નખી સરોવર ઉપર શરત્-પૂર્ણિમા : ઉમાશંકર જોશી
.
.
પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ
વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ,
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.
ત્યાં તો જાણે જલવિધુ તણાં ચારુ સંયોગમાંથી,
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી ?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.
- ઉમાશંકર જોશી
( માઉન્ટ આબુ, ઓક્ટોબર, ૧૯૨૮ )
.
.
જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મશતાબ્દીએ વૅબમહેફિલ તરફથી કવિશ્રીને શત શત વંદન. સત્તર વર્ષની ઉંમરે શરદપૂર્ણિમાનાં દિને, નખી સરોવરનાં કાંઠે પ્રકૃતિસૌંદર્ય માણતાં માણતાં એમનું ઉરઝરણ ગાઇ ઊઠે છે આપમેળે. અને તેમની કલમે રચાય છે સૌ પ્રથમ સોનેટ. સોનેટનાં પ્રથમ અષ્ટકમાં કવિ નખી સરોવરનું દ્રશ્યાત્મક શબ્દચિત્ર દોરે છે તો દ્વિતીય ષષ્ટકમાં ઝંકૃત હૃદયની અનુભૂતિઓનું વર્ણન કરે છે.
શરદપૂર્ણિમાનાં ચંદ્રનું પ્રતિબિંબ ઝીલી રહેલ નખી સરોવરને જોઇ , એટલે કે, જલવિધુનો રમણીય (ચારુ) સંયોગ જોઈ, કવિની હૃદયવીણાનાં તાર કો’ કુસુમ જેવી કોમળઅંગુલિ સ્પર્શ કરી ઝંકૃત કરી જાય છે. જાણે કે, એકાન્તમાં પ્રકૃતિ પોતાનાં સૌંદયને શબ્દાવલિમાં કવન કરે છે !
.
શબ્દાર્થ : શૃંગમાલા - પર્વતનાં શિખરની હારમાળા, તટ - કિનારો , તરુ - વૃક્ષ , વારિતરંગ - પાણીનાં મોજાં, અભ્ર - આકાશ, વાદળ, શુભ્ર – શ્વેત, સફેદ, વીચીમાલા - તરંગ કે મોજાંની હારમાળા, અનિલલહરી – પવનની લહેર, વલ્લરી - વેલ, લતા, જલસેજ – પવનની ગોદમાં, ગાત્ર – હાથ, પરિમલ – સુગંધ, પલ્લ્વપ્રાન્ત – તાજાં ફૂટેલ કૂંપળ કે પાનનો સમૂહ ( bushes ) , વિધુ - ચંદ્ર, ચારુ – રમણીય, મનોહર.
.
.
.
.
the attachments to this post:



બ. ક. ઠાકોર કે કાંતની અસર હેઠળ લખાયેલુ આ શરદ ચિત્ર પૂર્વસૂરીઓને પણ ઉત્તમ અંજલી બની રહે છે.ક્યારેક એનો કંપેરિટીવ આસ્વાદ વેબ પર મુકીશ બકઠાના આવા કવ્યની તપાસ કર્યા પછી-
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.(મારું)
Pinki : sure uncle, we are waiting !
શ્રી પીન્કીબેન,
સરસ રચના, સોનેટ કાવ્યોમા શિરમોર સમુ, કવિશ્રીને લાખલાખ સલામ અને સ્મૃતિવંદના, આપનો આભાર…………….
મારા ઉપરોક્ત ઈમેલ આઈ-ડી પર આપના બ્લોગ પર મુકાતી રચનાઓ મોકલશો તો આભારી થઈશ.