Archive for the ‘કિરણ ચૌહાણ’ Category

  • ઉમેરાઈ જાય છે : કિરણકુમાર ચૌહાણ
  • એટલું કાફી નથી : કિરણ ચૌહાણ
  • ગઝલ : કિરણકુમાર ચૌહાણ
  • ચલાવો છો : કિરણકુમાર ચૌહાણ
  • ટહુકી જાય છે : કિરણકુમાર ચૌહાણ
  • શનિવાર : કિરણકુમાર ચૌહાણ
  • સાધના કરવી પડે : કિરણકુમાર ચૌહાણ
  • સુરતનો પૂરપ્રકોપ : ૨૦૦૬


  • સાધના કરવી પડે : કિરણકુમાર ચૌહાણ

    Friday, November 20th, 2009

     

    ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
    નહિં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
     
    એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
    એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

    આપવા માંગે જ છે તો આટલું દઇ દે મને,
    યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

    આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
    અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

    આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
    સાવ નાની વાતમાં અહીં સાધના કરવી પડે.

    - કિરણકુમાર ચૌહાણ

     

    જગતમાં અનેક પ્રકારનાં મનુષ્યો રહે છે. પણ મેં તેને બે જ વિભાગમાં વહેંચ્યા છે. સજ્જન અને દુર્જન ?  ના… મૂર્ખ અને દુષ્ટ.  કારણ સજ્જન તો ? ના….  સજ્જનો છે પણ તેને જ તો ‘લોકો’ મૂર્ખ કહે છે… અને આમ પણ, સજ્જનોને સજ્જનતાથી કયાં કશુંય સાંપડે છે ?  તેમણે પણ અધિકાર માટે ગર્જના જ કરવી પડે છે,  જે દુષ્ટજનોનાં બહેરા કાને અથડાય.   બાકી, પોતાની deserving victoryમાં પણ સજ્જન કો’કની હારનું કારમું દુઃખ અનુભવે જ છે.  આપણી અંદર જ અને બહાર પણ ખેલાતું આ કુરુક્ષેત્ર,  સાધનાથી શું અલ્પ છે ?

     

     

    .

    ટહુકી જાય છે : કિરણકુમાર ચૌહાણ

    Wednesday, October 7th, 2009

     

    બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
    એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

    એ જ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
    જે મરણના આગમનની વાત ભુલી જાય છે.

    કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
    એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.

    પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું  નથી,
    પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે.

    આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
    રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.

    - કિરણકુમાર ચૌહાણ

     

    “ જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
    મહેક પંક્તિમાં પરોવીને દઇશ.
    હું કિરણ છું એટલે જયાં જયાં જઇશ,
    શબ્દથી થોડું તો અજવાળું કરીશ.”  -  કિરણકુમાર ચૌહાણ

    આજે તેમનાં જન્મદિને વૅબમહેફિલ અને તેના વાચકો તરફથી મબલખ શુભેચ્છાઓ…!!   તેમની કોઇ એક ગઝલ પસંદ કરવાનું જરા મુશ્કેલ લાગતાં આજે તેમની બે ગઝલો માણીશું.  કોયલનો એક ટહુકો સાંભળી ઉદાસ મન પ્રફુલ્લિત થઇ જતું કેટલીયે વાર અનુભવ્યું હશે ? પ્રકૃતિનાં સાંનિધ્યમાં માનવમન પણ કેવું રળિયામણું બની જાય છે… !!  

     

     

    .

    ચલાવો છો : કિરણકુમાર ચૌહાણ

    Wednesday, October 7th, 2009

    little girl

    (  ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’  )

    ‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
    બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

    તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
    બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

    અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
    અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

    સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
    ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

    અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
    અને દીકરી પૂછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

    - કિરણકુમાર ચૌહાણ

    દિલ પર હાથ મૂકીને જો કહીએ તો, હારી-થાકીને ડોકું હલાવતાં હલાવતાં, ઘણી વસ્તુ વિના ચલાવવાનું  જિંદગી શીખવાડી દેતી હોય છે. અને  છતાં પણ કદાચ અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ, લાગણીઓ હોય તો દિકરા કે દિકરી પ્રત્યેનું વ્હાલ કે ફરજ તે જરુર ભૂલવી દેશે.

    .

    શનિવાર : કિરણકુમાર ચૌહાણ

    Monday, June 22nd, 2009

     

    1

     

    દર સોમવારે વહેલી સવારે

    હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે

    પપ્પા મને લાં…બી પપ્પી કરીને

    નોકરીએ નીકળી જાય છે

    તે છે…ક

    શનિવારે પાછા આવે.

