કૈંક જડવું જોઇએ : રતિલાલ ‘અનિલ’

.

સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ.

બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ.

એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ.

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ.

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ.

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ.

પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે,
આળ જેવું કૈંક ચડવું જોઇએ.

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
એય તક છે, કૈંક જડવું જોઇએ.

– રતિલાલ ‘અનિલ’

.

.

જાતની સાથે ઝઘડવું એટલે, આત્મચિંતન.  જો તટસ્થપણે મનોમંથન કરીએ તો,  આત્મચ્છિદ્ર મળી જ આવે એટલે કે, આપણું જ કોઇ કડવું સત્ય જડી જાય.   ભીનાં ને ભીનાં સડવું એનાં કરતાં તો આત્મપ્રકાશનાં તાપમાં પોતાનાં દોષને દૂર કરવો તે વધુ સારું.  કારણ, આખરે આપણે તો માનવ – ઈશ્વર નિરાકારી નિર્ગુણ સ્વરુપે છે પણ આપણે તો આપણી જાતને ઘડવી જ પડે.

.

.

.

.


2 Comments to “કૈંક જડવું જોઇએ : રતિલાલ ‘અનિલ’”

  1. sanjeev mehta says:

    very shatik…sha na na

  2. Anila Amin says:

    ખાલેીપોતો બહુ ખખડે પણ એનો અવાજ આ બહેરા કાનવાળાઓને સમ્ભળાયતો આત્મ નિરેીક્ષણ
    કરાયને! અહિતો બધાને જે આપોઆપ મળ્યુ છે અએમાજ આગળ વધવુ છે અને જીન્દગી જીવવી છે.સત્ય હમ્મેશા કડ્વુજ હો પણ એ વાત કોઇના ગળે ઉઅતરતી નથી.

    બહુ સરસ ભાવાર્થયુક્ત રચના- તમસો મા જ્યોતિર્ગમય—

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME