Archive for the ‘કૃષ્ણ દવે’ Category

  • એ જ હું જોઉં છું : કૃષ્ણ દવે
  • એક તમારા મતને ખાતર : કૃષ્ણ દવે
  • નેનોના ફુટી નીકળેલાં વિરોધીઓને : કૃષ્ણ દવે
  • પતંગિયું : કૃષ્ણ દવે
  • બાકસ નામે ધરમ : કૃષ્ણ દવે
  • મહાભારત : એક માથાકૂટ
  • માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે
  • શું થયું મુંબઇ ? : કૃષ્ણ દવે
  • શું ફેર પડે છે ? : કૃષ્ણ દવે


  • માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે

    Tuesday, June 8th, 2010

     

    પતંગિયાંની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
    ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
    પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    સંબંધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
    લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
    જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
    માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
    જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચંદ્ર ગણાવી,
    વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    - કૃષ્ણ દવે 

     

    એક માણસની હેસિયત કેટલી ?  બ..સ  ’પોતાનું’  આકાશ બતાવવાની  જ ને ?!!   આમ તો,  માણસને માપવો શક્ય નથી, પણ કૃષ્ણભાઇ આ ગઝલમાં ફૂટપટ્ટી લઈ માણસને  માપી શક્યાં છે, એમ કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. 

     

    .

    શું થયું મુંબઇ ? : કૃષ્ણ દવે

    Thursday, November 26th, 2009

    mumbai

    શું થયું મુંબઇ ?

    બધ્ધું જ શમી ગયું ને !

    એ તો સ્મશાન વૈરાગ્ય !

    જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઊભા હોય.

    બાકી એમને પણ એમના કામ હોય કે નહીં ?

    રોઇ રોઇને આંખ સૂજી ગઇ ને ?

    ચાલ હવે શાંતિથી ઉંઘી જા.

    બીજી કોઇ ઘટના ના બને ને ત્યાં સુધી.

    - કૃષ્ણ દવે

    શું ફેર પડે છે ? મુંબઈને કે સરકારને. સૌ પોતાની પિપૂડી બે દિવસ વગાડીને ચૂ..પ  ( આપણે પણ !! ) જેણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે તેઓ તો… એ ક્ષણને હજુ ભૂલી  નહિં શક્યા હોય, આતંકવાદીનાં પણ.    જે કોઇએ જાન ગુમાવ્યા છે તે સૌને આજે વૅબમહેફિલ તરફથી એક શબ્દાંજલિ.

    .

    એ જ હું જોઉં છું : કૃષ્ણ દવે

    Friday, September 4th, 2009

     

    બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું;
    ઝૂલવું, ખૂલવું, ને તરત ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

    માન, સન્માન આમંત્રણો પણ નહીં, આવવાના કશાં કારણો પણ નહીં,
    તે છતાં ઉમડવું, ગરજવું, વરસવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

    કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે ? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે;
    એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

    છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહીં જવા જે જતું હોય છે
    બુંદનું બુંદમાં નાચવું, વહી જવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

    આત્મનું, તત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું,
    ઝૂલણા છંદમાં આ રીતે પ્રગટવું ? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

    - કૃષ્ણ દવે

     

    કૃષ્ણ દવેનાં જન્મદિને તેમને ‘સહજ’ વરેલી ગીતનુમા ગઝલ. વૅબમહેફિલ અને તેનાં સૌ વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….!!

     

      

    એક તમારા મતને ખાતર : કૃષ્ણ દવે

    Thursday, April 30th, 2009

    vote

    એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંટાઇ એ જો જો.
    એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.

    એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
    ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.

    એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
    મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.

    એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
    સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.

    એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો ?
    એક ટીપાથી આખ્ખે આખ્ખે આખ્ખું દૂધ ન ફાટી જાય એ જો જો.

    એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું ?
    રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.

    એક તમારા મતથી ધાર્યું નિશાન વીંધી નાખો છો પણ -
    એ જ તમારી ઓળખનો અંગૂઠો ના છીનવાય એ જો જો.

    એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
    પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.

    - કૃષ્ણ દવે

    ” જેના નામ પર મેં ચોકડી મારી,
    લોકશાહીમાં  એ જ ચૂંટાઈ આવ્યો. ” સુરેશદાદાએ કશેક નોંધ્યું છે, મને થયું જો કે હવે તો મશીન આવી ગયાં એટલે વાંધો નહિં…. ?!!  પણ ત્યાં વળી, કૃષ્ણભાઈ જ આપણને ચેતવે છે કે,
    “મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ !
    જેના પર એ મૂકે આંગળી, બત્તી ધરતું લાલ.”

    Anyways ……

    - પામો તો નેતા બનો,
    આપો તો સપડાવ !
    ‘અમૂલ્ય’ કહી એ ચીજનો
    તો ય ઠરે છે ભાવ ! – નિર્મિશ અંકલે કહ્યું એમ, આપનાં અમૂલ્ય મત નો વ્યય ન કરતાં અને ચોક્ક્સ મતદાન કરશો જ. કારણ દુનિયામાં પ્રવર્તિત બધી ‘શાહી’માં લોકશાહીમાં જ લોકોનો આટલો તો આટલો પણ ‘હક’ તો રહેલો છે. better option તો મળે at least આપણને…… !!

    .

    બાકસ નામે ધરમ : કૃષ્ણ દવે

    Monday, March 30th, 2009

    pigeon1


     


    બાકસ નામે ધરમ, ધરમમાં દિવાસળીનાં ટોળાં જી,
    એક જ પળમાં ઝડપી લીધાં કૈંક કબૂતર ભોળાં જી.
    પીંછાં બાળ્યાં પાંખો બાળી બાળી એની ચાંચો જી,
    પછી કહ્યું લ્યો ભડકે બળતા ચહેરાઓને વાંચો જી.


    બાકસજી ઉપદેશ કરે ને આપે સૌને અગ્નિજી,
    ફૂલેફાલે ધરમ આપણો એ જ અમારી લગની જી.
    નાતજાતનો ભેદ નથી આ ધરમ એટલો સારો જી,
    એક વાત ને એક આચરણ પકડો, કાપો મારો જી,


    વાત સાંભળી ગલી ગલીથી ઉમટી આવ્યા ચેલા જી,
    ત્યારે અમને ખબર પડી કે હતા કેટલા ઘેલા જી.
    ઘણો કઠિન આ ધર્મ હતો ને હોંશે હોંશે પાળ્યો જી,
    વ્યર્થ બધી એ વાતો છે ભૈ કોણે કોને બાળ્યો જી.


    દિવાસળીનાં ટોળેટોળાં ફરી વળ્યાં ચિક્કાર જી,
    બાકસ નામે ધરમ, ધરમનો થઈ ગ્યો જયજયકાર જી.


    - કૃષ્ણ દવે


     


     આજે સવારે Breaking newsમાં વારેવારે પાકિસ્તાનમાં ફેલાયેલો આતંક જોઇ બીજો કોઇ વિચાર આવે ? બસ……’તેઓ” તો એક જ ધર્મવાદી = ત્રાસવાદી અને આતંકને ત્રાસ ફેલાવવો તે જ તેમનો ધર્મ. બાકસ, દિવાસળી, એ.કે.૪૭, બોમ્બ, મિસાઇલ્સ તે તો તેમનો પૂજાપો. બસ કૃષ્ણભાઈ કહે છે એમ, નાતજાતનો ભેદ નથી એટલો આ ધરમ સારો…. ?!!  આપણને આ ધરમ ના સમજાય – કારણ આપણે તો ભોળાં કબૂતરજી…. ?!!


     


     


    .

    શું ફેર પડે છે ? : કૃષ્ણ દવે

    Friday, November 28th, 2008

     

    શું ફેર પડે છે ?

    પાંચ-પચીસ-પચાસ કે પાંચસો ?!!

    આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં….

    જુઓને કેવાં સહનશીલ અને સહિષ્ણુ ?!!

    એમ કાંઈ અકળાઈ ના ઊઠે – નાની નાની વાતોમાં,

    પેલાઓની જેમ,

    એય ઢાળી દે બે ટાવરોનાં બદલામાં -

    બે-ચાર દેશ……

    - કૃષ્ણ દવે

     

    એ શહીદોને આજે એક સલામ અને વંદન સહ…. કે જેણે પોતાનાં પેટની કે પેટનાં જણ્યાની ચિંતા કર્યા વિના સામી છાતીએ ગોળીઓ ઝીલી. જંગ તો આપણે તેમને ગુમાવીને હારી જ ચૂક્યા છીએ. આશા રાખીએ કે રાજકારણીઓનાં પેટનું પાણી હલે તો ફરી આવાં બાહોશ વીરોને ગુમાવવા ના પડે.

     

     

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME