Archive for the ‘કિરણ ચૌહાણ’ Category

  • ઉમેરાઈ જાય છે : કિરણકુમાર ચૌહાણ
  • એટલું કાફી નથી : કિરણ ચૌહાણ
  • ગઝલ : કિરણકુમાર ચૌહાણ
  • ચલાવો છો : કિરણકુમાર ચૌહાણ
  • ટહુકી જાય છે : કિરણકુમાર ચૌહાણ
  • શનિવાર : કિરણકુમાર ચૌહાણ
  • સાધના કરવી પડે : કિરણકુમાર ચૌહાણ
  • સુરતનો પૂરપ્રકોપ : ૨૦૦૬


  • ઉમેરાઈ જાય છે : કિરણકુમાર ચૌહાણ

    Monday, November 24th, 2008

     

    ભોળીભટાક લાગણી લલચાઈ જાય છે,
    નીકળે છે ઘરની બહાર ને વેચાઈ જાય છે.

    વંટોળ,ધૂળ,તાપ ને વરસાદ ધોધમાર,
    વૃક્ષોથી આ બધું જ પહેરાઈ જાય છે.

    અંધાર વચ્ચે કંઈ સદા ઝળહળ થયા કરે,
    પાંપણમાં નાનું સ્વપ્ન જો ઘેરાઈ જાય છે.

    જગમાં હવે તો દોસ્ત અગોચર કશું નથી,
    આંખો કરું છું બંધ ને દેખાઈ જાય છે.

    નબળાં પ્રસંગ હોય તો ચર્ચાય બે ઘડી,
    છાપાની જેમ જિંદગી વંચાઈ જાય છે.

    કાવ્યો લખું તો એટલી ઊર્જા મળે મને,
    મારામાં જાણે કોઈ ઉમેરાઈ જાય છે.

    - કિરણકુમાર ચૌહાણ

     

    મિત્રો, ગઈકાલે જ સુરત ખાતે કિરણકુમાર ચૌહાણનાં ગઝલસંગ્રહ ‘મિજાજ’નું વિમોચન ડૉ.દિલીપ મોદીનાં હસ્તે થયું. જેની વધુ માહિતી મહેફિલ-એ-ખાસમાં મળી શકશે. આ સંગ્રહમાંથી તેમનો આગવો મિજાજ ધરાવતી એક ગઝલ…..!! 

    અંધારભર્યા આયખામાં આંખમાં ઝળહળ થયા કરતું હોય છે તો માત્ર સ્વપ્ન…..પણ જિંદગીના દુ:ખોની ચર્ચા કરવામાં જિંદગીના સુખો અખબારની જેમ વાંચ્યા વિના સુખને એક અવસર આપીએ તો… ? કદાચ સુખનું સ્વપ્ન ઝળહળી ઊઠે !! વૃક્ષની જેમ આપણે પણ ધૂળ, તાપ ને વરસાદમાં છત્રી કે રેઈનકોટને બદલે તેને જ અપનાવી એક સહજ જિંદગી જીવી લઈએ.

     

     

    સુરતનો પૂરપ્રકોપ : ૨૦૦૬

    Saturday, September 6th, 2008

    દોડતાં આવ્યાં અને પળમાં જ ડુબાડી ગયાં,
    પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં.

    સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,
    એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયાં.

    આમ જો કે મૃત્યુથી તો કોઈ દિ’ બીતા નથી,
    દીકરીને ભૂખ લાગી એટલે ધ્રૂજી ગયાં.

    પૂરના જળની સપાટી ના વધે બસ એટલે,
    આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયાં.

    દોસ્ત ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,
    પાણી તો વીત્યાં સમયની જિંદગી તાણી ગયાં.

    આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે છતાં,
    તે છતાં સદ્.ભાગ્ય એ છે કે અમે જીવી ગયાં.

    - કિરણ ચૌહાણ

    ૨૦૦૬માં (તા.૮.૮.૨૦૦૬?) માનવસર્જિત ભૂલને કારણે સુરત આખું પાણીમાં ગરકાવ હતું, ઘરવખરી અને લાશો રસ્તા પર તરતી હતી અને લોકોની યાદો, અરમાન, ડૂબી ગયેલાં….
    આપણા વાચકમિત્ર બિમલ દેસાઈની ફરમાઈશ પર આજે કિરણ ચૌહાણની આ ગઝલ તેમના જ હસ્તાક્ષરમાં. મત્લાના શેરથી જ કવિ પોતાની કલમની તાકાત બતાવે છે પણ પૂરની સપાટી ના વધે એટલે આંસુ પણ આંખમાં રોકી લીધેલાં -આ શેર આંખમાં પાણી ના લાવે તો દિલ પર હાથ મૂકીને જોજો કે ક્યાંક હૃદયે ધબકવાનું બંધ તો નથી કરી દીધુંને ? 

     

    • Page 2 of 2
    • <
    • 1
    • 2
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME