Archive for the ‘ગૌરાંગ ઠાકર’ Category
આંખથી કહેવાઈ ગયું છે : ગૌરાંગ ઠાકર
Friday, April 1st, 2011.
.
ક્યારેક તને આંખથી કહેવાઈ ગયું છે,
કેવી રીતે દુનિયાને એ સમજાઈ ગયું છે.
તું કેમ સ્મરણ, જીદ હજી રોજ કરે છે ?
જે નામ હવે હોઠથી વીસરાઈ ગયું છે.
શોધી રહી છે ચાંદની આ તારલાની સાથ,
સૂરજનું કશું, સાંજથી ખોવાઈ ગયું છે.
વરસાદ તું પણ આજ હવે મન મૂકીને પડ,
એક જણ જતું ‘તું ઘર, હવે રોકાઈ ગયું છે.
હું પણ મને ના ઓળખું ‘ગૌરાંગ’ના નામે,
એ નામ હવે તારામાં જોડાઇ ગયું છે.
- ગૌરાંગ ઠાકર
.
.
વગર શબ્દોએ , આંખોથી વંચાતી ભાષા એટલે જ પ્રેમ અને પ્રેમ એ જ સમર્પણ – એ વાત આટલી સરળતાથી ક્યારેય રજૂ થઇ હશે ?
.
.
.
.
હોય છે : ગૌરાંગ ઠાકર
Saturday, December 18th, 2010.
જિંદગીભર એ ઉખાણું હોય છે,
કેવી રીતે જીવવાનું હોય છે ?
જે રીતે અહીંયા જીવાયું હોય છે,
કાવ્ય એનું ક્યાં લખાયું હોય છે.
તારા આ ઉચ્છ્વાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.
હું ટપાલી છું તમારી મ્હેકનો,
બસ તમારે ખીલવાનું હોય છે.
ઝાંઝવે જતા હરણને રોક-મા !
એ જ એનું પાણિયારું હોય છે.
તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મૂકાયું હોય છે.
- ગૌરાંગ ઠાકર
.
.
જિંદગીનાં કોયડાને ઉકેલતાં ઉકેલતાં, કલમનાં હાથ થકી, આપણે જ આડે હાથે મૂકી દીધેલ જિંદગીનું કાવ્ય પણ રચાઇ જતું હોય છે. બસ, જરુર છે ખીલવાની. ઈશ્વર તો કહે છે જ, હું ટપાલી છું તમારી મ્હેકનો.
.
.
.
.
ત્યાગ રહેવા દે : ગૌરાંગ ઠાકર
Saturday, October 30th, 2010.
ફક્ત જાગી જા ત્યાગ રહેવા દે,
તું બધે તારો ભાગ રહેવા દે.
જાય છે તો બધું જ લઇ જા,પણ
આ સ્મરણનો વિભાગ રહેવા દે.
ઢાંક ચેહરો ક્યાં તો બુઝાવ દીવો,
એક સ્થળે બે ચિરાગ રહેવા દે.
તું હ્રદયથી જ કામ લઇ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે.
કોઈ વંટોળને કહી દો કે,
ફૂલ ઉપર પરાગ રહેવા દે.
આગ હૈયામાં લાગી હો તો લખ,
માત્ર લખવાની આગ રહેવા દે.
- ગૌરાંગ ઠાકર
.
.
વેદ તો કહે છે, ‘ तेन त्यकतेन भूंजिथाः’ એટલે કે, ત્યાગીને ભોગવી જાણો જેથી તે વસ્તુનો મોહ ન રહે. પણ, સમય સાથે જીવવાનાં સમીકરણો પણ બદલાતાં જાય છે. અને કદાચ એટલે જ કવિ કહે છે, માત્ર જાગી જા…. ત્યાગ રહેવા દે , પણ સાથે એ જાગૃતિ પણ રાખ કે – બધે તારો ભાગ રહેવા દે. આ લખવાની આગ નથી, હૈયાંની આગ છે એટલે જ કદાચ લોભ, મોહ,માયા - બધુંયે ભસ્મીભૂત કરી નાંખે તેવી જ્વાળાઓ ઊઠી છે.
,
.
.
.
તારા વગર : ગૌરાંગ ઠાકર
Wednesday, August 11th, 2010
સાંજ ડૂબી એકલી તારા વગર,
એટલે છે આંખ મારી તરબતર.
શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં,
થાય અટકાવી દઉં એની સફર.
જો પ્રતીક્ષા બારણે ટોળે વળી,
આવશે તું એમ આવી છે ખબર.
ફૂલને ઝાકળ કહે છે વાત જે,
હું તેને કહેતો રહું બસ રાતભર.
જિંદગીને વેચવા દુનિયા ફર્યો,
ચોતરફ બસ લાગણીની કરકસર.
લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે ?
એકલો માણસ અને ભરચક નગર.
- ગૌરાંગ ઠાકર
સિમેન્ટ-કોંક્રીટથી ભરચક નગરમાં સવારથી રાહ જોતાં ‘માણસ’ની સાંજ પણ એકલી જ ડૂબે ત્યારે ચોક્કસ શ્વાસની સફર અટકાવી દેવાનું મન જ થાય. ‘એકલો’ માણસ ઉદાસીનો માર્યો, જિંદગીને વેચવા ચાલ્યો પણ, લાગણીની અછત કેવી કે, એને ખરીદનાર કોઇ નહિં ??!
.
વખત વીતાવું છું : ગૌરાંગ ઠાકર
Thursday, July 8th, 2010
ક્યાં હું એમાં કશું ગૂમાવું છું ?
મારી સાથે વખત વીતાવું છું.
વાત બહુ ખાનગી જણાવું છું,
ફૂલ પાસે ગઝલ લખાવું છું.
કેવી રીતે મકાન ઘર થાશે ?
દીકરીને હું એ ભણાવું છું.
મુગ્ધતા આંખને મળે ત્યારે,
ગાલે ટપકું તરત લગાવું છું.
મારો ઈશ્વર હવે મલાજો રાખ,
હું તને સઘળે ઓળખાવું છું.
જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.
વિસ્તરે ઘરથી રોજ અનહદમાં,
મારી એવી છબી કઢાવું છું.
- ગૌરાંગ ઠાકર
આજનાં સમયમાં લોકોને ખુદને મળવાનો મોકો જ મળતો નથી ત્યારે જાત સાથે સમય વીતાવવાની વાત જ ક્યાં કરવી ? અને ધારોકે, સમય મેળવી લઇએ તો પણ તેનું મૂલ્ય આપણે સમજી શકતાં નથી. પણ આવો જ કોઇક ૨૫ મો કલાક ખુદને આપીએ તો ચોક્કસ ફૂલ પાસે પણ ગઝલ ગવડાવી જ શકાય, મુગ્ધતાને પણ પામી શકાય અને ઘરની હદ અનહદ સુધી વિસ્તારી શકાય.
.
વહાલ વાવી જોઈએ : ગૌરાંગ ઠાકર
Sunday, May 9th, 2010

( વહાલ વાવી જોઇએ : મુખપૃષ્ઠ )
ચાલને, માણસમાં થોડું વહાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.
કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ.
કાંખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોસ્ત,
એકબીજાના ખભે એને ચલાવી જોઈએ.
બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.
- ગૌરાંગ ઠાકર
માણસ લગનો રસ્તો બનાવતાં કવિને જાણે કે રસ્તો મળી ગયો છે માણસનો. અને, હવે કાંખઘોડીની મદદ વિના, ખભે હાથ મૂકી સંબંધનો વિસ્તાર કરવો છે અને તેથી જ માણસમાં થોડું વહાલ વાવવાની કોશિશ કરે છે, જેથી આ ઘરડાંઘરો ખાલી થઇ શકે. શક્ય છે, ભવિષ્યમાં ઘરડાંઘરમાં પણ નામ રજીસ્ટર્ડ કરાવી રાખવું પડે અને તો પણ waitingમાં નંબર આવે ?!!
આજે માતૃત્વનો અવસર ઉજવાય છે અને ગૌરાંગ ઠાકર જેમણે નાનપણમાં જ માતાની છાયા ગુમાવેલી તેઓને માતૃઋણ અદા કરવાની આ સોનેરી તક સાંપડી છે. આજે તેમનાં દ્વિતીય ગઝલ સંગ્રહનું વિમોચન છે, જે તેમની માતાનાં આશીર્વાદ જ છે. આ રૂડા અવસરે, વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી અઢળક શુભેચ્છાઓ.
.


