Archive for the ‘ગની દહીંવાલા’ Category
ઓ યુગના અવતારી ! : ‘ગની’ દહીંવાલા
Friday, October 2nd, 2009
ચાલીસ કોટિ બાળ રડે છે પોકારી પોકારી, ઓ યુગના અવતારી !
ધન ધન તારી જીવનયાત્રા, ધન ધન જનની તારી, ઓ યુગના અવતારી !
માનવતાની સીમા સમ તું, વૈષ્ણવજનની વ્યાખ્યા સમ તું,
સત્ય વચનની શ્રદ્ધા સમ તું, અહિંસાના વ્રતધારી,
ઓ યુગના અવતારી !
જ્યાં પાથરતો તું અજવાળાં ત્યાં છે વાદળ કાળાં કાળાં,
દિવ્ય પ્રભાકર અસ્ત થયો તું, છે રજની અંધારી,
ઓ યુગના અવતારી !
પરવશતાનું ભાન કરાવ્યું શિક્ષણ દઈ સ્વરાજ્ય આપ્યું,
સાગરને તળિયે બેઠેલી નૌકાને તેં તારી,
ઓ યુગના અવતારી !
- ‘ગની’ દહીંવાલા
ગાંધીજીનાં જન્મદિને ગનીચાચાની કલમે આદરાંજલિ… !! આજે ચાલીસ કોટિ બાળ, પૂરાં સો કોટિ થઇ ગયાં છે પણ પરિસ્થિતિમાં ઝાઝો ફેર નથી. આજે પણ, અમે કોઇ ‘ગાંધી’નાં પુનિત પગલાંની રાહ જોઇ બેઠા છીએ.
.
તમારા અહીં આજ : ‘ગની’ દહીંવાલા
Monday, August 17th, 2009
તમારા અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર, તમારાં નયનની અસર થૈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને, બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની, બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.
હરીફો ય મેદાન છોડી ગયા છે, નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી, કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે, વિધાતાથી કોઇ કસર થૈ ગઈ છે.
‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું, કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થૈ ગઈ છે.
- ગની દહીંવાલા
ગયા વર્ષે, વૅબમહેફિલ પર આપણે ગની જન્મશતાબ્દી વર્ષે તેમની એક પ્રખ્યાત ગઝલ ‘દિવસો જુદાઈના’ – નો અંગ્રેજીમાં અનુવાદ માણેલો. આજે તેમના જન્મદિને ફરી માણીએ એવી જ બીજી એક પ્રખ્યાત ગઝલ – કે જેનો પહેલો શેર દરેક જણે પોતાની માશૂકાને કહ્યો જ હશે. સનમના ખયાલ માત્રથી જ દિલ બાગ બાગ થઈ જતું હોય તો તેનાં આગમનથી તો ચમન પણ બાગ બાગ થઈ જાયને … ! સનમનાં કેફમાં આશિકની કેફિયત… કંઇક આવી જ હોય. શરમાતી સનમ જાણે કે પાંદડીઓનાં પડદે કળી- તો પવન સુવાસની સાથે મળી સનમની છેડતી કરવાનું કેમ ચૂકે ?!! સાચે જ તેમની કલ્પનાનાં જગતની ઇર્ષ્યા આવે પણ જન્નતની પણ કેવી સફર થૈ ગઈને …… !! ( ઑડિયો )
.
ખોટ વર્તાયા કરે : ‘ગની’ દહીંવાલા
Thursday, March 5th, 2009
જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.
એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
- ‘ગની’ દહીંવાલા
મિત્રો, ‘ગની’ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે ને ત્યારે આજે તેમની પુણ્યતિથિએ શબ્દાંજલિ અર્પણ કરવી જ રહી. મરણ પછી તો મનુષ્યની ખોટ વર્તાય પણ આપણી નિષ્ક્રિયતાને કારણે જીવતાં જ જગતને કામ ના આવીએ તો શું ? – તેવી સભાનતાપૂર્વક જિંદગી જીવનાર એક આમ આદમીની પણ જગતને ખોટ પડે જ. તો ગનીચાચાની ખોટ તો કેટલી ? જિંદગી એટલે કે – આપણે કરેલાં કર્મોનો સાચો પડઘો તો આપણાં મોત પછી પણ ત્યારે જ પડેને, હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે…. !! આજે તેમની પુણ્યતિથિએ તેમનો ગુજરાતી માટેનો પ્રેમ દર્શાવતી એક અન્ય ગઝલ પણ માણીશું.
.
લઈને આવ્યો છું : ‘ગની’ દહીંવાલા
Thursday, March 5th, 2009
હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .
હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .
સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.
તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.
જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.
ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.
‘ગની’ ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .
- ‘ગની’ દહીંવાલા
ગુજરાતી સાહિત્યનાં વટવૃક્ષ પર કલરવતી આ ‘ગઝલ-બુલબુલ’ ગનીચાચાને તેમની પુણ્યતિથિએ શતશત વંદન સહ…… !!
.
લાગણીવશ હૃદય !
Wednesday, September 24th, 2008
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાતદી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુવહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડુબી જવું, હોય સૌદર્ય સામે તો કહેવું જ શું ?
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે,
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
- ગની દહીંવાલા
“હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું , સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું.” આજે વિશ્વ હૃદય દિન અને સાહિત્યકારો સાચે જ ગનીચાચા કહે છે એમ હૃદયનાં ભાવ કલ્પનાની પાંખે લઈને આવે છે. જોકે આમ તો ‘હૃદય’ ના સંકલિત શેર મૂકવાની ઈચ્છા હતી પણ આ રચના વાંચી તો….. એ ફરી ક્યારેક. હા, પણ એમાં પણ ગનીચાચાના જ શેરો વધુ જ હશે………!!
મેઘાણી : ‘ગની’ દહીંવાલા
Thursday, August 28th, 2008
અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી !
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી !
હવે હે, મોરલા ! તારો અષાઢી કંઠ ક્યાં મળશે !
કવનનાં વૃક્ષ પર ખાલી છે તારી ડાળ, મેઘાણી !
સ્મરણમાં નિત નવા લેબાસમાં હું જોઉં છું તુજને,
કદી સાફો, કદી વાંકડિયા તારા વાળ, મેઘાણી !
કદી અંધારમાં ‘ઇન્સાનિયતના દીવડા’ આપ્યા,
કદી ‘ધરતીનું ધાવણ’ દઈ ઉછેર્યાં બાળ, મેઘાણી !
વગાડી તેં નજાકતથી કદી ‘ટાગોરની વીણા’
સરળતાથી સુણાવ્યા ચારણોના ઢાળ, મેઘાણી !
અચાનક તેં સભામાંથી ઊઠીને ચાલવા માંડ્યું,
બધા શ્રોતાઓને હૈયે પડી ગઈ ફાળ, મેઘાણી !
- ‘ગની’ દહીંવાલા
આપણા લોકલાડીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો આજે જન્મદિવસ તેમની રચનાઓ તો માણીએ છીએ પરંતુ ગનીચાચા રચિત પ્રશસ્તિકાવ્ય તેમના જન્મદિને અર્પણ….!! ગનીચાચાએ તેમની કૃતિઓને પણ ગઝલમાં વણી લીધી છે અને અન્ય રચનાઓ વિશેની માહિતી આપને www.meghani.com પર મળી રહેશે. અને એક જાણવા જેવી વાત, અમદાવાદમાં એમની અટક પરથી જ મેઘાણીનગર વિસ્તાર છે અને સુરતમાં મેઘાણી બાગ….. !!
.
