Archive for the ‘અનિલ ચાવડા’ Category
એક બાજુ વાંસળી છે : અનિલ ચાવડા
Thursday, October 8th, 2009
એક બાજુ ચીસ છે ને એક બાજુ વાંસળી છે,
એ જ મારો વાંક કે મેં બેઉ ચીજો સાંભળી છે.
તું નહીં જોઈ શકે – જાણી શકે મારા વિચારો,
મારી ઈચ્છાઓ હવા કરતાંય ખૂબ જ પાતળી છે.
ચાલુ યુદ્ધે રથનું પૈડું ઠીક કરવા ઊતર્યો છું,
જે સ્વજન સામે તરફ છે એ ઘણો બાણાવળી છે.
વિશ્વનો વૈભવ છે તારા હાથ પર એ વાત સાચી,
કિન્તુ મારા હાથ પર તો માત્ર મારી આંગળી છે.
બેઉને હોવાપણું પેટાવવાની તક મળી છે,
મારી પાસે ટાઢ છે ને તારી પાસે કામળી છે.
- અનિલ ચાવડા
બરકત વિરાણી ‘બેફામ’ કહે છે, થાય જો સરખામણી તો ઊતરતાં છીએ…… ! બસ, આ ‘આઇન્સ્ટાઈન’નો સાપેક્ષવાદ જ માનવને દુઃખવાદી બનાવે છે (?). :) મારા સપના તો ૧૫,૦૦૦ રૂ.માં પૂરાં પણ સામે તો ના.. બાજુમાં તો…. ? એટલેકે, ચીસ અને વાંસળી બેઉ સાંભળ્યાનું, જાણ્યાનું દુઃખ… !! જોકે, અનિલે કહ્યું એમ, આખાંયે વિશ્વનો વૈભવ જેની પાસે છે તે ઈશ્વર પાસે આપણી ઈચ્છાઓ તો હવા કરતાંય ખૂબ જ પાતળી – પણ શું એને જાણ નહિં હોય કે આપણે તો ચાલુ યુદ્ધે રથનું પૈડું ઠીક કરવા ઊતર્યા છીએ અને મારો પોતાનો સ્વજન સામે બાણ લઈને ઊભો છે. હવે તો હોવાપણું પેટાવ, કામળીને દૂર કર…. મારી ટાઢને દૂર કર….. !!
.
ચાલ્યો જઈશ : અનિલ ચાવડા
Wednesday, July 1st, 2009
ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,
હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ.
છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ,
હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ.
પુષ્પમાં સુગંધ મૂકી, વૃક્ષને ભીનાશ દઈ,
કોઈ પંખીના ગળામાં ટહુકીને ચાલ્યો જઈશ.
રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું હું,
કોડિયામાં સ્હેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ.
છે સ્વજન દરિયા સમા, ના આવડે તરતા મને,
હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.
- અનિલ ચાવડા
નોખી વાત ને નોખી ભાત … અનિલની કલમની રીત !! દુન્યવી વાસ્તવિકતાને અનિલ કેવી બખૂબીથી રજૂ કરે છે. દુનિયામાં સૌ પોતપોતાનાં ભાગ્ય લઈને આવ્યા અને અંતે તો આ દુનિયા છોડી જવાનાં જ …… આ હકીકત તો આપણે સૌ પણ જાણીએ છીએ પણ પુષ્પનેય સુગંધ આપવા માંગતો, વૃક્ષને ભીનાશ દેતો, અને કોઈ પંખીનો ટહુકો બનતાં માણસને ક્યાં સુધી ટપાલની જેમ વાંચશો ? સંબંધોનાં સમંદરને તરી ના શકાય તો થોડું થોડું ડૂબી જોઈએ ! સૂર્યનું જ એક ટીપું આમ કો’ક કોડિયામાં પ્રગટી જતું હશે ને …. ?!!
.
ગઝલ : અનિલ ચાવડા
Sunday, May 10th, 2009
છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
- અનિલ ચાવડા
અનિલની એક મજેદાર ગઝલ આજે તેના જન્મદિને …. !! ભીતરનો દીવો ઈશ્વર આમ જ ઝળહળતો રાખે તેવી શુભેચ્છા સાથે. ન બોલાયેલ શબ્દોનું પ્રવાહીપણું તે આંસુ – તો માણસના ખાલીપાને ખુદને જ બારણું ખખડાવવાનું ઇજન આપતા શેરમાં દુનિયામાં વધતો ‘માણસ’નો ખાલીપો કેવો વર્તાય છે ?!!
.
ગઝલ : અનિલ ચાવડા
Friday, April 10th, 2009
શ્વેત ચાદર ને ફુલોના હારનો ઉપહાર આપ્યો,
મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો !
સૌ પ્રથમ તો આગિયાની આંખનો ચમકાર આપ્યો,
ને પછીથી સૂર્યની સામે થવા પડકાર આપ્યો.
આપતા તો આપી દીધાં હાથ બે દમંયતીના પણ,
તો પછીથી કેમ માછીમારનો અવતાર આપ્યો.
પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યાં,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?
આ તો એનું એ જ ને ? આમાં અમારી મુક્તિનું શું ?
ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.
- અનિલ ચાવડા
સંસારમાં વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે અને સમય તેનો અણસાર સુદ્ધા આપતો નથી. જિંદગીની નરી આ વાસ્તવિકતાને અનિલે પોતાનાં અનોખા અંદાજમાં બયાં કરી છે. તો મત્લાના શેરમાં મોતનાં ‘સૌંદર્ય’ને કેવો નિખાર આપ્યો છે ?!!
.
ગઝલ : અનિલ ચાવડા
Monday, September 22nd, 2008
વાત છે લોહી ઉડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?
બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં,
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
સાવ સૂક્કાં વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે,- પાંદડાંની ?
વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.
એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.
- અનિલ ચાવડા
આપણી સરકાર આંકડાઓની માયાજાળમાંથી બહાર જ નથી આવી શકતી અને એક સીધો સાદો પ્રશ્વ આપણા સૌનાં મનમાં થાય છે જે અનિલ બખૂબી પેશ કરે છે. તો મ્હોરેલી વસંત પણ આપણા મનમાં વ્યાપેલી નિરાશારૂપી પાનખરને દૂર નથી કરી શકતી ત્યારે અનિલ પૂછે છે, પાંદડાંની વાત કરે છે અને તે પણ સૂક્કાં વૃક્ષ જેવું મોં કરીને….., પાંદડાંની ?!! બીજીવાર પાંદડાંની ? શબ્દ શેરને કેવો ચોટદાર બનાવી જાય છે. એકાકી વૃદ્ધોની એકલતાને દૂર કરવા બસ બાંકડા સિવાય કોઈ આધાર નથી ? આ શેર વાંચીને શું આપણાથી રડવું રોકી શકાય છે ? અને છેલ્લો શેર તો – કાચની શીશીની જેમ હરઘડીએ તૂટતો માણસ જ્યારે સાચે જ ફૂટી જાય છે અને ત્યારે સભા ભરાય છે માત્ર ઢાંકણાંની …. છેલ્લે બેસણાંમાં ગયા ત્યારે આપણે તો ઢાંકણું બનીને ન’તાં ગયાંને ? જેટલાં સરળ એનાં શબ્દો એટલું જ સરળ એનું વ્યક્તિત્વ……અંકિતની જેમ અનિલ પણ શરૂઆતથી જ વેબમહેફિલને મદદ કરી રહ્યો છે. આભાર શબ્દ કદાચ નાનો પડે પણ તો પણ…….આભાર !!
