Archive for the ‘કીર્તિકાન્ત પુરોહિત’ Category
વિગત : કીર્તિકાંત પુરોહિત
Saturday, September 24th, 2011
.
ઈશ્વરે ખુદ લખી છે વિગત ડાયરીમાં,
છળ કરે આચરણ સત્યનું માનવીમાં.
ભરજુવાની પવન લૂંટતો’તો કળીની,
ક્રોધથી નસ ઉપસતી રહી પાંદડીમાં.
શબ્દને લય, વજન, છંદનું દાપું દઈને,
પોંખવી છે ગઝલ, સૂરની પાલખીમાં.
માનવી જાત છે જાનવરની કહીને,
માનવી માનવીથી ડરે ખાનગીમાં.
ખુદને જો ખુદની જોઇએ કોઈ ઓળખ,
જાતને ડુબાડવી યે પડે આરસીમાં.
‘કીર્તિ’ – ના ધૂળ સમજો, ન માથે ચઢાવો,
એક વીંટી સમી જાળવો આંગળીમાં.
- કીર્તિકાંત પુરોહિત
.
.
ઈશ્વરની ડાયરીની વિગતો જાણવાનું કોને ન ગમે ? કીર્તિઅંકલ પણ એવી જ કઈક વાત કરે છે. તો પાંદડીમાં ઉપસેલી નસો નું કલ્પન અનેરું છે.
.
.
.
.
ન કર : કીર્તિકાન્ત પુરોહિત
Monday, November 23rd, 2009
સંબંધોમાં ભીંત લઇ ગાળો ન કર,
નીરવ જળમાં કાંકરીચાળો ન કર.
સફેદીમાં સાત રંગો ઓગળ્યા,
અધીરાઇમાં અક્ષર કાળો ન કર.
ભજવજે હાલત મુજબના વેષ પણ,
કુશળ નટ થા, ખુદને તરગાળો ન કર.
ભમરડાના ચક્કરો ગણતા રહી,
વછૂટી દોરીનો હોબાળો ન કર.
નિહાળી નભમાં પતાકા ‘કીર્તિ’ની,
ઉછીનો ભાલો અણિયાળો ન કર.
- કીર્તિકાન્ત પુરોહિત
માણસ જાત કદાચ કાંકરીચાળો ના કરે પણ, હોબાળો કર્યા વિના તો ના જ રહી શકે. અને માણસની આ જ ફિદરતને રોકવાનો એક પ્રયત્ન. આખરે તો સૌએ સંસારરૂપી નાટકમાં પાત્ર ભજવવાનું છે. તરગાળો બનવાને બદલે કુશળ નટ બનવું વધુ યોગ્ય છે ને !!
.
ક્યાં સુધી : કીર્તિકાન્ત પુરોહિત
Tuesday, May 5th, 2009
દેખવું ને દાઝવું તે ક્યાં સુધી,
દૃશ્ય ધૂમર માંજવું તે ક્યાં સુધી.
આયના તો સાવ ચોખલિયા મળે,
નગ્ન રૂપ શણગારવું તે ક્યાં સુધી.
ડાળ પર ખુદ ડગમગે છે જ્યાં સમજ,
લક્ષ્ય એનું સાધવું તે ક્યાં સુધી.
જ્યાં નજર નાખું કશી હલચલ નથી,
ઉંબરા પર થાકવું તે ક્યાં સુધી.
બુદ્ધિવશ દિલ થઈ ગયું છે તે પછી,
આડુઅવળું ભાગવું તે ક્યાં સુધી.
હું જ મારો દોસ્ત જ્યારે ના થયો,
કોઈનું મન તાગવું તે ક્યાં સુધી.
જૂઠના બાઝારથી લાવી ખરલ,
સતનું ફીફું ખાંડવું તે ક્યાં સુધી.
શબ્દના ચરખા પુરાણા થઈ ગયા,
રોજ ઝીણું કાંતવું તે ક્યાં સુધી.
‘કીર્તિ’ના ચરણો સદા ચંચલ મળે,
પુચ્છ ઉપર નાચવું તે ક્યાં સુધી.
- કીર્તિકાન્ત પુરોહિત
ગાંધી-હૃદય આરપાર ત્રણ ગોળી સિવાય જેની કલમ જઈ શકી તે કલમ જ સમજનાં લક્ષ્યચૂકને વીંધી શકે. જો કે લક્ષ્યવેધમાં રોજ જિંદગી જ વીંધાતી હોય ત્યારે સમજની ડાળ ઝૂકી-ઝૂકીને તૂટવાને બદલે ક્યાં સુધી નહિં ડગમગે…. ?!!
શબ્દાર્થ : ધૂમર – ધુમ્મસ, ફીફું – અનાજનું ફોતરું, ફીફું ખાંડવું – મિથ્યા પ્રયત્ન કરવો.
.
