Archive for the ‘અમૃત ‘ઘાયલ’’ Category

  • આદમી
  • ગઝલ : અમૃત ‘ઘાયલ’
  • જય મારો હવે : અમૃત ‘ઘાયલ’
  • રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ


  • જય મારો હવે : અમૃત ‘ઘાયલ’

    Thursday, August 26th, 2010

    ઉત્પત્તિ સ્થિતિ, ન લય મારો હવે,
    કોઈ કક્ષા હો ન ક્ષય મારો હવે.

    અસ્તોદય શું ? અંત શું ? આરંભ શું ?
    હર સમયથી પર સમય મારો હવે.

    માન શું ? અપમાન, લાભાલાભ શું ?
    ક્યાં રહ્યો છે એ વિષય મારો હવે.

    મેં કરી નાંખ્યો છે એને નામશેષ,
    મારી મુટ્ઠીમાં પ્રલય મારો હવે.

    કાળથી પણ કાંકરી ખરશે નહીં,
    થઈ ગયો છે ગઢ અજય મારો હવે.

    આત્મવત્ ઉર્ફે અજન્મા થઈ ગયો,
    ના પ્રભવે અથવા વિલય મારો હવે.

    શબ્દ મતલબ બ્રહ્મ, મતલબ સત્ય પણ,
    શબ્દનો જયઘોષ, જય મારો હવે.

    - અમૃત ‘ઘાયલ’

    શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
    તોડીફોડી યથેચ્છ જોડ્યો છે. – ઘાયલ

    જોમ અને ખુમારી સભર ગઝલ રચનાર ઘાયલ જે ‘શબ્દ’ને  યથેચ્છ તોડતાં, ફોડતાં તેઓ આત્મસાક્ષાત્કારની ક્ષણે કહે છે, શબ્દ જ બ્રહ્મ … શબ્દ જ સત્ય !  મારો જે જયજયકાર છે તે તો શબ્દનો જ એટલે કે, બ્રહ્મનો , સત્યનો જયઘોષ. ‘ઘાયલ’ની એક અનોખી શૈલીની ગઝલ !

    .

    .

    રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ

    Saturday, July 10th, 2010

    rasto

    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
    થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના !

    કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
    દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

    એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે,
    હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

    સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
    દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

    અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,
    ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

    - અમૃત ‘ઘાયલ’

    અમૃત ‘ઘાયલ’ની એક ખુમારીસભર  ગઝલ.  કોઇ પણ મુશ્કેલીનો રસ્તો આત્મબળનાં સહારે જ મળે છે.  અને કદાચ રસ્તો ન મળે તો, દીપકની જેમ આંધીઓમાં બુઝાઇ નથી જવાનું.  જો ઇશ્વર ખુદ પથદર્શક હોય તો કાળનું પણ શું ગજું ???  ઈશ્વરની કૃપાથી,  સ્વયં પ્રકાશિત બનીએ તો, ગનીચાચા કહે છે એમ, દિશાઓ પણ ફરી જાય છે.  ” શ્રદ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો તો દિશા ફરી ગઇ.”  – ‘ગની’ દહીંવાલા

    .

    ગઝલ : અમૃત ‘ઘાયલ’

    Wednesday, August 19th, 2009

     

    ચોતરફ મૌન, મૌનની વચ્ચે,
    એક તલસાટ કાયમી તે ગઝલ.

    તેજ રૂપે કદી તિમિર રૂપે,
    મેઘલી મીટથી ઝમી તે ગઝલ.

    નિત સમય જેમ ઊગતી જ રહી,
    અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

    દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
    ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

    જિંદગાની કે જાંફિશાનીની,
    હોય જે વાટ જોખમી તે  ગઝલ.

    એમની એ જ છે કસોટી ખરી,
    દિલને લાગે જે લાજમી એ ગઝલ.

    માલમીને ય એ તો પાર કરે,
    માલમીની ય માલમી તે ગઝલ.

    લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
    હલબલી જાય આદમી તે ગઝલ.

    - અમૃત ‘ઘાયલ’

     

    આજે તેમનાં જન્મદિને તેમની ગઝલ વિશે એક ગઝલ.  દિલને જે ગમે કે દિલને હલબલાવી દે તે જ ગઝલ … તેમની આ બે વ્યાખ્યા તો સાવ સાચી છે. 

     

    .

    આદમી

    Tuesday, August 19th, 2008

     

    “કેમ ભૂલી ગયા ?  દટાયો છું,
     આ ઈમારતનો હું ય પાયો છું.”

    ગુજરાતી ગઝલની ઈમારતના પાયામાં અમૃતલાલ ભટ્ટ જેવા કેટલાં ‘ઘાયલ’ થયા
    અને દટાયા તેથી જ તો ગુજરાતી ગઝલની ઈમારત આટલી બુલંદ બની શકી.
    અમૃત ‘ઘાયલ’નો આજે જન્મદિન અને તેની અસંખ્ય કૃતિઓ માણવાનું મન થઈ જાય
    પણ ‘મહારાજ’નો દીકરો ‘મહારાજા’ બની કેવો નવાબી અને રુઆબી ઠાઠ જીવે છે
    તે તેમના જ શબ્દોમાં માણીએ……

    ગુલાબી આદમી છઈએ, રુવાબી આદમી છઈએ.
    અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ.

    હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ,
    મળે તે માણીએ હાજરજવાબી આદમી છઈએ.

    અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ,
    અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ.

    નથી હેવાન કે તારો કરીએ ના કશો આદર,
    ખુશીથી આવ, ઓ ખાનાખરાબી ! આદમી છઈએ.

    ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબ્બતનાં,
    કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ.

     

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME