Archive for the ‘અજ્ઞાત’ Category
એક સમે હરિ હળધર સાથે : અજ્ઞાત
Wednesday, September 8th, 2010

.
એક સમે હરિ હળધર સાથે, રમતા તાળી દઇને હાથે,
આંગણિયામાં રે ખેલે.
માટીનું ઢેફું ત્યાં દીઠું, મોહનને મન લાગ્યું મીઠું,
હળવે લઇને રે લીધું.
બળભદ્ર અધીરા થઇને, કહ્યું જશોદાજીને જઈને,
કૃષ્ણએ માટી રે ખાધી.
ઉતાવળા માતાજી આવે, પકડી હાથ હરિને ધમકાવે,
તેં કેમ માટી રે ખાધી ?
‘ના, ના’ કહી હરિ માથું ધુણાવે, આંખ મહીં આંસુડાં લાવે,
મેં નથી માટી રે ખાધી.
જશોદાજી કહે હું નવ માનું, તારા ઢંગ બધા હું જાણું,
માર્યા વિના રે ન મૂકું.
સાચી વાત હશે જો તારી, તો નથી શિક્ષા હું કરવાની,
ઉઘાડ તારું રે મોઢું.
સુણી વચન હરિએ મુખ ઉઘાડ્યું, વિશ્વ સમસ્ત મહીં દેખાયું,
માતા અચંબો રે પામ્યા.
- અજ્ઞાત
.
બાળ કૃષ્ણ રમતાં રમતાં માટીનું ઢેફું મોંમાં મૂકી દે છે અને ભાઇ બળરામ માતા જશોદાને ફરિયાદ કરે છે. પણ, નટખટ કાનુડો માતાજીને ના કહે છે અને માતા તેનું મુખ જૂએ છે તો સમસ્ત બ્રહ્માંડ તેના મુખમાં દેખાય છે. આ ઘટનાને કવિ ગીતમાં ઢાળીને રજૂ કરે છે. કવિનું નામ કોઇ જાણતું હોય તો જણાવવા વિનંતી. કારણકે, એક દાદાએ તેમની મમ્મીનાં દાદી પાસેથી શીખેલું એટલે કે, પાંચમી પેઢીએ આજે આપણી પાસે આ ગીત ઉપલબ્ધ થયું છે તો તેમને કવિનું નામ યાદ નથી ! !
.
શબ્દાર્થ : હળધર – જેણે હળ ધારણ કર્યું છે તે બળરામ. બળભદ્ર – બળરામનું એક નામ.
.
અભિમન્યુને રાખડી : અજ્ઞાત
Wednesday, August 5th, 2009

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે,
દીકરા દુશ્મન ડરશે દેખી તારી રાખડી રે.
મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
નથી મામા શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર,
દેજે સિંહ સરીખી ફાળ, તારી કોણ લેશે સંભાળ ? – કુંતા
હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, તેને જગમાં જીતે કોણ ?
કાઢી કાળ વજ્ર્નું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
સાખી : એક બે ત્રણ ચાર ને પાંચ છ ને વળી સાત,
એટલા દેવ રક્ષા કરે, દિનમાં દશ દશ વાર.
હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળ અંગ કુમાર, તેને ત્યાં જઈ દેજે માર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામાં,
તેને થાજો કુંવર સામા, તેનાં ઉતરાવજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, તેને દેખી ધ્રૂજે ધરણ,
તેને માથે આવ્યાં મરણ, તેનાં ભાંગજે તું ચરણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, તેને રીસ ઘણેરી વ્યાપી,
તેને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ્ય, તે તો જન્મોજનમનો ખલ,
તેને ટકવા ના દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ, તે તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે રથ, તેને આવજે બાથોબાથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
સાખી : કુન્તાએ કર ઝાલી કરી, વાલી વજ્ર્ની ગાંઠ,
દાસ મગન એમ બોલિયા, ડોસીએ વાળ્યો દાટ.
શ્રી કૃષ્ણના ઉરમાં ફાળ પડી છે તે ઘડી રે – કુન્તા
ચેત્યા ચૌદ ભુવનના ભૂપ, વ્હાલે ધર્યું બ્રાહ્મણ રુપ,
રાખડી તોડાવી અનુપમ, રણમાં પડ્યા અભિમન્યુ ભૂપ.
- અજ્ઞાત ( દાસ મગન ?)
રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનો તહેવાર. પુરાણોમાં પણ યમરાજાને તેમની બહેને તેમની રક્ષા માટે રાખડી બાંધેલી, તેવો ઉલ્લેખ છે. પણ આ લોકગીતમાં દાદી કુન્તા પોતાનાં પુત્ર અર્જુનનાં પુત્ર અભિમન્યુને રાખડી બાંધે છે. મહાભારતમાં, સાત કોઠામાંના છ કોઠા અભિમન્યુ વીંધીને પાંડવોને વિજય અપાવવામાં મદદરુપ થાય છે, અને તેનું માર્ગદર્શન દાદી આપે છે, તે વાતને કેટલી સુંદર રીતે લોકબોલીમાં ઢાળી છે. મુસ્લિમ રાજા હુમાયુને રાણી કર્ણાવતીએ રક્ષા માટે બાંધેલી તે પણ એક જાણીતો અપવાદ જ છે ને !! આજનાં શુભ દિને આપ સૌને મબલખ શુભેચ્છાઓ સહ માણીએ, ગુજરાતી સાહિત્યનું ‘ legendary song’ .. !!
.
સત્ સૃષ્ટિ : અજ્ઞાત
Monday, February 23rd, 2009
સત્ સૃષ્ટિ તાંડવ રચયિતા
દ્રિગ્ તામ્ તામ્, દ્રિગ ધિન્ ધિતા,
હે આદ્યગુરુ શંકર પિતા
નટરાજ રાજ નમો નમ :
ગંભીર નાદ મૃદંગનાં,
ધબકે ઊર બ્રહ્માંડનાં,
ધ્વનિ નિત્ય નૃત્ય પ્રચંડનાં,
નટરાજ રાજ નમો નમ :
શિર જ્ઞાનગંગા ચંદ્રમા,
દૃગ ત્રીજું જ્યોતિ લલાટમાં,
વિષ નાગમાલા કંઠમાં,
નટરાજ રાજ નમો નમ :
તુજ શક્તિ વામાંગે સ્થિતા,
હ્રીં ચંડિકા અપરાજિતા,
સહુ વેદ ગાયે સંહિતા,
નટરાજ રાજ નમો નમ :
- અજ્ઞાત
મહાશિવરાત્રીનાં પુણ્યપર્વે મને ગમતી શિવસ્તુતિ…… શિવ એટલે જ કલ્યાણ. આજનાં પવિત્ર દિવસથી સૌ શિવભક્તોનું જીવન કલ્યાણકારી બની રહે તેવી મંગલ કામના સાથે ……..
.
