Archive for the ‘ગૌરાંગ ઠાકર’ Category

  • સંબોધન કરું : ગૌરાંગ ઠાકર
  • માણસ થવાનું મન થયું : ગૌરાંગ ઠાકર
  • આંખથી કહેવાઈ ગયું છે : ગૌરાંગ ઠાકર
  • કરી દે
  • કાયમ નથી : ગૌરાંગ ઠાકર
  • ખુદા મારો છે : ગૌરાંગ ઠાકર
  • ગઝલ : ગૌરાંગ ઠાકર
  • તારા વગર : ગૌરાંગ ઠાકર
  • તારો મોબાઈલ નથી રેન્જમાં : ગૌરાંગ ઠાકર
  • ત્યાગ રહેવા દે : ગૌરાંગ ઠાકર
  • થાય છે : ગૌરાંગ ઠાકર
  • ધમાલ થઈ ગઈ…!– ગૌરાંગ ઠાકર
  • નાટક : ગૌરાંગ ઠાકર
  • પતંગાયણ : રમેશ પારેખ
  • બપ્પોર : ગૌરાંગ ઠાકોર
  • માર્ગ માણસ લગ-નો : ગૌરાંગ ઠાકર
  • લાગે છે : ગૌરાંગ ઠાકર
  • વખત વીતાવું છું : ગૌરાંગ ઠાકર
  • વરસાદમાં : ગૌરાંગ ઠાકર
  • વસંતમાં : ગૌરાંગ ઠાકર
  • વહાલ વાવી જોઈએ : ગૌરાંગ ઠાકર
  • સમાચાર જેવું : ગૌરાંગ ઠાકર
  • હોય છે : ગૌરાંગ ઠાકર


  • કાયમ નથી : ગૌરાંગ ઠાકર

    Tuesday, February 24th, 2009

     

     આ જગત અમને ઝૂકાવે વાતમાં કૈં દમ નથી,
    પણ હૃદયના મામલે હારી જતાં નાનમ નથી.

     સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
    ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

     આ હવાની એક મર્યાદા જુઓ કાયમ રહી,
    હરઘડી એ શ્વાસ બનવાને અહીં સક્ષમ નથી.

     આ બધાં પ્રતિબિંબ અંદર બ્હારથી બદલાય બસ,
    માત્ર દર્પણ વેચવાનો આપણો ઉપક્રમ નથી.

     બસ તમે નક્કી કરી લ્યો, ઝૂલવું કે ઝૂરવું ?
    એક પણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.

     
    - ગૌરાંગ ઠાકર

     

     જગત સામે નહીં ઝૂકવાની વાત કરતાં ગૌરાંગભાઈ નાજુક દિલ પાસે એટલી જ નજાકતથી હારી ગયાં છે અને તેમાં વળી નાનમ શી ?  સુખની વ્યાખ્યા દરેકની પોતાની જ હોય.  શું ખારવાને મન માછલી મોતીથી કમ હોય છે ?   એને તો માછલી જ મોતી…. !!!  ખારવો, માછલી ને મોતીનાં પ્રતિક લઈ કેટલી સુંદર વાત કરી છે !! હવાને પણ મર્યાદામાં બાંધી દેતાં કવિ કહે છે તે હરઘડી શ્વાસ બનવાને સક્ષમ નથી હોતી તો આપણને પણ મર્યાદા નડે જ ને એમાં દુ:ખ શાનું ?  દર્પણવાળો શેર વાંચતાં જ Delhi-6  મુવી યાદ આવી ગયું. જેમાં એક પાગલને વારેઘડીએ દર્પણ હાથમાં લઈને ફરતો બતાવ્યો છે.  જોકે સૉનેટની જેમ મુવીમાં પણ બે સીનમાં મુવીસાર બતાવ્યો છે જે સારું પણ છે તો કોઇને બૉર પણ કરી શકશે.  ગૌરાંગભાઈ પણ એ જ વાત કહે છે બાહ્ય પ્રતિબિંબ તો બદલાશે પણ અંદરના માહ્યલાનું શું ? ખાલી દર્પણ વેચ્યા કરીશું તો અંદરનું પ્રતિબિંબ ક્યારે દેખીશું ? ક્યારે ચકાસીશું ? પરિસ્થિતિ આપણને ક્યારેય  અનુકૂળ નહીં હોય આપણે જ તેની સાથે અનુકૂલન સાધવાનું છે તેવી ઉમદા વાત ….. મોસમ ને ડાળ સાથે સાંકળીને કરી છે.  

