પરભાતે મહી મથવા : નરસિંહ મહેતા
.
.
પરભાતે મહી મથવા ઊઠ્યાં જશોદારાણી,
વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણિ.
માતા રે જશોદા તારાં મહીડાં વલોવું,
બીશો ના માતાજી હું ગોળી નહીં ફોડું;
ધ્રૂજ્યો મેરુને એને ધ્રાસકો રે લાગ્યો,
રવૈયો કરશે તો તો નિશ્ચે હું ભાંગ્યો.
વાસુકિ ભણે ‘મારી શી પેર થાશે ?’
નેતરું કરશે તો તો જીવડો રે જાશે.
મહાદેવ વદે, મારી શી વલે થાશે ?
હવેનું આ હળાહળ કેમ રે પીવાશે.
બ્રહ્મા ઇંદ્રાદિક લાગ્યાં રે પાય,
નેતરું મૂકો તમે ગોકુળરાય;
જશોદાજી કહે હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસિંહનો સ્વામી.
- નરસિંહ મહેતા
.
શ્રાવણ એટલે કે, ઇશ્વર માટે પ્રેમ અને ભક્તિનો મહિનો. આમ તો, ભોલે શંકરને જ દૂધ – બીલીથી ખુશ કરવાનો મહિનો. પણ, હમણાં જ જન્માષ્ટમી ગઇ છે તો કૃષ્ણલીલાનું વર્ણન કરતાં કેટલાંક ગીત – ભજનોને માણીશું. બાળ કાનુડો, મૈયા જશોદાને મહી વલોવવાની મદદ કરવાનું કહે છે. ત્યારે સર્વ દેવી-દેવતાઓને સમુદ્ર-મંથન યાદ આવી જાય છે. વિષ્ણુ ફરીથી જો મહી વલોવવા બેસી જશે તો ? - આથી મેરૂ ( એક પર્વત) અને વાસુકિ નાગ ( જેને દોરડું બનાવ્યું ) ની મદદથી સમુદ્રમંથન કરેલું તે બન્ને કહે છે, હવે ફરીથી સમુદ્ર – મંથન કરશો તો અમારું શું ? વળી, મહાદેવજી કહે છે, હવે ફરીથી ઝેર નીકળશે તો હું કેમ કરીને પીશ ? આથી બ્રહ્મા – ઇંદ્ર સર્વે દેવી-દેવતાઓ બાલ કૃષ્ણને વિનંતી કરીને મહી વલોવવાની ના પાડે છે.
.
શબ્દાર્થ : ગોળી – દહીં વલોવવાનું એક ગોળ વાસણ. મેરુ – એક પર્વતનું નામ. ( તેને આધારે પૃથ્વી રહેલી છે અને ગ્રહો તેની આસપાસ ફરે છે. વળી, તે સોનાનો પર્વત છે, જેની ઉપર ઇંદ્રની નગરી વસેલી છે ) રવૈયો – દહીં વલોવવા માટેનો એક ઊભો વાંસ. (મંથનદંડ) વાસુકિ – નાગોનો રાજા. નેતરું - દહીં વલોવવા માટે રવૈયાને ફરતે ત્રણ-ચાર આંટા મારી વીંટવામાં આવેલું દોરડું. ( દેવ-દૈત્યોએ ભેગાં મળી, સમુદ્ર મંથન કરેલું ત્યારે મેરુ પર્વતનો રવૈયો કરેલો અને નેતરું વાસુકિ નાગનું બનાવેલું. તે ઘટના આધારિત ઉપરોક્ત ગીત છે. )
.
.
the attachments to this post:


નેતરુ…વિલુપ્ત થતો શબ્દ. સમય આવી ગયો છે આપણા મૂળ ભણી પરત વળવાનો..
પાચ દાયકા પોૂર્વે નિ કવિનિ કલ્પના … સુન્દેર રચ્ ના
સુંદર પ્રભાતિયું માણવાની મજા આવી!
સુધીર પટેલ.
સુંદર રચના… આપણા અમૂલ્ય સાહિત્યવારસાને જાળવવાની સરસ કોશિશ છે…