Archive for the ‘અંકિત ત્રિવેદી’ Category
ગીત : અંકિત ત્રિવેદી
Tuesday, September 27th, 2011.
.
એક છોકરો સૂતો સૂતો તારા માટે વેઇટ કરે છે,
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ લેઇટ કરે છે.
આગળ પાછળ તારી એ, આખો દી ફરતો રાઉન્ડ રે,
એના આખા જીવનનું તું લાગે છે કમ્પાઉન્ડ રે;
ક્યારેક આવી ખોલે છે તું, કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો ગેઇટ કરે છે,
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ લેઇટ કરે છે.
ધીમે ધીમે પડશે સમજણ, કેવી છે આ થીમ,
ધોધમાર તો પછી વરસવું,પહેલા તો રીમઝીમ;
તારા માટે તડપે છે એ, નાહકનો એને તું હુ ઇઝ ધેટ કરે છે,
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ લેઇટ કરે છે.
- અંકિત ત્રિવેદી
.
.
માર્ચ ૯, ર૦૦૯નાં રોજ અંકિત ત્રિવેદીને વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી આપણે સૌએ ગીતપૂર્વક જન્મદિનની શુભેચ્છાઓ આપેલી. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૧ રવિવારનાં રોજ અંકિતના ગીતસંગ્રહ ‘ગીતપૂર્વક’નું વિમોચન કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે યોજવામાં આવેલું.
.
.
અંકિત ત્રિવેદીને ગીતપૂર્વક - પુસ્તક ‘ગીતપૂર્વક’ માટે વૅબમહેફિલ અને તેના વાચકો તરફથી અભિનંદન.
.
.
.
.
કાનજીના મોબાઈલમાં : અંકિત ત્રિવેદી
Sunday, September 12th, 2010.

.
કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રીંગટોન રાધાનો વાગે,
જન્મો જનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.
મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.
s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું ;
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં,વાંસળી વાગે છે એક રાગે.
- અંકિત ત્રિવેદી
.
નરસૈંયાનો સ્વામી જ્યારે અંકિત ત્રિવેદીનો ‘કાનજી’ બને છે ત્યારે , તેમનાં મોબાઇલનો રીંગટોન રાધા બને છે. નેટવર્ક પ્રોબ્લેમ હોય ત્યારે સપનાનો ટોકટાઇમ ફ્રી પણ મળે અને મોબાઇલની બેટરી ખાલી થઇ જાય તો પછી તો વળી એ જ મનોહર મોરલી… ! ટેકનોલોજીના આ યુગમાં જન્મોજનમની ઘેલી રાધાકૃષ્ણની પ્રીતની રીત બદલાય છે એટલું જ , બાકી તો આજે પણ કવિઓને કૃષ્ણ માનીતો વિષય રહ્યો છે. મીરાં , નરસિંહથી સાંપ્રતકાળનાં કવિઓની કૃષ્ણવિષયક રચનાઓ આપ સૌને માણવી ગમી હશે. કાલથી ફરી અન્ય નવીન રચનાઓ માણીશું.
.
.
.
મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી
Friday, August 13th, 2010
( વ્હેતી હવા … અને દેખાઇ જાય તું )
સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !
તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !
એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !
મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !
કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !
- અંકિત ત્રિવેદી
પ્રેમ એટલે જ તાજગી… અને એમાં પણ ‘તાજો’ જ પ્રેમ થયો હોય તો – અંકિત ત્રિવેદી આ ગઝલમાં કહે છે એમ, વહેતી હવામાં પણ પ્રિયજન દેખાય , કોઇ બીજાને ફોન કરતાં હોઇએ તો ‘એનો’ જ નંબર જોડાઇ જાય ! ’તાજા’ પ્રેમ જેવી ,તો વળી, અંકિત જેવી જ તાજગી સભર એક ગઝલ .
.
આંખોમાં નૂર છે : અંકિત ત્રિવેદી
Wednesday, April 14th, 2010
સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે,
ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે ?
કૈં એમ તારાથી રહ્યો છું હું નજીક ખુદા,
જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે.
ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને,
અંદર છે એવું કોણ જે કડિયો, મજુર છે.
દરિયાનાં મોજાં એમ કદી ઊછળે નહીં,
ભરતી નદીના જીવનું ધસમસતું પૂર છે.
લોકો નશાનું નામ એને આપતાં રહ્યાં,
તમને મળી લીધાનું જ આંખોમાં નૂર છે.
- અંકિત ત્રિવેદી
અંકિતભાઇની ગઝલ એટલે – આ ગઝલ છે, એની રીતે બોલશે; કોઈ સાધો, કોઈ આરાધો નહીં….. !
.
વાત મારી : અંકિત ત્રિવેદી
Tuesday, March 9th, 2010
વાત મારી વિસ્તરી છે ત્યારથી,
શ્વાસમાં એને ભરી છે ત્યારથી.
આપણે છૂટાં પડયાં ને જ્યારથી,
સાંજ મારી નીતરી છે ત્યારથી.
તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાથના તારી કરી છે ત્યારથી.
ગાજતું આકાશ ના વરસ્યું કદી,
હા, તમારી ખાતરી છે ત્યારથી.
ને ટહુકો ઝાડ પર બેસી ગયો,
યાદ તારી સાંભરી છે ત્યારથી.
સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,
આંખ તારા પર ઠરી છે ત્યારથી.
એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી.
- અંકિત ત્રિવેદી
અંકિત ત્રિવેદીની તરવરતી કલમે માણીએ તેમની વિસ્તરેલી વાતને. અને, હજુ પણ વિસ્તરો તેવી જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.
મળી જઇશ કોઇ પ્રાસમાં : અંકિત ત્રિવેદી
Wednesday, July 22nd, 2009
તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.
ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં.
સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી,
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં.
માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે,
નીકળ્યો હશે પછી પવન તપાસમાં.
તું મથામણો કરી ગઝલ લખી તો જો,
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં.
- અંકિત ત્રિવેદી
તું મને ન શોધ ક્યાંય આસપાસમાં…. ! હા… એટલે, હવે અંકિત ત્રિવેદીનું નવું સરનામું ક્યાંક આસપાસમાં જ છે. તેમણે પણ પોતાનો અંગત બ્લૉગ શરુ કર્યો છે. જેમાં આપ સૌ તેમની રચનાઓ માણી શકશો એટલેકે તેમને જાતે મળી પણ શકશો…. ! વૅબમહેફિલનાં વૅબજગત પેજ પર અન્ય સાહિત્યકારોની વૅબસાઇટ્સ અંગે પણ માહિતી આપેલ છે.
.



