Archive for the ‘ગુજરાત’ Category
ગુર્જરીસ્તોત્ર : ઉશનસ્
Sunday, May 2nd, 2010
જય જય ગુર્જરભૂમિ !
જય હે ગુણિયલ, હે અમિયલ ગુર્જરભૂમિ !
જય જય ગુર્જરભૂમિ.
આનર્ત, કચ્છ, સૌરાષ્ટ્ર, ચરોતર, દક્ષિણ લાટપ્રદેશ,
બનાસ, સાબર, મહી, નર્મદા, તાપી, સમદર શેષ,
અર્બુદગિરિ, ગિરનાર, પવનગઢ રક્ષક રહ્યાં ઝઝૂમી.
જય જય ગુર્જરભૂમિ.
છીછરી વ્હેતી તવ સરિતાઓના ઘાટે શોભિત ફૂલ,
ભરચક પાક ભરેલાં ડોલે ખેતર, મધુવનફૂલ,
ફળફૂલભારવતી તરુરાજિ વલ્લરી લૂમી ઝૂમી.
જય જય ગુર્જરભૂમિ.
કાઠી, ખારવા, મેર, રબારી, બારૈયા, વાઘેર,
તવ જળસ્થળવન નિર્ભય ઘૂમે ગીર શા સાવજ શેર,
સોમનાથ, જગજનની, દ્વારકાધીશની પાવનભૂમિ !
જય જય ગુર્જર ભૂમિ.
સિદ્ધપુર, અણહિલપુરપાટણ, સોમનાથ ખંડેર !
સ્તંભતીર્થ, ભૃગુકચ્છ, વલભીપુર શાં પ્રાચીનનેર !
અતીત ભૂત થઈ ભટકે અહિં તવ અવશેષો ચૂમી !
જય જય ગુર્જર ભૂમિ.
સિદ્ધરાજ મહારાજ, પરશુધર સાર્વભૌમ દ્વિજરાજ,
પ્રેમ ભટ્ટની અમર માણ ને નરસિંહની કરતાલ,
કૃષ્ણ રમાને નર્મદ મોહન જંગ ગયા જ્યહીં ઘૂમી.
જય જય ગુર્જરભૂમિ.
સુંદર કુસુમિત વલ્લરીઓ શી રાસ રમે અહીં નારી,
કચ્છી, પારસી, મેમણ, કોળી, પંચખંડ ઘરબારી !
પૃથ્વી તણાં પાદર ખૂંદે પણ રટણા ‘તુમી તુમી’
જય જય ગુર્જર ભૂમિ.
હે વ્યવહારકુશળ, દાનેશ્વરી, પ્રેમપરાક્રમશૂર !
તવ મુખ આભામંડળ વિલસે રવિશશી ઉભયે નૂર !
વિશ્વસભામાં સહુ સંગે તવ આસન જોઉં નજૂમી.
જય જય ગુર્જર ભૂમિ.
- ઉશનસ્
ગુર્જરભૂમિનાં ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક મૂલ્યો,સ્થળો તો ગુર્જરી જાતિ અને વિભૂતિઓનો ઉલ્લેખ કરી, કવિ અંતમાં રવિ-શશીનું તેજ જે ગુર્જરીનાં મુખ પર દીપે છે તેને વિશ્વસભામાં સૌ સાથે આસન મળે તેવી અભિલાષા વ્યકત કરે છે. સ્વર્ણિમ ગુજરાતનાં અવસરે, આ અભિલાષા પરિપૂર્ણ થાય તેવી જ અભ્યર્થના.
શબ્દાર્થ : અમિયલ – અમૃત ભરેલ, રસકસવાળી ધરા, આનર્ત – કાઠિયાવાડનું પ્રાચીન નામ, લાટ પ્રદેશ - મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ, સમદર – સમુદ્ર, અર્બુદગિરિ – આબુ પ્હાડની આસપાસનો વિસ્તાર, પવનગઢ – પાવાગઢ, ( તે કુદરતી રીતે જ ગુજરાતની રક્ષા કરે છે અને આથી ગુજરાતનો હિમાલય પણ ગણાય છે ) વલ્લરી - વેલી, લતા, પરશુધર – પરશુરામ, સ્તંભતીર્થ – ખંભાતનું પ્રાચીન નામ.
.
હું ગુર્જર ભારતવાસી : ઉમાશંકર જોશી
Saturday, May 1st, 2010

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી.
હું ગુર્જર ભારતવાસી.
અર્બુદ અરબસમુદ્ર વચાળે,
ધરતીનાં આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે;
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી.
હું ગુર્જર ભારતવાસી.
