Archive for the ‘અનિલ જોશી’ Category

  • કોઈને નડે નહીં : અનિલ જોશી
  • દરિયાના ગીત નથી ગાવાં : અનિલ જોશી
  • મારી કોઈ ડાળખીમાં : અનિલ જોશી


  • દરિયાના ગીત નથી ગાવાં : અનિલ જોશી

    Wednesday, September 15th, 2010

    .

    .

    દરિયાના ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખ જોયું ટીપું.

    લયથી હું રેબઝેબ રેલાતી જાઉં, મારા ખૂટે દિવસ નહિ રાત,
    વાસણની જેમ પડ્યાં હાથમાંથી કામ, અને વિસરાતી ચાલી આ જાત !
    હું તો રણમાં જોવાતી તારી વાટ રે સજન ! તમે આવો તો કૈંક હવે દીપું.

    ફળિયામાં ઝૂલે છે ખાખરાની ડાળ, અને ઓસરીમાં હોવાનો ભાર,
    ઘરની શોભા તો મારા સાજનનો બોલ, હું તો કેડીનો રઝળું શણગાર;
    સાજનનાં પગલાની ભાતને ઝીલવા, સળીઓના નીડ નહીં લીપું.

    - અનિલ જોશી

    .

    .

    ગુજરાતી સાહિત્યમાં લયાન્વિત ગીતોનો સુંદર રસથાળ પીરસ્યો છે તેવાં કવિ શ્રી અનિલ જોશીને આ વર્ષે ‘નરસિંહ મહેતા પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યો છે. તદુપરાંત તેઓ પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી એવોર્ડથી પણ ૧૯૯૦માં સન્માનિત થયેલાં છે. આ અનેરા અવસરે અનિલ અંકલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.  વળી, ગીત સાથે બોનસમાં તેમની એક ગઝલ પણ માણીશું.

    .

    .

    .

    કોઈને નડે નહીં : અનિલ જોશી

    Wednesday, September 15th, 2010

    .

    આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
    ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

    વનમાં ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
    ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

    દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
    આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

    એના જીવનમાં હોય નહીં કોઇ તાજગી,
    રસ્તામાં ચાલતાં જે પડે આખડે નહીં.

    મારી લથડતી ચાલના કારણમાં એટલું,
    હોવાપણાનો ભાર હવે ઊપડે નહીં.

    રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
    નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

    - અનિલ જોશી

    .

    .

    આપણામાં રહેલ ‘ખાલીપણું’ ને જાણવું કે સમજવું કપરું હોય છે. કારણ આપણું ‘હોવાપણું’ જ આપણને તેની જાણ થવા દેતું નથી.  જાણે કે વનમાં રઝળતો પ્રવાસ - એમ આપણે  પણ આપણામાં જ ભૂલા પડી જતાં હોઇએ છીએ.  ક્યાં તો ‘હોવાપણાં’નો ભાર એટલો ઉપાડીએ કે, તેનો ભાર ઊંચકી જ ન શકાય. ‘ખાલીપણું’ અને ‘હોવાપણું’ ની વચ્ચે કોઇ મળવા જેવો માણસ મળી જાય તો ?

    .

    .

    .

    મારી કોઈ ડાળખીમાં : અનિલ જોશી

    Wednesday, July 28th, 2010

    મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
    મને પાનખરની બીક ના બતાવો !

    પંખી સહિત હવા ચાતરીને જાય, એવું અષાઢી દિવસોમાં લાગે,
    આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં, પણ  મારામાં  ઝાડ હજી જાગે.

    માળામાં ગોઠવેલી સળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો !

    એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય, કોઈ રાતી કીડીનોય ભાર !
    એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય, પડવાને છે કેટલી વાર ?

    હું બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવો !

    - અનિલ જોશી

    લોકગીતોની  જેમ જ જેનાં ગીતો લોકહૈયે વસેલાં છે, તેવાં કવિ શ્રી અનિલ જોશીનાં જન્મદિને, માણીએ મને ખૂબ ગમતું તેમનું એક ગીત.

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME