Archive for the ‘ઉમાશંકર જોશી’ Category

  • ગીત ગગનનાં ગાશું : ઉમાશંકર જોશી
  • આમાર એ જન્મદિન : રવીન્દ્રનાથ ટાગોર
  • ક્યાં છે કવિતા ? : ઉમાશંકર જોશી
  • ગુજરાતી : ઉમાશંકર જોશી
  • દૂધમાં સાકર : ઉમાશંકર જોશી
  • નખી સરોવર ઉપર શરત્-પૂર્ણિમા : ઉમાશંકર જોશી
  • પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી
  • મળી ન્હોતી જ્યારે- : ઉમાશંકર જોશી
  • વર્ષાની રુમઝૂમતી રાત : ઉમાશંકર જોશી
  • વિશ્વમાનવી : ઉમાશંકર જોશી
  • શબ્દ : ઉમાશંકર જોશી
  • શ્રાવણ હો ! : ઉમાશંકર જોશી
  • સપનોંકા એક શહર થા
  • હરિયાળી વસંત : શાન મેઈ (અનુ:ઉમાશંકર જોશી)
  • હું ગુર્જર ભારતવાસી : ઉમાશંકર જોશી


  • મળી ન્હોતી જ્યારે- : ઉમાશંકર જોશી

    Tuesday, July 26th, 2011

    .

    .

    ( ઉમાશંકર જોશી પત્ની જયોત્સનાબેન સાથે )

    .

    મળી ન્હોતી ત્યારે તુજ કરી હતી ખોજ કશી મેં ?
    ભમ્યો’તો કાન્તારે, કલરવ કરંતાં ઝરણને,
    તટે ઘૂમ્યો, ખૂંદ્યો ગિરિવર તણો સ્કંધપટ, ને
    દ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા.

    મળી ન્હોતી જ્યારે દિવસભરની જાગૃતિ મહીં,
    મળી’તી સ્વપનોમાં મદિલ મિલનોની સુરભિથી.

    સુગંધે પ્રેરાયો દિનભર રહ્યો શોધ મહીં, ને
    દિવાસ્વપ્ને ઝાંખી કદી કદી થતાં થાક ન લહ્યો.

    મળી અંતે સ્વપ્નો સકલ થકીયે સ્વપ્નમય જે.
    મળી આશાઓની ક્ષિતિજ થકીયે પારની સુધા.
    સૂની આયુર્નૌકા મુજ ઝૂલતી’તી અસ્થિર જલે,
    સુકાને જૈ જોતી મળી જગતઝંઝાનિલ મહીં.

    મળી ન્હોતી ત્યારે, પ્રિય, જલથલે ખોજી તુજને,
    રહું શોધી આજે તુજ મહીં પદાર્થો સકલ એ.

    - ઉમાશંકર જોશી

    ( ૨૫.૧૧.૧૯૩૭ )

    .

    Did I search for you ?

    Before I met you, did I search for you ?
    I wandered through the woods, on the banks of the ringing brook
    I strolled on mountain lanes
    Looked for nests of birds on every branch.

    Before I met you eyes wide open in the day,
    I waited for you in dreams,
    I was so drunk with the fragrance
    Of what it would be like to meet.

    Then I found you
    And my dreams were swept away.
    You anchored my tossing boat.
    I touched nectar, sweeter than honey.

    Before I met you
    I kept on searching, waiting,
    On water and on dry land.
    Now the whole world lives in you.

    Translator : Swati Joshi

    .

    .

    મળી ન્હોતી જ્યારે – થી આરંભ થતા આ પ્રણયકાવ્યમાં કવિ પ્રિયા મળી ન્હોતી ત્યારે – શું પ્રિયાની શોધ કરી હતી ખરી ? તેમ પૂછે છે.  અને, ભોમિયા વિના ભમતો આ કવિ પ્રિયાની શોધ કાન્તાર, ઝરણાં, ડુંગરાં અને વૃક્ષની ડાળી ડાળીએ કરી ચૂક્યો છે. દિવસભર ન મળેલી પ્રિયા સ્વપ્નોમાં મળી આવે છે અને અંતે તેમની નૈયાનું સુકાન સંભાળી લે છે.  પણ,  કવિની ખોજ અહીં પૂરી નથી થઈ – પહેલાં જલથલમાં પ્રિયાને ખોજી અને હવે પ્રિયામાં જલથલ એટલે કે, પ્રકૃતિ – ઈશ્વરની ખોજ આદરે છે.  પ્રિયામાં કેવું ભવ્ય વિરાટ દર્શન !!

    .

    .

    .

    .

    ક્યાં છે કવિતા ? : ઉમાશંકર જોશી

    Sunday, July 24th, 2011

    .

    પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
    પુષ્પો, પૃથ્વીની ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા;
    તેજના ટાપુઓ, સંસ્થાનો માનવી અરમાનનાં;
    પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો.

    ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
    માતાના ચહેરામાં ટમકે,
    મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
    જોયું છે ?

    કવિતા, આત્માની માતૃભાષા;
    મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
    સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?

    જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
    પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
    કયારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી.
    ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે,
    કયારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂગળાવી રહે.
    ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ.

    ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો.
    ટીકીને જોયા કર્યો છે મેં વારંવાર એને.
    એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
    વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ.
    ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું.
    બહોળો આ ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
    ક્યાં છે કવિતા ?

    - ઉમાશંકર જોશી

    .

    .

    જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા કવિ જ્યારે કવિતાને શોધે ત્યારે  – આપણે પામી શકીએ કાવ્યત્વનાં સત્ત્વને.  ધરતીનાં ખોળાને ખૂંદતાં ખૂંદતાં કવિ ક્યાં  પામે છે કવિતાને ?  ગર્ભમાં રહેલ બાળકની બીડેલી આંખની ચમક માતાનાં મુખ પર ચમકે – એમ કાવ્યત્વ કવિનાં ચહેરા પર ચમકે અને જે રચનાનું સર્જન થાય એમાં ચોક્કસ કવિતા મળે જ !!!

    .

    .

    .

    .

    વર્ષાની રુમઝૂમતી રાત : ઉમાશંકર જોશી

    Saturday, July 23rd, 2011

    .

    .

    વર્ષાની રુમઝૂમતી રાત રંગભીની,
    એવી  વ્હાલપની  વાત રંગભીની.

    આકાશે વીજ ઘૂમે, હૈયામાં પ્રીત ઝૂમે,
    છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
    વર્ષાની રુમઝૂમતી  રાત  રંગભીની.

    બાજે  અજસ્ત્રધાર, વીણા  સહસ્ત્રતાર,
    સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
    વર્ષાની   રુમઝૂમતી  રાત  રંગભીની.

    ઓ રે વિજોગ વાત !  રંગ   રોળાઈ   રાત,
    નેહભીંજી  ચૂંદડી  ચૂવે  રંગભીની.
    વર્ષાની રુમઝૂમતી રાત રંગભીની.

    - ઉમાશંકર જોશી

    .

    .

    વરસાદ અમસ્તોય કવિ અને લેખકોને પ્રિય વિષય રહ્યો છે.  પણ, વરસાદી રંગભીની રાતની વાત બહુ ઓછાએ કરી છે.  રુમઝૂમતી રાતની વાત એટલી લયાન્વિત છે કે, ગાતાં ગાતાં જ વાંચવી પડે.  અને આંખોમાં એવા સપનાં છાંટી જશે કે,  જ્યારે પણ વરસાદી રાત જોશો કે ચોક્કસ આ ગીત આપમેળે કાનમાં ગૂંજશે !

    .

    .

    .

    .

    વિશ્વમાનવી : ઉમાશંકર જોશી

    Friday, July 22nd, 2011

    .

    .

    કીકી કરું બે નભતારલીની
    ને મીટમાં માપું દિગંતરાલને,
    માયા વીંધીને જળવાદળીની
    અખંડ દેખું પળમાં ત્રિકાલને.

    સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
    યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
    સ્વર્ગંગામાં ઝૂકવું ચંદ્રહોડલી,
    સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

    વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
    વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
    પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
    સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

    વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
    માથે ધરું ધૂળ વસુન્ધરાની.

    - ઉમાશંકર જોશી

    .

    .

    ઊર્ધ્વમુખી યાત્રીને વ્યકિત મટી વિશ્વમાનવી બનતાં શી વાર ?

    .

    .

    .

    .

    નખી સરોવર ઉપર શરત્-પૂર્ણિમા : ઉમાશંકર જોશી

    Thursday, July 21st, 2011

    .

    .

    પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
    નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ
    વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ,
    સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
    વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
    શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
    સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં
    સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.

    ત્યાં તો જાણે જલવિધુ તણાં ચારુ સંયોગમાંથી,
    હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
    અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી ?
    એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
    એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
    સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.

    - ઉમાશંકર જોશી

    ( માઉન્ટ આબુ, ઓક્ટોબર, ૧૯૨૮ )

    .

    .

    જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મશતાબ્દીએ વૅબમહેફિલ તરફથી કવિશ્રીને શત શત વંદન.  સત્તર વર્ષની ઉંમરે શરદપૂર્ણિમાનાં દિને, નખી સરોવરનાં કાંઠે પ્રકૃતિસૌંદર્ય માણતાં માણતાં એમનું ઉરઝરણ ગાઇ ઊઠે છે આપમેળે.  અને તેમની કલમે રચાય છે સૌ પ્રથમ સોનેટ.   સોનેટનાં પ્રથમ અષ્ટકમાં કવિ નખી સરોવરનું દ્રશ્યાત્મક શબ્દચિત્ર દોરે છે તો દ્વિતીય ષષ્ટકમાં  ઝંકૃત હૃદયની અનુભૂતિઓનું વર્ણન કરે છે.

    શરદપૂર્ણિમાનાં ચંદ્રનું પ્રતિબિંબ ઝીલી રહેલ નખી સરોવરને જોઇ , એટલે કે, જલવિધુનો રમણીય (ચારુ) સંયોગ જોઈ, કવિની હૃદયવીણાનાં તાર કો’ કુસુમ જેવી કોમળઅંગુલિ સ્પર્શ કરી ઝંકૃત કરી જાય છે.  જાણે કે, એકાન્તમાં પ્રકૃતિ પોતાનાં સૌંદયને શબ્દાવલિમાં કવન કરે છે !

    .

    શબ્દાર્થ : શૃંગમાલા -  પર્વતનાં શિખરની હારમાળા, તટ -  કિનારો ,  તરુ - વૃક્ષ , વારિતરંગ - પાણીનાં મોજાં,  અભ્ર -  આકાશ, વાદળ,  શુભ્ર – શ્વેત, સફેદ,  વીચીમાલા -  તરંગ કે મોજાંની હારમાળા,  અનિલલહરી – પવનની લહેર,  વલ્લરી -  વેલ, લતા, જલસેજ – પવનની ગોદમાં, ગાત્ર – હાથ, પરિમલ – સુગંધ,  પલ્લ્વપ્રાન્ત – તાજાં ફૂટેલ કૂંપળ કે પાનનો સમૂહ ( bushes ) , વિધુ -  ચંદ્ર, ચારુ – રમણીય, મનોહર.

    .

    .

    .

    .

    હરિયાળી વસંત : શાન મેઈ (અનુ:ઉમાશંકર જોશી)

    Friday, February 11th, 2011

    .

    .

    વસંતના આગમને

    જોઉં છું તો

    વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.

    સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.

    ટેકરીઓય તે લીલીછમ,

    ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.

    નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.

    ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલાં.

    લીલું લોહી

    શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,

    અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે

    લીલી આશા.

    - શાન મેઈ (ચાઇનીઝ)

    અનુવાદક : ઉમાશંકર જોશી

    .

    .

    પ્રકૃતિએ તો વસંતનાં વાઘા પહેરી લીધાં. વન, સરિતા, ટેકરીઓ, ખેતરો અને પેલાં તમરાંઓ પણ… સૌ લીલાંછમ્મ.  વાસંતી રંગે રંગાયેલી પ્રકૃતિ જોઈ  અને આપણા મનમાં પણ લીલીછમ્મ આશાઓ ઊગે જ ને !   અરે… પેલાં શ્વેતકૂર્ચ – ઘસાયેલી પીંછી જેવી શ્વેત દાઢી-મૂછ ધરાવનાર વૃદ્ધોમાં પણ લીલું લોહી વહેવા માંડ્યું !

    .

    .

    .

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME