એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું : અલ્પેશ ‘પાગલ’

.

.

આ જે બધું આગળ જતા દિવાનગી થઈ જાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

આવે જો એ સામે તો એને ઓળખી પણ ના શકું હું, તે છતાં એ યાદ છે ને હુંય એને યાદ છું ,
એક ખાસ ચહેરામાં હજુ પણ આવીને અટવાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

અહીંયા મહોબ્બત જેવું મારા દોસ્ત કૈં હોતું નથી, ને કોઈ પોતાની કોઈ ઇચ્છા વગર રોતું નથી,
બોલો જગત મધ્યે બજારોમાં બધું વેચાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

અહીં તરજુમો પણ લાગણીનો હોય છે કેવો સરસ, જો એ સમજવું હોય તો ગઝલો વચાળે આવ મળ,
આ શાયરીમાં આવીને સાવ જ સહજ સચવાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

સહેલી જ લાગે વાત એ પણ સાવ સહેલી તો નથી, એ શીખવે છે જાતને આ કમનસીબી આપણી,
‘પાગલ’ની અંદર કેટલા યુદ્ધો હજી ખેલાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

- અલ્પેશ પાઠક ‘પાગલ’

.

.

આપણી અંદર, એક પીડા, એક ઇચ્છા, અને એક વળગણ જ  કૌરવ-પાંડવ બની કુરુક્ષેત્રનું યુદ્ધ લડતાં હોય છે.  પણ,  એક ‘હું’ – સારથિ કૃષ્ણ ક્યાં ??! ઘણી વાર લાંબી બહરની ગઝલમાં રદીફ, કાફિયા ફેવિકોલથી ચોંટાડ્યાં હોય તેવું લાગતું હોય છે. પણ, સહજપણે, લાગણીનો તરજૂમો શાયરીમાં, ગઝલમાં સચવાઇ જાય છે, તેવી આ લાંબી બહરની ગઝલ માણવી જરુર ગમશે.

.

.

.


7 Comments to “એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું : અલ્પેશ ‘પાગલ’”

  1. લાંબા રદીફમાં સરસ કામ થયું છે.

  2. માણસ હોવાની ચાર વ્યથા-એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું
    માણસ હોવાની ચાર માન્સિકતા=દિવાનગી,ઓળખ,મહોબ્બત અને તરજુમો,
    એ શીખવે છે જાતને આ કમનસીબી આપણી,
    ‘પાગલ’ની અંદર કેટલા યુદ્ધો હજી ખેલાય એ શું ?–આ એમાથી ઉદભવેલો પ્રશ્ન
    પોતાની શોધ એટલી સહેલી નથી…

  3. લયસ્તરો પર આ ગઝલ મૂકી હતી ત્યારે જે ટૂંકનોંધ મૂકી હતી એ દોહરાવવાની લાલચ રોકી શક્તો નથી:

    લાંબી રદીફની અને લાંબી બહેરની સરસ ગઝલ… દુઃખની નાડ સુધી પહોંચવાની કોશિશ. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે અપેક્ષા એ દરેક દુઃખનું કારણ હોય છે. આ રદીફને ઊલટી વાંચીએ તો ?

    એક હું, એક વળગણ, એક ઇચ્છા, એક પીડા

    એક ‘હું’… હોવાપણું… હોવાનો અહમ્… ‘હું’ના હોવાપણાંના કારણે ઊપજતાં વળગણ… વળગણ પછી પલોટાય ઇચ્છામાં અને ઇચ્છા બને કારણ પીડાનું…

  4. ‘પાગલ’ની અંદર કેટલા યુદ્ધો હજી ખેલાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

    સરસ

  5. Ashok Jani says:

    Moti baher ma saras gazal, (Gujarati Key board muki shakay ??) gujarati ma type karva nishfal prayas karyo pan…

    Pinki : Ashokbhai, Gujarati type pad is already uploaded in comment section. May be, it didn’t work your computer ?!!

  6. સરસ ગઝલ.

  7. aa to maaro angat kavi mitra 6…. Lambi Raddifmaa ene je kaam karyu 6 e kharekhar birdaav vaa laayaka 6. Nakhshikh premaal maanas 6. ane etlo j saras gazalkaar pan….

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME