Archive for the ‘ગુંજન ગાંધી’ Category
લે, તરસને સાચવી : ગુંજન ગાંધી
Wednesday, September 21st, 2011
.
લે, તરસને સાચવી,
કયાં નદીને રાખવી ?
બારણા જેવી સરળ,
ભીંત ક્યાંથી લાવવી ?
દ્રશ્ય ભીનું થઈ ગયું,
ક્યાં નજર સંતાડવી ?
વાત પૂરી ના થઈ ?
તો ક્ષણો લંબાવવી.
પત્ર એનો ના મળે,
તો પ્રતિક્ષા ફાડવી !
- ગુંજન ગાંધી
.
.
ગુંજનભાઈ ટૂંકી બહરમાં - એટલે કે, ટૂંકમાં ઘણાં રામબાણ ઉપાય કહી ગયાં . અને કશું યાદ ન રહે કે, ન સૂઝે તો – દીવાલ એટલે કે, આપણાં જ હઠાગ્રહો મૂકી , ખુલ્લે બારણે હઠાગ્રહોની બહાર નીકળી જવું સારું. કારણ દીવાલ ક્યારેય બારણા જેવી સરળ નથી હોતી.
.
.
.
.
વિશ્વને સમજાવશે : ગુંજન ગાંધી
Monday, November 15th, 2010
.

.
.આવવાનું હોય તો હમણાં તરત એ આવશે,
ક્યાં પછી એ શક્ય છે જનમો સુધી ટટળાવશે.
છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.
માપ પડછાયાનું દિનભર લઈ સીવ્યા લાંબા-ટૂંકા,
એ બધા વસ્ત્રોને રાતે ક્યાં જઈ લટકાવશે ?
તું બરફ પીગળે નહીં ની માન્યતા ઘૂંટ્યા કરે,
કો’ક દિવસ એ સૂરજને ઊગતો અટકાવશે.
આંખમાં આવે છતાં એ સહેજ પણ વાગે નહીં,
દૃશ્ય એવું આઈનો તૂટ્યા પછી એ લાવશે ?
ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ?
- ગુંજન ગાંધી
.
હું તને કાગળ લખું છું, Mail તો કરતો નથી બસ એટલા માટે,
લાગણી Attach કરવાનો નથી option કોઈ બસ એટલા માટે. – ગુંજન ગાંધી
ગુંજનભાઈનાં જન્મદિને ( ગઇકાલે હતો એટલે કે, belated ) તેમની એક ગઝલ અને મુક્તક માણી, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ… કારણ, નથી option કોઈ (વધુ સારો) બસ એટલા માટે… !!
.
.
.
.
મારી રજા નથી : ગુંજન ગાંધી
Tuesday, October 5th, 2010.
.
આવી ચડે અચાનક, એમાં મજા નથી,
તું હોય છો ને ઈશ્વર, મારી રજા નથી.
એકાદ હો, તો માંડીને વાત પણ કરું,
એના ઘણા ગુનાની કોઈ સજા નથી.
મંદિરની જેમ ઈશ્વર પત્થર બની જતે,
સારું થયું, કે ઘર પર કોઈ ધજા નથી.
ખરતી વખત એ પાંદડુ તો વૃક્ષને કહે,
ખરવામાં છે, એવી ટકવામાં મજા નથી.
બાંધી ઇમારતો જે આકાશ જઈ અડે,
ઈશ્વરની રૂબરૂ કરે, એવા છજા નથી.
- ગુંજન ગાંધી
.
ઈશ્વરના દરબારમાં તો સૌ કોઇએ જવાબ આપવાનો છે. પણ, કવિએ તો ઈશ્વરને ‘માણસ’નાં દરબારમાં ઊભો કરીને તેના પર પ્રશ્નોની ઝડી વરસાવી છે. આરસનાં મંદિરમાં ઊભા ઊભા શું એ પણ પથ્થર તો નથી બની ગયોને ? સારું છે કે, ‘ઘર’ પર કોઇ ધજા નથી – નહિં તો ‘માણસાઇ’ પણ … ??!
.
.
.
.
અવાજોનું નગર : ગુંજન ગાંધી
Tuesday, July 21st, 2009
આ અવાજોનું નગર છે.
બોલ સન્નાટા, ખબર છે ?
રાત પાછળ રાત થઈ છે,
બંધ સૂરજની સફર છે ?
કાગડો કહે, એકલું ઘર,
કો’કની લાગી નજર છે.
પારદર્શક હો છતાં પણ,
કાચ કરચોથી સભર છે.
જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે ?
ઢાંકણું હિજરાય છે કેમ ?
કાચ તૂટ્યાની અસર છે ?
એ કહે તો આથમે દિન,
એવા કૂકડાની ખબર છે ?
- ગુંજન ગાંધી
કૂકડો બોલેને સૂરજ ઊગે, પણ – વ્યસ્ત શહેરી જીવનમાં નીંદર પણ પૂરી ના થઈ હોય અને એલાર્મ વાગતાં ‘ જાગવું ‘ પડતું હોય એવાં ‘ આ અવાજોનાં નગર’ માં કૂકડો ક્યારે બોલી ગયો ને ક્યારે સૂરજ ઊગી ગયો તે તો ખબર પણ ક્યાંથી હોય .. ?!! આપણાં બાળકોને તો કૂકડો બોલે અને સૂરજ ઊગે એ અનુસંધાનની જાણ પણ છે, ખરી ? તેમની અન્ય રચનાઓ તેમનાં બ્લૉગ પર માણી શકશો.
.
