Archive for the ‘અવિનાશ વ્યાસ’ Category
શ્રાવણની એ સાંજ હતી : અવિનાશ વ્યાસ
Thursday, July 22nd, 2010

( મેઘધનુષની રંગ રમત )
શ્રાવણની એ સાંજ હતી,
સરક્યાં સાળુડે સંતાયા, લોચનમાં થોડી લાજ હતી.
આંખ કટોરી, રંગ આંસુનો, પાંપણ કેરી પીંછી,
એ રંગે રંગાઇ સંધ્યા, અંતરનો અંદાજ હતી.
શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે મુરલી શ્યામની,
ઘન ગગનમાં ગોરંભાઈ ગલી ગોકુળ વૃન્દાવનની,
નીતરતી વર્ષા ઘેલી કો’ ગોપીનો અવાજ હતી.
વાદળ કેરા ઘૂંઘટપટમાં, મેઘધનુષની રંગ રમતમાં,
અર્ધ ખૂલેલાં તારલિયાની આંખ્યું તીરંદાજ હતી.
શ્રાવણની એ સાંજ હતી.
- અવિનાશ વ્યાસ
શ્રાવણનાં સરવડાંને મેઘધનુષી રંગોમાં રંગાયેલી સંધ્યાએ ઝીલવાં એટલે શ્યામની મુરલીમાંથી વહેતાં સૂરને ઝીલવાં ! અને એવી જ કોઇ શ્રાવણી સાંજને કવિએ અદ્ભૂત રંગોથી રંગી, તેટલી જ અદ્ભૂત રીતે સૂરથી મઢી છે. ( ઓડીયો : સાધના સરગમ, રણકાર )
.
રાખનાં રમકડાં : અવિનાશ વ્યાસ
Wednesday, March 24th, 2010
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે.
રાખનાં રમકડાં.
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે,
આ મ્હારું, આ ત્હારું કહીને, એકબીજાને ભાંડે રે.
રાખનાં રમકડાં.
કાચી માટીની કાયા માથે, માયા કેરા રંગ લગાયા,
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે.
રાખનાં રમકડાં.
અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો, આવી તેવી ગઈ.
રાખનાં રમકડાં.
- અવિનાશ વ્યાસ
૧૯૪૯માં આવેલ ગુજરાતી ચલચિત્ર ‘મંગલફેરા’નું આ જાણીતું ગીત આજે છ દાયકા પછી પણ એટલું જ માનીતું છે. પંચતત્ત્વોથી બનેલ આ માનવ-દેહ આખરે એ જ પંચતત્ત્વોમાં ભળી જવાનો છે - એ સનાતન સત્યને ગીતમાં આવરી લેવામાં આવ્યું છે. વળી, કાચી માટીની કાયાને ઈશ્વર જ માયાના રંગ લગાડી, ઢીંગલા-ઢીંગલીની રમતો માંડે છે અને મૃત્યુ બાદ આવતાં જન્મે અધૂરી રમત શરુ થાય છે. જો કે, હાર-જીત તો આપણે જ વેઠવી પડે છે.
રામનવમીનાં પવિત્ર દિનની આપ સૌને અંત:કરણથી શુભેચ્છાઓ કે સૌનાં હ્રદયમાં રામનો જન્મ થાય અને રાવણનો નાશ ….વળી, ભારતમાં પુન: રામરાજ્ય સ્થપાય તેવી પણ અભ્યર્થના.
.
હું અમદાવાદનો રીક્ષાવાળો : અવિનાશ વ્યાસ
Thursday, March 11th, 2010
( અમદાવાદની સફર રીક્ષામાં )
હું અમદાવાદનો રીક્ષાવાળો, નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ બતાવું ચાલો.
એવી રીક્ષા હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો.
હું અમદાવાદનો રીક્ષાવાળો.
રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય,
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો.
અમદાવાદ બતાવું ચાલો.
હું અમદાવાદનો રીક્ષાવાળો.
ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બૂટ ચોરવાવાળો.
અમદાવાદ બતાવું ચાલો.
હું અમદાવાદનો રીક્ષાવાળો.
રાત પડે ત્યારે માણેકચોકની અંદર જયાફત ઊડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે,
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો.