     

     

    .

    સમાચાર જેવું : ગૌરાંગ ઠાકર

    Tuesday, January 6th, 2009

     

     મને હું મળી લઉં છું અખબાર જેવું,
    આ ખાલીપણું છે સમાચાર જેવું.

    પછી એ જ થઈ જાય પડકાર જેવું,
    હું મન જ્યાં મનાવું સમજદાર જેવું.

    બગીચે સુગંધિત કવિતા રજૂ થઈ,
    આ ઝાકળ ફૂલોનાં પુરસ્કાર જેવું.

    પવન પાંદડાં લઈ ગયો પાનખરમાં,
    હવે વૃક્ષ આખું નિરાધાર જેવું.

    વિચારોથી તેથી અલગ ના થવાયું,
    નથી યાદને કોઇ આકાર જેવું.

    નહીંતર આ મત્લા, તગઝ્ઝુલ ક્યાંથી ?
    હશે કોઈ ભીતર ગઝલકાર જેવું.

    - ગૌરાંગ ઠાકર

    આજે સવારે જ ટીવી ન્યુઝમાં જોયું કે કાશ્મીરની વાદીઓમાં બરફવર્ષા !! સનસનાટી ફેલાવતાં ભયંકર સમાચારોનાં આતંકની વચ્ચે કોઈ એક ચેનલને તો આજે કુદરતનો આ નજારો – સમાચારમાં નોંધવા લાયક લાગ્યો, ને હું પણ એ એક જ ક્ષણ માટે જ ‘મને’ મળી… !! અને તરત યાદ આવી આ ગઝલ. જોકે ગૌરાંગભાઈ તો અખબાર જેવું પણ મળે છે આપણે તો ટૅલિગ્રામની જેમ ઈમરજન્સીમાં જ આપણને મળવાનો ટાઈમ આપતાં હઇશું કે નહિં ? એ પણ પાછાં શોક સમાચાર જ હોય ત્યારે જ ?   

    જોકે રોજ જ જાત સાથે સંવાદ સાધવાનો ‘૦’ hour કે ૨૫મો કલાક શોધી કાઢવાની શરત સાથે જ આ ગઝલ માણીશું નહીંતો ખાલીપણું સમાચાર જેવું જ રહેશે, ખરુંને ? ન સરકાર પગલાં લે કે ન જાગૃત જનતા ….. ?!!  ‘શરાફતઅલીકો શરાફતને મારા’ – જેવું જ કઈક – ભીતરે ચાલતાં કુરુક્ષેત્રને કોણ રોકી શકે ? મન મનાવીએ પણ એ પણ સમજે છે ને અર્જુન નહીં કૃષ્ણ બની માર્ગદર્શન આપે છે ને ફરી એક પડકાર જાત સામે જ .. ?!!

     

    .

    માર્ગ માણસ લગ-નો : ગૌરાંગ ઠાકર

    Tuesday, November 4th, 2008

     

    આ નગરને એમ વિકસાવો હવે,
    માર્ગ માણસ લગ-નો બંધાવો હવે.

    સાંકડા રસ્તા ગલી તો ચાલશે,
    ઘરમાં ભીંતો મનની તોડાવો હવે.

    હાથ-પગ મારે ને ડૂબી જાય કોઈ,
    ત્યાં તમારો હાથ લંબાવો હવે.

    મૃગજળો નોખાં નગરનાં હોય છે,
    આ હરણને કોઈ સમજાવો હવે.

    પિંજરું પહેરી ઉભેલા ઝાડને,
    ક્યાંકથી ટહુકાઓ સંભળાવો હવે.

    - ગૌરાંગ ઠાકર

     

    “લગાગા લગાગામાં ક્યાં છે કવિતા ?
    મેં માણસને ચાહ્યો તો ગઝલો બની છે.”
    માણસને ચાહવાની- માણસ લગી પહોંચવાની તાલાવેલી ખુમારીપૂર્વક બોલી ઉઠી છે.
    “હું સાંકડી ગલીમાં,રસ્તા કરી જવાનો,
    માણસ સુધી જવાનો,આગળ નથી જવાનો.” દિવાળીની પરોઢે જયારે વાંચ્યું કે,ગૌરાંગભાઈનાં હિસ્સાનો સૂરજ અમાસની રાતે પોતાનું અજવાળું પાથરી રહ્યો છે ત્યારે તેમનો જ એક શેર યાદ આવી ગયો. “માણસ પ્હોંચે માણસ લગ, ઉજવી નાંખો એ અવસર.” ને માણસ લગ-નો રસ્તો બનાવવો ભલે કપરો હોય પણ સિવિલ એન્જીનિયર બનાવી ના શકે એવું બને ?  તેમનાં શબ્દોએ આજે કેડી કંડારી માણસ લગ પહોંચવાની સફર આદરી દીધી છે.

    માણસપણું નિભાવવાની સતત મથામણ સાથે એક માણસ આખું નગર વિકસાવવા નીકળી પડ્યો છે. અમદાવાદને મૅગાસિટી બનાવવા જેવું જ કંઈક !! પણ એમાં સંકડાશ તો મનની જ દૂર કરવાની છે.સતત મોહમાયામાં ડૂબતાં જતાં માણસને હાથ પકડી તરાવવો છે. ઈચ્છાનાં હરણને મૃગજળનાં છળની વાત કરવી છે. તો બિલ્ડીંગનાં પિંજરામાં કેદ થયેલાં વૃક્ષને ટહુકાઓ સાંભળવા મળે તો જ સમગ્ર નગરનો વિકાસ સાધેને ?!! તેમનાં શબ્દોનું નગર વિકસીને માણસ લગી પહોંચવાના રસ્તા માપી રહ્યું છે અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેમનાં પુસ્તક “મારા હિસ્સાનો સૂરજ”ને પુરસ્કૃત કર્યું છે તે અવસરે ગૌરાંગભાઈને દિલથી ખોબલે ખોબલે શુભેચ્છાઓ. હા,તેમનાં આ પુસ્તકને સાહિત્યસંગમ, સુરતે પણ સ્વ.મનહરલાલ ચોકસી પારિતોષિક અર્પણ કર્યો છે.

     

     

     

    ગઝલ : ગૌરાંગ ઠાકર

    Friday, October 3rd, 2008

     

    (ગની દહીંવાલા)

     “જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’ ,
     હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે. “

    મિત્રો, વૅબમહેફિલ પર ૧૭ ઑગષ્ટ ૨૦૦૮, ગનીચાચાના જન્મદિને આપણે સૌએ તેમની જન્મશતકપૂર્તિ ઉજવી. ગનીચાચા ગુજરાતની એ ‘ગઝલબુલબુલ’ છે કે જે ગુજરાતી સાહિત્યના વટવૃક્ષ પર આધુનિકતા અને પરંપરાનું અનુસંધાન કરી મધુર રવે ચહકી રહી છે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર,સુરતે આ શતકવર્ષને ‘ગનીવર્ષ’ જાહેર કર્યું અને તેના ઉપક્રમે ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮, રવિવારના રોજ તરહી મુશાયરાનું આયોજન કર્યું હતું. તરહી મુશાયરામાં ગનીચાચાની જ ગઝલોમાંથી એક-એક પંક્તિ કાર્યક્રમના સંચાલક શ્રી રઈશભાઈ મનીઆરે પસંદ કરી, આશરે ચોવીસેક કવિઓને આ પંક્તિ પર ગઝલ લખવાનું આમંત્રણ આપ્યું અને સૌ કવિશ્રીઓએ પોતપોતાની આગવી શૈલીમાં તેને રજૂ કરી હતી. “જે શોધમાં ગૂમ થઈ જાવું હોય,એ શોધનો આરો શા માટે ?’ આ પંક્તિને પોતાના રંગે રંગી ગૌરાંગભાઈએ જે રચના રજૂ કરી હતી તેને માણીશું …….

     તું એક વખત સઘળું લઈ લે,આ દર્દ હજારો શા માટે ?
    આ પાન વગરનાં વૃક્ષો પર,આ ડાળનો ભારો શા માટે ?

    હું શ્વાસ લઉં તારી જોડે,બીજે તો બધે બસ હાંફું છું,
    આ ફૂલ બગીચામાં ખુશ છે,અત્તરથી પનારો શા માટે ?

    અવતાર મળ્યો છે ઝરણાંનો,સંભાળ હવે પર્વત લેશે,
    તું મસ્ત રહે બસ વહેવામાં,પથ્થરમાં ઉતારો શા માટે ?

    આ રાત પડી આડે પડખે,ને ચાંદ કરે ચોકીદારી,
    કૈં લાખ સિતારા ચમકે છે,આ નભનો નઝારો શા માટે ?

    સૌ શ્વાસ લખાવી આવ્યાં છે,બે-ચાર વધારે કે ઓછાં,
    પળવાર રહે ઝાકળ ફૂલે,ઉપવનનો ઈજારો શા માટે ?

    આકાર વિહોણા ઈશ્વરને સાકાર કરીને શું કરશું ?
    સાક્ષાત્ રહ્યો છે માણસમાં,મંદિરમાં ધસારો શા માટે ?

    વિશ્વાસ ગયો માણસમાંથી,શ્રદ્ધાય ખૂટી ગઈ ઈશ્વરમાં,
    અખબાર મળે લોહી છાંટી,એવી જ સવારો શા માટે ?

    તું જાય મળી મુજને પ્રિતમ,મંજૂર નથી એ કારણથી,
    *જે શોધમાં ગુમ થઈ જાવું હો,એ શોધનો આરો શા માટે ?

    - ગૌરાંગ ઠાકર

    નવરાત્રિનાં પહેલા દિવસે જ અખબારમાં સમાચાર હતા જોધપુરમાં માતાજીના મંદિરમાં ‘ધસારા’ને કારણે અરાજકતા અને અસંખ્ય મોત…..અને ત્યારે ગૌરાંગભાઈના આ બે શેર યથાસ્થાને જ લાગે છેને ? ’મંદિરમાં ધસારો’ અને ‘લોહી છાંટેલા અખબારવાળી સવારો !દરેક પ્રયાસની શરૂઆત તો ઝરણાં સમાન જ રહેવાની અને પ્રકૃતિ પણ…..તો પથ્થરમાં ઉતારો શા માટે ?!! બસ બની સરિતા સાગરમાં ભળવાને કેટલી વાર ?  આમ તો હવાની આવનજાવન તે જિંદગી પણ - તારી આશ/પનાહ બસ શ્વાસ બાકી તો બધું હાંફવાનું જ. ઝાકળ સમ ક્ષણિક જીવી જો કોઈ પુષ્પની સુંદરતામાં વધારો કરી શકીએ તો આ લખેલાં બે-ચાર શ્વાસ બસ છે !! માણસ પર તો વિશ્વાસ રહ્યો નથી અને ઈશ્વર પ્રત્યેની આસ્થા ય ખૂટી ગઈ છે અને ત્યારે માનવમન પરમની શોધમાં વળી પોતામાં જ ઈશ્વરને પામવાની વાત કરે છે. 

     

     

    કરી દે

    Friday, August 29th, 2008

    મારી આ દીવાલોથી મને પાર કરી દે,
    બારીથી મને એક વખત દ્વાર કરી દે.

    ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઊગી જા,
    તું ફૂલ ઉપર એટલો ઉપકાર કરી દે.

    તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
    હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે.

    દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
    તારાથી હવે થાય તો અંધાર કરી દે.

    શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
    તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

    એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
    ‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે.

    - ગૌરાંગ ઠાકર

    મનની બારી ખોલીએ તો અંતરનાં દ્વાર ખૂલે પણ ગૌરાંગભાઈ તો આ અજવાશને, સત્યને પામવા બારીનું દ્વાર કરવાનું કહે છે જેથી ઈશ્વરને પૂર્ણપણે પામી શકે. જૂના ઘરો અને હવેલીઓમાં ટોડલે દીવા કરતા પણ તે તો ભીતરે પ્રગટાવી દીધો હવે થાય તો તું અંધાર કરી દે. ગૌરાંગભાઈને સુનીલભાઈએ વેબમહેફિલની વાત કરી કે તરત જ અતિ ઉમળકાભેર પોતાની ઝાકળ સમ તરોતાજા ગઝલ પોતાના હસ્તાક્ષરમાં મોકલી આપી. ભીતરનો દીવો ઝળહળતો રહે તેવી અભ્યર્થના સહ આપ બન્નેનો ખૂબ ખૂબ આભાર….

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME