામદેવ ,બાપીડો = બપૈયો
    સ્ત્રીપુરુષની મિલનતૃષાને , બપૈયાની તરસ કે જે, વરસાદમાં જ તૃપ્ત થાય તેની સાથે કવિઓ સરખાવે છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME