Archive for the ‘કલાપી’ Category
ગ્રામમાતા : કલાપી
Tuesday, November 24th, 2009

( ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ….. ઠંડો હિમભર્યો વહે અનિલ )
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
(શાર્દૂલવિક્રીડિત)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !
(માલિની)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !
(અનુષ્ટુપ)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
(વસંતતિલકા)
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.
(મંદાક્રાન્તા)
ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.
(અનુષ્ટુપ)
‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીને અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !
(શાર્દૂલવિક્રીડિત)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.
(વસંતતિલકા)
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.
(અનુષ્ટુપ)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં.
(મંદાક્રાન્તા)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
(અનુષ્ટુપ)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’
(વસંતતિલકા)
‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
(શાર્દૂલવિક્રીડિત)
રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’
(ઉપજાતિ)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !
(વસંતતિલકા)
- કલાપી
હાલમાં હેમંત ઋતુ ચાલી રહી છે અને આ કાવ્ય મૂકવાની ઇચ્છા હતી. પણ, આજે ગુજરાત સમાચારમાં ઋતુઓ બસ પંચાંગમાં જ રહી ગઈ છે તેવી ટિપ્પણી વાંચી અને વળી, આ કાવ્ય યાદ આવી ગયું. જોકે, આ કાવ્ય વાંચીને, વગર હેમંત ઋતુએ પણ હેમંતની રમણીયતા અને કમનીયતા માણી શકાય. જ્યારે ગુજરાતી છંદ શીખતાં ત્યારે આખુંયે કાવ્ય એટલે જ યાદ કરવું પડતું કે, છંદ યાદ રહી જાય. ત્યારે થતું કે, પંક્તિ-પંક્તિએ કેમ અલગ છંદ ? પણ હવે સમજ પડી કે, વિષયવસ્તુનાં ભાવ પ્રમાણે છંદ બદલાય જેથી ભાવાનુરુપ શબ્દચિત્ર દોરી શકાય. અને, આ કાવ્યમાં લય અને વાક્.પ્રવાહિતા તેથી જ વધુ લાગે છે !!
તા.ક. આજે દેશની હાલત માટે આવું જ કોઇક કારણ તો જવાબદાર નથીને ? આ કાવ્યમાં તે યુવાન રાજા કલાપી પોતે હતાં, પણ આજનાં નેતાઓ કે સરકાર પોતાની ભૂલ કબૂલશે ?
.
પ્રેમીની મૂર્તિપૂજા : કલાપી
Wednesday, June 10th, 2009
કર તું કંઈએ, કર તું કંઈએ, મધુ તેથી બને વધુ શું કદિએ ?
તુજ કાર્ય સહુ દિલ નિત્ય સ્મરે, વધુ નિર્મળ શું ઉર પૂજી શકે ?
કંઈ બોલ અને દિલ ઈચ્છતું, કે કંઈ બોલ તું બોલ સદા જ પ્રિયે !
તુજ વાણી સદા સુણતો જ રહું, ઝરતાં ફુલ એ વીણતો જ રહું.
તુજ એ સ્વર ગાયનમાં સ્મરતાં, વળી ઓર જ ધૂન મચે ઉરમાં,
તુજ યાચક આ ઉર થાય, પ્રિયે ! ફરીને ફરી એ સ્વર માગી જ લે.
ઉર ઈચ્છતું કે હજી ગા તું પ્રિયે ! નવ થોભ, કશું પણ ગા જ પ્રિયે !
કંઈ દે કંઈ લે સહુ ગીત મહિં, વ્યવહાર બધાં કર ઓ સ્વરથી.
હુકમો સહુ ગાયનથી કરજે ; મુજ ઝિંદગીએ સ્વરથી ભરજે,
તુજ નૃત્ય સ્મરૂં ? ભૂલું ભાન, પ્રિયે ! કંઈ પ્રશ્ન કરૂં સ્મરી નૃત્ય, પ્રિયે !
ક્યમ ઊર્મી બની ન તું વારિધિની, બસ નાચત દિવસને રજની !
ઘુઘવાટ વળી તુજ હું બનતે, હસતો નકી તાલ દીધા કરતે.
કર તું કંઈએ, કર તું કંઈએ, કરુણાર્દ્ર પ્રભુ પ્રતિ કાર્ય પરે ;
તુજ શું તુજ શું થી મધુતર છે ? વળી નિર્મળ શું તુજ શું થી પ્રિયે !
સ્મરતાં સ્મરતાં સ્મરણે ચડ્યું જે બસ પૂજીશ પૂજીશ તે જ પ્રિયે !
- કલાપી
ગુજરાતી સાહિત્યનાં કલાપીની પુણ્યતિથિએ આજે તેમની એક રચના, જે તે સમયનાં પ્રવાહ મુજબ અંગ્રેજી સાહિત્યકારોનાં પ્રભાવ હેઠળ રચેલી. વિલિયમ શેક્સપિયરનાં નાટક ‘ વિલિયમ ટેલ’ નાં અમુક અંશનું ભાષાંતર કરેલ છે. આંતરાનુપ્રાસ અને પુનરુક્તિ કાવ્યને વધુ લયાન્વિત કરે છે.
.
એક ઘા : કલાપી
Thursday, September 11th, 2008
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર ! પડી ફાળ હૈયા મહીં તો !
રે ર ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો,
ક્યાંથી ઊઠે ? હ્રદય કુમળું છેક તેનું અહોહો !
આહા ! કિંતુ કળ ઊતરીને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે ! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
( મંદાક્રાન્તા )
- કલાપી
