વિગત : કીર્તિકાંત પુરોહિત
.
ઈશ્વરે ખુદ લખી છે વિગત ડાયરીમાં,
છળ કરે આચરણ સત્યનું માનવીમાં.
ભરજુવાની પવન લૂંટતો’તો કળીની,
ક્રોધથી નસ ઉપસતી રહી પાંદડીમાં.
શબ્દને લય, વજન, છંદનું દાપું દઈને,
પોંખવી છે ગઝલ, સૂરની પાલખીમાં.
માનવી જાત છે જાનવરની કહીને,
માનવી માનવીથી ડરે ખાનગીમાં.
ખુદને જો ખુદની જોઇએ કોઈ ઓળખ,
જાતને ડુબાડવી યે પડે આરસીમાં.
‘કીર્તિ’ – ના ધૂળ સમજો, ન માથે ચઢાવો,
એક વીંટી સમી જાળવો આંગળીમાં.
- કીર્તિકાંત પુરોહિત
.
.
ઈશ્વરની ડાયરીની વિગતો જાણવાનું કોને ન ગમે ? કીર્તિઅંકલ પણ એવી જ કઈક વાત કરે છે. તો પાંદડીમાં ઉપસેલી નસો નું કલ્પન અનેરું છે.
.
.
.
.

સરસ ગઝલ….
ખુદને જો ખુદની જોઇએ કોઈ ઓળખ,
જાતને ડુબાડવી યે પડે આરસીમાં
આ શેર વધુ ગમ્યો.
કવિને અભિનંદન.
ભરજુવાની પવન લૂંટતો’તો કળીની,
ક્રોધથી નસ ઉપસતી રહી પાંદડીમાં.
બહુ સરસ !!
માનવી જાત છે જાનવરની કહીને,
માનવી માનવીથી ડરે ખાનગીમાં.
માનવીને નર્સિંહ સ્વરુપે,ટેરરિસ્ટ સ્વરુપે અને બર્બેરિયન સ્વરુપે સહજમા સમ્જાવી દીધો…
વાહ, સુંદર ગઝલનો મક્તા કમાલ છે!
સુધીર પટેલ.
વાહ વાહ ,,, સરસ રચના. વિચરતા કરિ મુકે..
સરસ રચના… જો કે અંતભાગે એક વધારાનો ગુરુ ગઝલની મૌસિકીમાં ખલલ કરતો હોય એમ ભાસ થયો.
ભરજુવાની પવન લૂંટતો’તો કળીની- કળી અને કળીની ભરજવાનીની વચ્ચે બહુ વધારે જગ્યા ઊભી થઈ ગઈ છે પરિણામે મિસરો કૃતક લાગે છે. આમ લખી શકાય?-
લૂંટતો’તો પવન ભરજુવાની કળીની…