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં. (અહીંયા)
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
હું ગુર્જર ભારતવાસી.
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત,
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી.
હું ગુર્જર ભારતવાસી.
ગિરિચટ્ટાન સમાણી છાતી,
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી;
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.
- ઉમાશંકર જોશી
( ૨૯.૪.૧૯૬૦ )
મહાગુજરાત આંદોલન શરુ કરી નવલોહિયા યુવાનોએ લોહી વહાવી આપણને સૌને અલગ ‘ગુજરાત’ અપાવ્યું તે સૌને નતમસ્તક વંદન. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ તે પૂર્વે, ઉમાશંકર જોશીની કલમ ગાઇ ઊઠે છે, હું ગુર્જર ભારતવાસી….! જ્યારે જ્યારે અલગ રાજ્યની માંગણી ઊઠી છે ત્યારે દેશનાં ટુકડા થઇ જશે તેવો ડર સતાવે છે. પણ આજે મને પ્રશ્ન થાય છે, જો ગુજરાત સ્વતંત્ર ન થયું હોત તો તેનો વિકાસ આટલો શક્ય હોત ? જે વિકસિત મુંબઇ માટે મહારાષ્ટ્ર અને ગુજરાત લડતું હતું … આજે પચાસ વર્ષે “Times of India” કહે છે, શું અમદાવાદ મુંબઈનું હરીફ બની રહ્યું છે ? - જે આપણાં સૌ માટે ગર્વની વાત છે. કુટુંબનાં સભ્યોની સંખ્યા વધી જાય તો શું આપણે તેને જુદાં ઘર નથી કરી આપતાં એવું કંઈ શું ના વિચારી શકાય - અને અંતે તો આપણે સૌ ભારતવાસી જ છીએ એક જ માટીનાં સંતાન !
‘ગુણવંતી ગુજરાત’ નાં સુવર્ણજયંતિનાં અવસરે સૌ ગુજરાતી ( એટલે કે, ગુજરાતમાં રહેનાર દરેક પ્રાંત/રાજ્ય/દેશનો નાગરિક) જગત નાગરિક બની ભારતનું નામ રોશન કરે તેવી મબલખ શુભેચ્છાઓ સહ. હાલમાં જ અમદાવાદનો છસોમા વર્ષમાં પ્રવેશ અને હવે ગુજરાતની સુવર્ણ જયંતિ … આ સુંદર યોગાનુયોગને વૅબમહેફિલ પર અવનવાં ગુજરાતનાં કાવ્યો માણીને ઉજવીશું ?!
.
ગુણવંતી ગુજરાત : અરદેશર ખબરદાર
Friday, May 1st, 2009
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત !
મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત !
સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત !
ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત !
સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત !
હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત !
ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર
અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !
- અરદેશર ખબરદાર
‘મહાગુજરાત આંદોલન’ની ચાર વર્ષની ચળવળ બાદ પહેલી મૅ, ૧૯૬૦નાં રોજ બૃહદ્ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઈ. તે વખતે મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર્, ગુજરાત, કચ્છ વિ. બૃહદ્ મુંબઈ રાજ્યનાં અલગ અલગ પ્રાંત હતાં. મૂકસેવક રવિશંકર મહારાજનાં હસ્તે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતની સ્થાપના કરવામાં આવી. અને ત્યારથી જ અસ્પૃશ્યતા નિવારણ અને દારુબંધીનો કાયદો અમલમાં હતો. તો વળી, રવિશંકરે દેશની આઝાદીનાં ૧૨ વર્ષ બાદ પણ , સમગ્ર ભારતમાં સરકારી ઓફિસોમાં ચાલતાં અંગ્રેજી વ્યવહારને ગુજરાતમાં તો ગુજરાતીમાં અમલ મૂકવાનું સૂચવ્યું ..! ! ગુજરાતનું પાટનગર પહેલાં અમદાવાદ હતું પણ પછીથી ગાંધીનગરની રચના કરવામાં આવી અને તેને પાટનગર બનાવવામાં આવ્યું. આ વર્ષે ગુજરાત પચાસમા વર્ષમાં પ્રવેશ કરશે….. સરકારની તો ખબર નહિં કદાચ ચૂંટણીની ધમાલમાં શું કરે ?!! પણ આપણે ચોક્કસ જેણે આપણને પચાસ વર્ષ સાચવ્યાં તેનો ખબરદાર કહે છે તેમ, ” એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર ” ! મેહુલ સુરતીએ સ્વરાંકિત કરેલ આ ગીતને આપ ‘ gunvanti ‘ પર ક્લીક કરવાથી સાંભળી શકશો.
.