અમદાવાદ બતાવું ચાલો.
હું અમદાવાદનો રીક્ષાવાળો.
લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમજાય,
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો.
અમદાવાદ બતાવું ચાલો.
હું અમદાવાદનો રિક્ષાવાળો.
એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી,
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી,
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો.
અમદાવાદ બતાવું ચાલો.
હું અમદાવાદનો રીક્ષાવાળો.
કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રીક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે, કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો.
- અવિનાશ વ્યાસ
સાંપ્રત સમયમાં ઐતિહાસિક પુરાવાઓ હસ્તપ્રતો, શિલાલેખો કે તેની બાંધણી અથવા ઐતિહાસિક કે સાહિત્યિક પુસ્તકોને આધારે મેળવવામાં આવે છે. પરંતુ આજે આ ગીત ( વિવેકભાઈની ખાસ પસંદગી ) મૂકતી વખતે તેની વિડીયો લીંક જોતાં લાગ્યું કે, ભવિષ્યમાં આવી વિડીયો પણ અમદાવાદનાં જૂનાં સંભારણાંની યાદ અપાવશે. પાછલાં દશ વર્ષોમાં જ અમદાવાદનો નકશો બદલાઈ ગયો છે. ત્યારે આ જૂનું અમદાવાદ માણવું ગમશે જ. ( ઑડિયો ) કિશોરકુમારનાં સ્વરમાં. રીક્ષા એ અમદાવાદની આગવી ઓળખ છે, તો અમદાવાદને રીક્ષામાં બેસી માણવા આ વિડીયો જરુર જોશો.
* રીચી રોડના અડ્ડા જેવી હોટલ એટલે ગાંધીરોડ પર આવેલી ચંદ્રવિલાસ હોટેલ જેની જલેબી અને દાળ ખૂબ વખણાતાં. * લૉ-ગાર્ડન – અમદાવાદનો એક જાણીતો બગીચો.
તા.ક. ગઝલપ્રેમીઓ માટે :
અમદાવાદની છસો વર્ષની ઉજવણી માટે ૩-૪ મહિના પહેલાં નેટ પર સર્ચ કરતાં જાણવા મળ્યું કે અમદાવાદ કે તેનાં ઈતિહાસની વધુ માહિતી નેટ પર અંગ્રેજીમાં વીકી પર (ગુજરાતીમાં તો ?) પણ ઉપલબ્ધ નથી. આથી તે અંગે વધુ અભ્યાસ કરી ટૂંક માહિતી મૂકવામાં આવી છે. ( જે પણ માહિતી આપવામાં આવી છે તેમાં આંશિક કે પૂર્ણ રુપે તથ્ય રહેલું છે. ) સાહિત્યિક મૂલ્ય આપને ન લાગે પણ તેનું ઐતિહાસિક મૂલ્ય જરા પણ ઓછું નથી. અહમદશાહનાં માણેકબુરજ થી રીવર ફીન્ટ અમદાવાદનો ઈતિહાસ માણી વળી જલ્દીથી ગઝલ માણીશું. શક્ય છે કે, ભવિષ્યમાં રીક્ષા પણ એક ભૂતકાળ હોય.
.
અમદાવાદી : અવિનાશ વ્યાસ
Wednesday, March 10th, 2010

( અમદાવાદની પહેલી પોળ )
અમે અમદાવાદી, અમે અમદાવાદી.
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી,
અમે અમદાવાદી.
અમદાવાદના જીવનનો સૂણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલાં બોલે મિલનુ ભૂંગળુ પછી પુકારે કૂકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતાં, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરનાં ‘નગદેશ્વર’નો રસ્તો કયાં છે ઢૂંકડો,
મિલ મજદૂરની મજદૂરી પર શહેર તણી આબાદી,
અમે અમદાવાદી.
સમાજવાદી, કોંગ્રેસવાદી, શાહીવાદી, મૂડીવાદી.
નહિ સમિતિ, નહિ કમિટિ, નહિ સોશ્યાલિસ્ટ કે જ્ઞાતિવાદી,
નહિ વાદની વાદવિવાદી, ‘M’ વિટામિનવાદી.
અમે અમદાવાદી.
ઊડે હવામાં ધોતિયું ને પ્હેરી ટોપી ખાદી,
ઊઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓ તો સૂકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવે તો ભલભલાની ઉથલાવી દે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
અમે અમદાવાદી.
હોય ભલે ને સક્કરમી કે હોય ભલે અક્કરમી,
રાખે ના ગરમીની મોસમ કોઈની શરમાશરમી.
પણ ઠંડીમાં બંડીને ભરમે ના રહેવાનું ભરમી,
ચોમાસાનાં ચાર ટીપાંમાં ધરમ કરી લે ધરમી.
આવી તો ભાઈ બહુ કહેવાની, આ તો કહી નાંખી એકાદી.
અમે અમદાવાદી.
પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પાછી જાય શેરીમાં ઢળી,
શેરી પાછી જાય પોળમાં વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી,
અરે મુંબઈની કોઈ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચૂંકી ગલી-ગલીમાં વળી વળી ને ભલી,
ભાઈ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,
અમે અમદાવાદી, ભાઈ અમે અમદાવાદી.
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી,
અમે અમદાવાદી.
- અવિનાશ વ્યાસ
અમદાવાદની વાત કરીએ અને અવિનાશભાઈનું આ ગીત યાદ ના કરીએ તો કેમ ચાલે ? આ ગીતમાં તેમણે અમદાવાદનું આબેહૂબ વર્ણન કર્યું છે. જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે સૌ પ્રથમ પોળનું મૂહૅુત કર્યું તે આજે પણ જૂના શેરબજારનાં મકાનની બરાબર સામે અડીખમ ઊભી છે. અમદાવાદની પોળોનો ઈતિહાસ જાણવા લોકો વિદેશથી પણ આવે છે. (ઑડિયો)
* પોળ શબ્દ સંસ્કૃત ‘પ્રતોલિ’ પરથી આવ્યો છે, જેનો અર્થ દરવાજો વાળો મહોલ્લો થાય છે. * ઓળ એટલે હાર કે પંક્તિ દુકાનોની હાર એટલે કે બજાર જેમકે આજનું ચાંલ્લાઓળ * અમદાવાદની રચના તે સમયની ગુજરાતની રાજધાની પાટણ શહેર મુજબ કરવામાં આવી છે.
.
હે મા શારદા ! : અવિનાશ વ્યાસ
Wednesday, January 20th, 2010

હે મા શારદા ! હે મા શારદા !
તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
તારા મયૂરનો કંઠ થવા સૂર દે.
હે મા શારદા !
તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે,
શુભદા, શક્તિ દે… હે મા શારદા ! હે મા શારદા !
તારી વીણાનો ષડજ સૂર, પાવન કરે મુજ કવન ઉર,
તારા ચરણની ધૂળ થવા ભાગ્ય દે. હે મા શારદા !
સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દો મા એમાં,
રગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત લયમાં,
જ્ઞાનદા, ભક્તિ દે… હે મા શારદા ! હે મા શારદા !
- અવિનાશ વ્યાસ
આજનાં શુભ દિને મા સરસ્વતીને વંદન સહ. સી.એન.વિદ્યાવિહારમાં જે પ્રાર્થના કરતા’તા તે સરસ્વતી સ્તુતિ. ( ઑડિયો – સેજલ માંકડ વૈદ્ય )
.
માડી તારું કંકુ :અવિનાશ વ્યાસ
Wednesday, October 1st, 2008
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગમાં તે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયું ને ઘંટારવ ગાજ્યો, નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
માવડીની કોટમા તારાના મોતી, જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા, અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં,
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- અવિનાશ વ્યાસ
માના નવલાં નોરતા શરૂ થઈ ગયાં છે …… આદ્યશકિતની ઉપાસના સાહિત્યમાં એક અલગ જ ભક્તિનો રંગ ઉમેરે છે. રવિ ઉપાધ્યાય, તુષાર શુક્લ, અવિનાશ વ્યાસ વિ. એ આપણને ખૂબ જ સુંદર મા નાં ઉપાસનાગીત આપ્યાં છે. માના ચરણોમાં ગીતપુષ્પ….!