    હું પપ્પા કરતાંય વધારે

    શનિવારની રાહ જોઉં છું

    કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે

    પણ શનિવાર તો

    મારા પપ્પાને લઈ આવે છે !

    - કિરણકુમાર ચૌહાણ

     

    ગઈકાલે ૨૧મી જૂન ‘ ફાધર્સ ડે’ હતો અને  હવે તો ભારતમાં પણ, વિદેશમાં જેમ સામાન્ય થઈ ગયું છે એમ જ, માત્ર રવિવારે જ સહકુટુંબ મળવાનું થાય છે. આમ તો,  બાળકને મનાવવા માટે એક કૅડબરી, રમકડાં કે કોઈ પણ ગિફ્ટ કાફી ……..  પણ બાળકનાં ભવિષ્ય માટે કે કૅરિયરનાં નામે સોમથી શનિ કામ કરતાં પપ્પાઓને ( કે મમ્મીઓને પણ ! )  યાદ નથી રહેતું કે બાળકને સૌથી વધારે તો પપ્પા ( કે મમ્મી ) જ વધુ ગમે છે.  અને પછી જ્યારે ફાધર વૃદ્ધ અને બાળક કૅરિયરમાં busy થઈ જાય ત્યારે ….. એ જ બાળક માટે આપણે ફરિયાદ કરીએ કે પૂરતો ટાઈમ નથી ઘરડાંઓ માટે …. ?!!  

    માત્ર પૈસાની હોડમાં કે કૅરિયરની દોડમાં આપણે આપણું બાળક તો નથી ગુમાવતાંને ? હા જરુર પૂરતાં પૈસા કમાવવા મજબૂરીથી દૂર રહેવું પડે તો અલગ વસ્તુ……. બાકી તો ?!!

     

     

    .

    એટલું કાફી નથી : કિરણ ચૌહાણ

    Wednesday, April 8th, 2009

     

    ધડ ને માથું એટલું કાફી નથી,
    માત્ર હોવું એટલું કાફી નથી.

    મુક્તિ માટે કંઈ ખુલાસા જોઈએ,
    પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.

    કૈંક સોંસરવું ઊતરવું જોઈએ,
    માત્ર લખવું એટલું કાફી નથી.

    ફક્ત તારે માટે જીવ્યે જાઉં છું,
    બોલને, શું એટલું કાફી નથી ?

    પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
    હું અને તું એટલું કાફી નથી !!

    - કિરણ ચૌહાણ

     

    અઢી અક્ષરનાં પ્રેમની ટૂંકીટચક વ્યાખ્યા….. શું કાફી નથી ?

     

     

    .

    ગઝલ : કિરણકુમાર ચૌહાણ

    Wednesday, March 4th, 2009

     

    કહ્યું કોણે કે તારી પરવા કરું છું,
    હું બસ તારા સુખની તમન્ના કરું છું.

    તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું,
    હું જીવતરના બે છેડા સરખા કરું છું.

    આ સમજણ,આ વળગણ,આ દર્પણ યા કંઈ પણ,
    અકારણ-સકારણ હું તડપ્યા કરું છું.

    મને પામવા તું પરીક્ષા કરે છે,
    તને પામવા તારી પૂજા કરું છું.

    ઘણી વાર પ્રશ્ન જાગે છે મનમાં,
    ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

    હવે જીતવાની મજા પણ મરી ગઈ,
    તું હારે છે તેથી હું જીત્યા કરું છું.

    - કિરણકુમાર ચૌહાણ

     

    કિરણકુમારના નવા ગઝલસંગ્રહ ‘મિજાજ’માં તેમનો અનેરો જ મિજાજ જોવા મળે છે.  પ્રેમનાં સાગરમાં ડૂબકી લગાવતાં એક અનેરું સમર્પણનું મોતી તેમને મળી આવ્યું છે. જિંદગીમાં જીવવા માટે બે છેડા તો સૌએ ભેગા કરવાં જ પડે પણ પ્રેમ જ જેને જિંદગી તેને યાદ કરવું ને ભૂલવું એ જ બે છેડા….. !  પ્રેમની કોઈ પરીક્ષા હોય ? – એ તો બસ પૂજા છે.  વૅલેન્ટાઇન ડે પર wish કરવાનું ભૂલી ગયાં હો તો આ ગઝલ સંભળાવી દઈ વૅલેન્ટાઇનને મનાવી લેજો.

     

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME