Archive for the ‘કવિ રાવલ’ Category

  • લખે છે : કવિ રાવલ
  • એક ખૂણો : કવિ રાવલ
  • ગઝલ : કવિ રાવલ


  • એક ખૂણો : કવિ રાવલ

    Thursday, June 24th, 2010

    khuno

    એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
    આપણાં ઘરમાં રહે છે એક ખૂણો.

    એ મને લાગે ઢળેલી સાંજ જેવો,
    કેટલાંયે આથમે છે ત્યાં અરૂણો.

    હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
    આમ છે તડકા સમો ને તો’ય કૂણો.

    ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
    યાદ આવી જાય છે સંબંધ જૂનો.

    આપણે તો એ જ તીરથ, એ જ યાત્રા,
    ચલ ધખાવીને હવે – ત્યાં બેસ ધૂણો.

    - કવિ રાવલ

    સાવ સૂની સાંજે, સાવ અવાવરુ ખૂણામાં, જ્યાં અરમાનનાં અરુણો  પણ અસ્ત પામી ગયેલાં, તે સૂના ખૂણામાં  કવિએ જાણે કે, પોતાની કલમ થકી સજીવારોપણ કર્યું છે.  કેટલી વાર આપણે પણ, આવી કો’ક એક સાંજ યાદ કરતાં, એટલે કે, જાણે કોઈ તીરથની યાત્રા કરતાં હોય એમ, ત્યાં જ ધૂણી ધખાવીને બેસી, યાદોનાં ખરતાં પોપડાંને ખોતર્યાં કરતાં હોઇએ છીએ.

    .

    લખે છે : કવિ રાવલ

    Wednesday, April 15th, 2009

     

    કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે
    દાખલો ઓકાતનો અડધો લખે છે

    વીજળી, વાદળ અને વગડો લખે છે
    ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે

    શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે
    કોણ મારા નામનો પડઘો લખે છે ?!!

    ચામડી પર વાગતો ચટકો લખે છે
    સ્થળ,સમય,ઘટના… કશે અટકો લખે છે.

    છાંયડા, વરસાદ ને તડકો લખે છે
    ઝિન્દગી પણ કેટલી શરતો લખે છે.

    - કવિ રાવલ

    કાશ ! પ્રેમની જેમ ઝિન્દગી માટે પણ એવું કહેવાતું હોત – જિન્દગીમાં શરતો નથી હોતી …. !!  કિંતુ સ્થળ, સમય ને ઘટના તો આપણને ચટકો લાગે તેમ અટકો કહી દેતી હોય છે.  સદીઓ વીતી કાળને સમજવામાં હજુ આપણે તો કક્કો જ ઘૂંટીએ છીએ. અને કાળ પણ ચંદ્ર નહિં ઝાંખા ઝાંખા તારાને જ ખરવાની સજા આપતો હોય છે ને !! 

     

     

    .

    ગઝલ : કવિ રાવલ

    Tuesday, November 11th, 2008

     

    રામ સ્પર્શ્યા ને અહલ્યા થૈ ગયો પથ્થર અગર,
    શ્યામ સ્પર્શે વાંસળીને શું થયું ? કોને ખબર !!!

    આપણાં આ વિશ્વનું શું છે થવાનું હમસફર ?
    એક કુમળા પુષ્પને – એ પ્રશ્ન પૂછે છે ભ્રમર .

    એ નશામા હોય છે બસ એટલે તો તરબતર,
    પીધું કૈ – પારસમણી ઘૂંટી અને થૈ ગૈ અસર.

    આંખમાં છે એમની આકાશ, તારા સ્વપ્નવત્ ,
    લયવલય બ્રહ્માંડના દેખાય જો ખોલે અધર.

    ચેતનાઓ જો સતત કરતી ભ્રમણ ત્યાં હોય તો,
    - જઈ બતાવો એમને સંવેદનાઓની કબર.

    - કવિ રાવલ 

     મિત્ર કવિની એક તરોતાજા, કુમળી કળી જેવી નાજુક ગઝલ. રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂજાયાં તો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ…. ને એની પૂર્ણતા આપણે અપૂર્ણ કેમ પામી શકીએ ?  રામનાં સ્પર્શે તો પથ્થર અહલ્યા થઈ તો શ્યામનાં અધર વાંસળીને સ્પર્શે ને તેનાં સૂરે આખુંયે ગોકુલ ઘેલું થતું ને આમ જુઓ તો આપણી પથ્થર સમ જડતા ચેતનવંતી બનતી. પણ આ અધરનાં સ્પર્શે એ વાંસળીનું શું થતું હશે ? એવી જ કઈક વાત મને સ્ફુરી ગઈ. શું એટલે જ જન્મથી જ પોલી/ખાલી રહી કે શ્યામ તેને સ્પર્શી શકે ? અભેદ બ્રહ્માંડની વાતોને જેમ શબ્દમાં વર્ણવી અશક્ય છે તેવું જ લાગણીઓનું , સંવેદનાનું, ખરુંને ?  આકાશ, તારા તો ઈશ્વરની આંખ સમાન છે પણ હવે તો ઈશ્વર તેનાં અધર ખોલે તો આ બ્રહ્માંડનાં લયવલય ખૂલી શકે.  વળી ચેતનવંત હોઈએ ત્યાં સુધી જ સંવેદના અનુભવી શકાય પણ વ્યવહારુ જગતમાં તો સંવેદનાને જ કબરમાં દાટવી પડતી હોય છે.

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME