Archive for the ‘અનિલ ચાવડા’ Category
એમનો એમ જ ઊભો છું : અનિલ ચાવડા
Saturday, August 6th, 2011.
.
વાણલા વાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું,
પંખીઓ ગાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું,
હું જ કૌરવ પાંડવોની એ સભા ને દ્રૌપદી ને કૄષ્ણ પણ હું,
ચીર ખેંચાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.
રક્તના રંગો પૂરી જેને કલામય મેં બનાવ્યા એ બધાંયે,
ચિત્ર ભૂંસાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.
એક પિંજારો છે જેના હાથ દ્વારા સેંકડો વર્ષોથી મારા,
શ્વાસ પિંજાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું,
થઈ ગયા ઉંમરની સાથોસાથ સઘળાં આંસુઓ પણ સાવ ઘરડાં,
સ્વપ્ન તરડાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.
- અનિલ ચાવડા
.
.
ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૦નો યુવા ગૌરવ પુરસ્કાર અનિલ ચાવડાને એનાયત કરવામાં આવે છે. વૅબમહેફિલ અને તેના વાચકો તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન.
‘રહ્યા છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું’ - જેવી લાંબી રદીફ સાથે તેને પૂરક શેર આ ગઝલમાં સર્જાયા છે. ઘણી વાર અસામાન્ય, વિપરીત પરિસ્થિતિમાં આપણે એમ ને એમ ઊભા રહેવું પડતું હોય છે. પણ મત્લા કહે છે, સૂર્યોદય થયો છે પણ તે છતાં હું એમનો એમ જ ઊભો છું. સૂર્યોદય વેળા પણ નહીં જાગીએ તો ? હવે એમને એમ ઊભા રહેવાની જરુર ખરી ?!!
.
.
.
N.B. Last two days, Site was not updated for technical fault. Sorry for inconvenience.
.
એ સમજની બ્હાર છે : અનિલ ચાવડા
Tuesday, March 29th, 2011.
.
( તેજ … તમસની બ્હાર , સમજની બ્હાર છે )
.
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે.
ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા !
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે.
સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઇ, એ શમનની બ્હાર છે.
ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય?
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે.
પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે.
- અનિલ ચાવડા
.
.
અનિલની ગઝલ સરળ હોવા છતાં એટલે કે, સમજની બ્હાર નહિં હોવા છતાંયે – ગુજરાતી ગઝલનાં સાત દરિયાને પી ગયો હોય એની પણ તરસની બ્હાર રહેવાની જ. આખીયે ગઝલ અનિલની ગઝલિયત મિષે જ કંઇક છતું કરી જાય છે, ખરું ને ? બસ…. દાદ આપવા માટે શબ્દો જ ખૂટી પડશે.
.
.
.
.
હજી થોડાંક એવા મિત્ર છે : અનિલ ચાવડા
Saturday, July 31st, 2010
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઊડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
મને પૂછ્યા વગર લઈ જાય બાઇક મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
પ્રથમ તો ફોસલાવીને મને એ, મારી અંગત વાત જાણે ને, પછી ?
પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
કદી મારા ઘરે મહેમાન થઈ આવે, પછી હું મૂકવા જઉં અને,
મને ખુદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
કરે હેરાન હરપલ એટલું કે, આંખમાં આંસુ જ આવી જાય, પણ ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
- અનિલ ચાવડા
શબ્દકોશની વ્યાખ્યા કે સાહિત્યકારોની વિભાવના પણ મિત્રને શબ્દશઃ ઉકેલી ના શકે, પણ કવિમિત્ર અનિલની આ ગઝલ વાંચી ચોક્કસ બોલી ઉઠશો , અરે…. યાર, આને જ તો કહેવાય મિત્ર ! આવો જ હોય ખરો મિત્ર… ! મૈત્રી દિનનાં દિવસે ( ૧ ઓગષ્ટ,૨૦૧૦) આપ સૌ વાચકમિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ !
.
જાય છે : અનિલ ચાવડા
Monday, May 10th, 2010
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને,
ચોતરફથી આગ લાગી જાય છે.
- અનિલ ચાવડા
મત્લાનો શેર જ કવિની કલમનો પરચો આપી દે છે… જિંદગીમાં ક્યારેક એક એવું મોજું નિરાશાનું કે અંધકારનું આવતું હોય છે, કે સપનામાં આવેલું વ્હાણ પણ ડૂબી જાય. તો આગળ કહે છે, કોઇનાં જીવનમાં તો સવાર પડતી જ નથી બસ ખાલી રાતનો ‘કલર’ બદલાય છે. જોકે, જિંદગીમાં આ બધું - વીત્યા પછી જ સમજાતું હોય છે. કવિમિત્ર અનિલ ચાવડાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.
તું ચાલને વરસાદમાં : અનિલ ચાવડા
Tuesday, December 22nd, 2009
પ્રેમના અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.
આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું,
આગવા અવસાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
માનનાં મરજાદમાં, તું ચાલને વરસાદમાં.
એકલી તું ? એકલો હું ? આપણે બન્ને જણા,
વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.
એક વાદળ, એક કાજલ, એક પળ ને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.
- અનિલ ચાવડા
પ્રેમનો અનુવાદ એટલે જ વરસાદ… ! આગવી ભીનાશ લઇને, આગવું પલળવાનું પ્રેમમાં… બસ, એક વાદળ અને એક કાજલ પછી ક્યાં કોઇ વાદ કે વિખવાદ વરસાદમાં…. !!
.
એ જ મારે જોવું છે : અનિલ ચાવડા
Thursday, October 29th, 2009
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યાં છે પાલખીમાં એ જ મારે જોવું છે,
કોણ છે મારા નયનમાં, શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે.
કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ,
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે.
આવ ! મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો,
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે.
હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું,
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે.
કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે,
કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.
- અનિલ ચાવડા
’એ જ મારે જોવું છે’ જેવી અવનવી રદ્દીફ અને તેના પૂર્ણ અવકાશને અનિલ માત્ર ભરતો નથી, છલકાવી દે છે. માત્ર રદ્દીફ કે છંદવૈવિધ્ય જ નહિં, વિષયનાવીન્ય પણ ભાવકને સ્પર્શી જ જાય.
વિચારવિશ્વમાં વિહાર કરવાનું કોને ન ગમે ? બસ… પાલખીમાં સવાર થઈ, મન ચહે એમ સંચરવું. ભગવદ્.ગીતામાં કહ્યું છે, કર્મ કે પરિસ્થિતિથી નિર્લેપ રહેવું પણ આ તો ખુદથી જ એટલે કે પોતાનાં વિચારોથી જ અનાસક્ત રહેવાની વાત… ! શ્વાસ, નયન, ચામડી કે પછી હ્રદયને શારડીની જેમ વીંધતી આંસુની તીવ્રતાથી અલિપ્ત રહેવું એટલે કે, પંખીનો કલરવ પીંછાંને ના સ્પર્શે ?!!
બસ, આપણે પણ સમયની જેમ બાળક બની, એક જ રટણ કરીએ…. તો શક્ય છે કે, છાબડીમાં કૃષ્ણને જોઈ, વિચારોને પણ પાલખીમાં સંચરતાં જોઈ શકીએ.
.



