Archive for the ‘ચીનુ મોદી’ Category
વરસાદમાં : ચીનુ મોદી
Wednesday, November 24th, 2010
આપણે પલળ્યા હતા સાથે ગયા વરસાદમાં,
હું પછી શું કામ પલળું આજના વરસાદમાં ?
દૂર ઊભા શું કરો છો એ જ સમજાતું નથી,
સ્હેજ પાસે આવી બોલો આટલા વરસાદમાં.
કેટલો રમણીય અમને વ્હેમ જીવાડી ગયો,
આંસુના તોરણ તમે બાંધી જતાં વરસાદમાં.
મારી જેમ જ સાવ ચંચળ જીવ હોવાને લીધે,
રાત-દિન આશ્રય વગર પલળી હવા વરસાદમાં.
આભ ગોરંભાય ત્યાં તો બારી વાસી દે તરત,
એમને ‘ઇર્શાદ’ ક્યાં સંભારવા વરસાદમાં ?
- ચીનુ મોદી
ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા દૂર કરવા જાણે કે પ્રકૃતિ સંતુલન સાધી રહી હોય એમ, ભર શિયાળામાં વરસાદી વાતાવરણ જામી ગયું છે. આપણે પણ પલળ્યા હતાં ગયા વરસાદમાં…. પણ ભીંજાવાનું બહાનું મળે અને કોરા રહી જઇએ તો કેમ ચાલે ? વૅબમહેફિલ પર ચોમાસામાં એક જ દિવસમાં બાર ગઝલો ‘ વરસાદમાં’ રદીફ પર માણેલી …. તો આજે એ જ રદીફ પર ચીનુકાકાની કલમે એક ગઝલ માણીને ફરી એક વાર ભીંજાઇએ. આ સાથે ‘વરસાદમાં’ અન્ય ગઝલો પણ જરુરથી માણશો. આભ ગોરંભાતું હોય ત્યાં બારી ન વાસી દેતાં !
કાચું ધાન છે : ચિનુ મોદી ‘ઈર્શાદ’
Thursday, October 28th, 2010.
રણઝણ રણકતા કાન છે,
વૃક્ષો ઉપર ક્યાં પાન છે ?
સૂરજ ઉઘાડે બારણું
ઘરમાં ઘણા મહેમાન છે.
તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીને વાન છે.
બિંબાય જળમાં આભથી,
ક્યાં ચંદ્ર કમ શેતાન છે ?
જોયું ન જોયું થાય છે ?
એ ક્યારનો બેભાન છે.
જે જે હતું ભરચક બધું,
તું છે છતાં વેરાન છે.
આ પ્રેમ બીજું કંઈ નથી,
‘ઈર્શાદ’ કાચું ધાન છે.
- ચિનુ મોદી ‘ઈર્શાદ’
(૨.૪.૨૦૦૮)
.
કવિ શ્રી ચિનુ મોદીને આજે ૨૮ ઓક્ટોબરનાં રોજ, ભાઇકાકા ભવન, લોગાર્ડન,અમદાવાદ ખાતે ‘વલી’ ગુજરાતી એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ચિનુકાકાને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન અને તેમનાં નવા ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’માંથી એક તાજા ગઝલ.
.
.
.
મોકો મળ્યો : ચિનુ મોદી ‘ઈર્શાદ’
Thursday, September 30th, 2010
.

( પુષ્પ ધરવાનો મોકો )
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર ? હું છું વહેતો પવન,
બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.
હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.
થયું : હાશ સારું કે, છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું : છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
- ચિનુ મોદી ‘ઈર્શાદ’
.
.
ગુજરાતી ગઝલને જેણે સાચા અર્થમાં ઠરીઠામ કરી છે તેવાં ચિનુકાકાને જન્મદિને મબલખ શુભેચ્છાઓ. અને હા, તેમની સાથે સરસ વાત કરવાનો અને પુષ્પ ધરવાનો મોકો જોઇતો હોય તો , સાંજે ૭-૩૦ વાગે, ભાઇકાકા હોલ, લો-ગાર્ડન, અમદાવાદ ખાતે ચોક્કસ આવશો.
.
.
.
ઈશ્વરને નામે વાણી : ચિનુ મોદી
Tuesday, August 3rd, 2010પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઇચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
- ચિનુ મોદી
‘આદિલ’ મન્સૂરીની યાદમાં , તેમનાં પરિવારજનો તરફથી ‘આદિલ’ મન્સૂરી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર આધુનિક ગઝલકાર ચિનુ મોદીને અર્પણ કરવામાં આવ્યો છે. ચિનુકાકાને વૅબમહેફિલ અને સૌ વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
.
अल्लाह मियाँ : चिनू मोदी “इर्शाद”
Thursday, July 29th, 2010
ये हमारा है मकाँ, अल्लाह मियाँ
आप का तो आसमाँ, अल्लाह मियाँ
आपने बातें करी हम से कभी ?
आप क्यों है बेजुबां, अल्लाह मियाँ
आप के नक़्शे कदम कैसे चले ?
छोड़ते है कब निशाँ, अल्लाह मियाँ ?
जिस्म का गुलजार मुरजाता रहा
आप कैसे बागबाँ, अल्लाह मियाँ ?
एक पर्दा हो तो उसको फाड़ दे
सात परदे दरमियाँ, अल्लाह मियाँ
- चिनू मोदी “इर्शाद’
ગુજરાતી ગઝલનાં પાયા અને વિકાસમાં ઘણાં ઉર્દૂ સાહિત્યકારોનું યોગદાન રહેલું છે. ગુજરાતી ગઝલને આધુનિકતા બક્ષતાં કવિ ચીનુ મોદીએ ઉર્દૂ ભાષામાં પણ પોતાનો ગઝલસંગ્રહ પ્રકાશિત કર્યો છે. ઈશ્વર એટલે કે, ‘ અલ્લાહ મિયાં’ સાથેની રકઝક….. જાણે કે, આપણાં મનની જ વાત રજૂ કરે છે. વેદ,ઉપનિષદ,કુરાન,બાઇબલ…. પણ, ઈશ્વરની શોધ ક્યાંય પૂરી થતી નથી. ક્યારેક તો એને ઉત્તર આપવો પડશેને !! ( ગઝલસૌજન્ય : તાહા મન્સૂરી )
.
હોય છે : ચીનુ મોદી
Wednesday, May 19th, 2010
ડર મને મારો જ થોડો હોય છે -
કાચમાં ચહેરાને જોવો હોય છે.
કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણાં ક્ષણક્ષણનાં દોષો હોય છે.
શ્વાસની હલચલ તો હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?
ઊંઘ આવે તો તરત મીંચો નયન,
રાતનો ક્યારે ભરોસો હોય છે ?
પી જઉં પયગંબરોના પાપને,
શબ્દનાં તો લાખ રોગો હોય છે.
હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી
મોતનો પણ એક મોભો હોય છે.
- ચીનુ મોદી
જીવનમાં નૈતિક મૂલ્યોનું અવમૂલ્યન થઇ રહ્યું છે, ત્યારે સરળતા અને સહજતા જેમની કલમને વરેલી છે તે ચીનુકાકા આ વાત પણ એટલી જ સહજતાપૂર્વક કરે છે. જો ખુદની નજરમાંથી ઊતરી જશો તો અન્યની સાથે આંખ જ કેવી રીતે મેળવી શકશો ?! અન્યનાં દોષને અવગણવું અઘરું હોય છે, પણ જો આપણે આપણાં દોષ નિહાળી શકીશું તો અન્યને પણ માફ કરી શકીશું.
.

