Archive for the ‘કિશોર મોદી’ Category
ગઝલ કહું : ડૉ. કિશોર મોદી
Thursday, April 29th, 2010
એકાંત મઘમઘે ગુલાબી ને ગઝલ કહું,
ભાષા હો મૌનની સુગંધી ને ગઝલ કહું.
યુગયુગથી શોધ એ જ ચાલી રહી છે દોસ્તો,
એક જણની લઉં કથા અજાણી ને ગઝલ કહું.
ખુદના વિશે વિશેષ શું માહિતી આપું હું ?
બસ જ્ઞાનની સમજ છે થોડી ને ગઝલ કહું.
સાંજુકી વેળને સજાવી નીકળી પડું,
પળ ખુશમિજાજી એકધારી ને ગઝલ કહું.
ઘૂંઘટ સમી અલગ પ્રતીક્ષા સાંપડે કિશોર,
હો ભાત પાલવે અધીરી ને ગઝલ કહું.
- ડૉ. કિશોર મોદી
પંચમભાઈ ગઝલ બનતી નથી એમ કહી, ગઝલ કેવી રીતે બને તે બખૂબી સાનમાં સમજાવ્યું. તો કિશોર અંકલ સાંજુકી વેળાએ, ગુલાબી એકાંતમાં કો’ક નવા વિષય પર ગઝલ કહેવાની ચાહના ધરાવે છે.
.
વસંતની : કિશોર મોદી
Monday, February 22nd, 2010

( ગુલાબી ઈચ્છા વસંતની…. cherry blossom, Sikkim,India,2007 )
હર પળ હવે ગુલાબી છે ઈચ્છા વસંતની,
હર શ્વાસમાં સુહાય છે ઘટના વસંતની.
તું પાનખરને મૌનનું કારણ પૂછીશ મા,
હર પાંદ પાંદ સ્પર્શી છે લજ્જા વસંતની.
શર્મીલા સ્મિત ફૂલ જેવાં રૂપમય મળે,
હર આંખમાં નીખરતી જો આભા વસંતની.
એ ઓઢણી સુગંધથી મઘમઘતી માણી લે,
હર મંજરી ને તું વળી તનયા વસંતની.
ગુનગુન, કૂજન, પવન મહીં મર્મરની આરજૂ,
હર બાગમાં મ્હોરી ગઈ ઋચા વસંતની.
રૂપેરી યાદની પરબ લઈ સાંજ આવી છે,
હર કોઈ મોજથી પીઓ સુધા વસંતની.
- ડૉ. કિશોર મોદી
આપણે વસંત પંચમીનાં દિવસે, વસંતોત્સવ ઉજવીએ છીએ. પણ ખરેખર તો ફાગણની ત્રીજે વસંતઋતુનો પ્રારંભ થયો. અને હવે પાંદડે પાંદડે વસંતનો સ્પર્શ થઈ ચૂક્યો છે ત્યારે ફાગણમાં કોરાકટાક કેમ રહેવાય ? ફરી વસંત નામની રંગીન ઘટનામાં રંગાઈ, તેને મઘમઘતી માણી લઈએ ?!! ( સાભાર : આસ્વાદ ) ( આ ગુલાબી વસંત માત્ર મારા કેમેરામાં જ નહિં આંખોમાં પણ હજુયે કંડારેલી જ છે … ! )
.
વેદ ચીતરવો પછી : કિશોર મોદી
Thursday, April 16th, 2009
ગૂઢતાનો ભેદ ચીતરવો પછી,
ને સનાતન વેદ ચીતરવો પછી.
એષણાનો રોજ સરવાળો કરી,
જિંદગીનો છેદ ચીતરવો પછી.
અહીં પળેપળ મૌનની લીલાશ લઇ,
પૂર્ણતાનો વેદ ચીતરવો પછી.
યુગયુગોથી કોઇ શાપિત અહલ્યા છું,
કઇ રીતે નિર્વેદ ચીતરવો પછી?
નિત સમસ્યા છે સમસ્યા છે કિશોર,
આ જગતનો ખેદ ચીતરવો પછી.
– કિશોર મોદી
એષણાનો સરવાળો કરતાં કરતાં જિંદગીનો જ છેદ ઊડી જતો હોય છે અને પછી મૌનની આડે નિર્વેદ ચીતરાઈ જાય. નિતનવી સમસ્યા તો રહેવાની જગત પ્રત્યે ખેદ વ્યકત કરવાને બદલે જો સનાતન વેદને જ ચીતરીએ તો …… !!
.
વચ્ચે હું ઊભો : કિશોર મોદી
Friday, March 6th, 2009
રંગ, નભ, માહોલ વચ્ચે હું ઊભો,
દ્દશ્ય, ઇચ્છા, કોલ વચ્ચે હું ઊભો.
રોજ ઊઠીને પીછો મારો કર્યો,
તૂર, ત્રાંસાં, ઢોલ, વચ્ચે હું ઊભો.
મૌનથી દીવાલ ચીતરવી પડી,
હોઠ, મરમર, બોલ વચ્ચે હું ઊભો.
ખાલીપો માણસ સમો કોઇ નથી,
સ્ટેજ, પાત્રો, રોલ વચ્ચે હું ઊભો.
સાંજની લીલપમાં ટહુકી જાવું છે,
વાડ, ખેતર, મોલ વચ્ચે હું ઊભો.
લયવિલયની લ્યો કવિતા ગાવી છે,
સ્વર, હલક ને લોલ વચ્ચે હું ઊભો.
- કિશોર મોદી
રોજબરોજની જિંદગીમાં ત્રિભેટે આવીને – ક્યાં જવું ? ની મથામણમાં જિંદગી વીતાવી દેતાં હોઈએ છે . કિશોરભાઈ ત્રિશબ્દે આપણને એક મુકામે એકઠાં કરે છે અને મીઠી મૂંઝવણમાં મૂકી સ્વર, હલક ને લોલ ની વચ્ચે મૂકી આ ગીત ગાવા મજબૂર કરી દે છે. ‘આનંદ’ પિક્ચરનો ડાયલૉગ યાદ અવી જાય, ને સ્ટેજ અને રોલ વચ્ચે માણસનો ખાલીપો સ્ટેજ પર આવી ઑડિયન્સની દાદ મેળવી જાય તેવી જ દાદ આ ગઝલ પણ મેળવી જાય. વાડ,ખેતર અને મોલ વચ્ચે ઊભા રહી કોણ સાંજની લીલપમાં ટહુક્યા વિના રહી શકે ? તો ગઝલમાં પણ ‘લોલ’ શબ્દની ગેયતા ગીત જેટલી જ સુમધુર બની રહી છે.
શબ્દાર્થ : તૂર - તૂર્ય એક વાજિંત્ર (રણશિંગુ, શરણાઈ)
.
