મુકામ પોસ્ટ માણસ : નયન દેસાઈ
.
જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ,
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ.
રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ,
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.
બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે,
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.
ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા,
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.
કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે,
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.
- નયન દેસાઈ
.
.
થોડાક સમય પહેલાંની જ વાત છે… જ્યારે સંદેશા વ્યવહાર માટે પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જેમાં પત્ર મોકલનારનું સરનામું લખવામાં આવતું અને અંતમાં મુ.પો. એટલે કે, મુકામ - સ્થાન અને પોસ્ટ લખવામાં આવતું. કવિ પણ આ ગઝલમાં કોઇક સંદેશો ‘માણસ’ને આપવા માંગે છે અને આથી જ રદીફ રાખે છે મુકામ પોસ્ટ માણસ.
સૂરજ રોજ એક નવી આશ લઇને ઊગે છે પણ જિંદગી જીવતાં જણને તૂટી ગયા પછી તો મળે છે તૂટેલાં ફૂટેલાં અરમાનોનું પાર્સલ . મંઝિલ પર જિંદગી દિવાલ ખડી કરતી હોય ત્યાં પડછાયા જ દેખાય.. પણ તેને કહેવું છે એટલું જ કે, સૂરજ ઊગ્યાનું લખી દો – મુકામ પોસ્ટ માણસ.
જો કે, જખ્મીપુરા જિલ્લામાં રહેતો ‘માણસ’ ઘરનંબરે થોડો મળે ? એ તો સૂતો છે કો’ક કાળમીંઢ ખડકોની નીચે… એ શ્વાસોને ચૂંટી ખણી જગાડવા છે. હા..મરિયમની ભ્રમણાએ બદલ્યું છે સરનામું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ. ક્યારેક તો ‘માણસાઇ’ના જર્જરિત ખંડેરોને આ ટપાલ મળશે જ ને !
.
.
.
.

મરિયમની ભ્રમણાવાળો છેલ્લો શેર હકીકતમાં ધૂમકેતુની લબ્ધખ્યાતિ વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ના સંદર્ભમાં લખાયેલ છે. કોચમેન અલી ડોસો એની દીકરી મરિયમની ટપાલની આજીવન પ્રતીક્ષા કરતો રહે છે અને લોકો એને પાગલ ગણી લે છે… એ જ્યારે સાચે જ પાગલ થઈ અવસાન પામે છે ત્યારે છેક છેલ્લે એની મરિયમની ટપાલ આવે છે અને આ વખતે પોસ્ટ માસ્ટરને આંચકો લાગે છે…
સાચી વાત છે… વિવેકભાઇ.
કવિએ ધૂમકેતુની પ્રખ્યાત વાર્તા “પોસ્ટ-ઓફિસ” નો સંદર્ભ લઈ અંતિમ શેરમાં મરિયમની ભ્રમણાનો ઉલ્લેખ કર્યો છે.
આપણે તો પાઠ્યપુસ્તકમાં પણ ભણેલાં. અને કદાચ આ જ વાર્તા – જે પહેલ વહેલી વાર અંદરથી હચમચાવી ગયેલી. હજુ પણ અમુક વાક્યો તો યાદ છે. ” કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઇ છે. ”
અન્ય વાચકો માટે, તે વાર્તાની લિંક મૂકું છું.
http://rdgujarati.wordpress.com/2006/04/12/post-office/
જો કે, આશા રાખું કે, મરિયમની ભ્રમણા અહીં પણ સાચી જ ઠરે.. અને મુકામ પોસ્ટ માણસનાં સરનામે લખેલ આ પત્ર સાચા સરનામે એટલે કે, ‘માણસ’ને મળે.
આ ઈ-મેઈલ ને ચેટ ના જમાના માં મુકામ પોસ્ટ ખરે જ એક અલગ પ્રભાવ છોડે છે અને અલી ડોસા ની વાર્તા તો આંખ ને ભીંજવી જાય છે…અંત ખબર હોવા છતા ચોટ લાગે છે…