Archive for the ‘જયંત પાઠક’ Category

  • એક એવી તે પ્રીત : જયંત પાઠક
  • જિંદગી અને મરણ : જયંત પાઠક
  • ભૈ માણસ છે : જયંત પાઠક
  • વર્ષાગમન : જયંત પાઠક


  • વર્ષાગમન : જયંત પાઠક

    Monday, June 7th, 2010

     

    ઝટ ઝટ, અગાશીમાં પડ્યું છે
    તે બધું અંદર ખસેડો :
    સૂકવવા મૂકેલ તે ભીંજાઇ જશે ગોદડાં:
    અંદર લઇ લો જાજરૂનાં ખાસ આ જૂતાં જૂનાં.
    કપડાં, રખડતાં કિન્નરીનાં કૈં રમકડાં:
    આ કોલસાની ડોલ, સાવરણી વળી
    - સળગે નહીં બળતણ, સડી જાશે સળી -
    લીધું બધું ?
    હાશ, હવે ભલે થાય
    પ્રલે !

     

    * * * * * * * * *

    આ વાદળાં આવી રહ્યાં ઓરાં
    ટપ ટપ
    સૂણો ફોરાં.
    અગાશીમાં ચાલો
    વાયરો કેવો લાગે છે
    વ્હાલો !
    રહી ન જવાય જો જો ક્યાંય આજ કોરાં !
    વીજળી હસે છે ? વાદળાં ‘નફફટ’  કહે છે ?
    કોણ જુએ, કોણ એને સાંભળે છે ?
    ટપ ટપ… કશી ટાઢક વળે છે !
    હાશ, હવે ભલે થાય
    પ્રલે !

    - જયંત પાઠક

     

     ૪૬ ડિગ્રીનો તણખો અડ્યા બાદ અચાનક થયેલું  આ વર્ષાગમન ભલેને ઋતુચક્ર મુજબ ના હોય પણ વરસાદ એટલે વરસાદ… !  જોકે,  અગાશીમાં કે ગેલેરીમાં પડેલ સામાનની ચિંતા પણ એટલી જ સતાવે પણ તેને સગેવગે કર્યા બાદ…. ભલેને થાય પ્રલે !!!

     

    જિંદગી અને મરણ : જયંત પાઠક

    Wednesday, May 26th, 2010

     

    kabar _ phul

     

    મને જિંદગી અને મરણની ખબર છે :

    કબર પર ફૂલો અને ફૂલો પર કબર છે.

    - જયંત પાઠક

     

     પ્રયોગશાળામાં જિંદગીનો જન્મ થઈ ગયો, પણ  જિંદગી અને મરણની વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક વ્યાખ્યા એક  ‘ સામાન્ય માણસ’ને   પૂર્ણપણે,સરળતાથી ગળે ઊતરે એવી નથી હોતી કારણ તેની સામાજીક વ્યાખ્યા અલગ હોય છે.  જિંદગી કવિનાં શબ્દોમાં કે ચિત્રકારનાં રંગોમાં કે  કેમેરામેનની છબીમાં એવી ધૂંધળી જ ગોચર થતી હોય છે અને ત્યારે આ કાવ્યાત્મક પંક્તિ – જિંદગી અને મરણની ખબર હોવાનો દાવો રસપ્રદ બની રહે છે.  

    દુન્યવી સંતુલન સાધી ન શકતાં એક  ‘માણસ’ ને દુનિયા સતત ઠેબે ચડાવે છે તો તેનાં મરણ બાદ, તેની કબર પર ફૂલો મૂકવાનું સૌજન્ય પણ દાખવે છે.   એક ફૂલ જેવું કોમળ હૃદય ધબકતું હતું ત્યારે તેની અવગણના કરી અને તે જ્યારે સંવેદનાહીન થઇ ગયું ત્યારે આ પુષ્પો ? - શું પુષ્પોની  કોમળતા  હવે તેને સ્પર્શી શકશે ખરી ?  કદાચ લાશ જો બોલી શકે તો એમ જ કહેશે -  મને તો માર્યો પણ આ ફૂલોએ તમારું શું બગાડ્યું’તું ?!  

    ફૂલ એ ચેતન, જીવનનું પ્રતિક છે તો કબર જડતા અને મૃત્યુનું.   બે જ રુપકો દ્વારા કવિ જીવનનું અતુલ્ય સંતુલન સાધી,  ક્ષણભંગુરતા અને અનુક્રમ સંસારનો અફર નિયમ છે તે અદ.ભૂત રીતે વર્ણવે છે.   છબીમાં સૂકાયેલો પુષ્પગુચ્છ ,   ‘માણસ’ની કબર પરનો ’પથ્થર’ અને ચોતરફ ખીલેલાં ફૂલો પણ એવું જ કંઇક સૂચવે છે.

     

    .

    ભૈ માણસ છે : જયંત પાઠક

    Friday, April 9th, 2010

     

    રમતાં રમતાં લડી પડે, ભૈ માણસ છે,
    હસતાં હસતાં રડી પડે, ભૈ માણસ છે.
     
    પહાડથી એ કઠ્ઠણ, મક્કમ માણસ છે,
    દડદડ દડદડ દડી પડે, ભૈ માણસ છે.
     
    ચંદર પર ચાલે ચપચપ, માણસ છે,
    ને બે ડગલે ખડી પડે, ભૈ માણસ છે.
     
    સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે,
    ભરબપ્પોરે ઢળી પડે, ભૈ માણસ છે.
     
    પૂજવા ઝટ થયાં પાળિયા માણસ છે,
    ટાણે ખોટ્યું પડી, પડી ભૈ માણસ છે.

    - જયંત પાઠક

     

    અનાયાસે જ બે દિવસથી,  માણસ વિષેની રચનાઓ મૂકાય છે અને અચાનક આજે આ ગઝલ યાદ આવી ગઈ.   માણસને ખૂબ જ સહજતાથી વળી, ખૂબ સચોટ અને યોગ્ય રીતે,  મૂલવવામાં આવ્યો છે.   

     

    .

    એક એવી તે પ્રીત : જયંત પાઠક

    Tuesday, February 16th, 2010

     

    prakash

    (  એક જ કિરણમાં પ્રકાશ ) 

    એક એવી તે પ્રીત અમે કીધી, ઘૂંટમાં આખી પિયાલી પીધી.

    પીંછામાં એક, અમે પંખીને પામિયા, ને તારામાં એકલ આકાશ,
    લહરીમાં એક લીધો સાગરને તાગી, ને એક જ કિરણમાં પ્રકાશ;
    એક એવી તે પ્રીત અમે કીધી, કે મીટમાં નજરું હજાર બાંધી લીધી.

    એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ, ઊઘડ્યાં ફટોફટ ફૂલ,
    એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં, વનવનનાં પર્ણો વ્યાકુળ;
    એક એવી તે પ્રીત અમે કીધી, કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી.

    - જયંત પાઠક

     

    પ્રીતની દોરમાં બંધાયા  પછી,    જયંત પાઠક કહે છે એમ,    એક જ ઘૂંટમાં પિયાલી પીધી જેવો જ અનુભવ …. !    પીવાનો સ્વાદ કે સંતોષ ન પણ મળે … અને મળે તો  એક પીંછા માત્રમાં પંખી કે એક કિરણમાં સૂર્ય પામ્યા જેટલો આનંદ અને નહિં તો એક નિશ્વાસ માત્ર વનનાં પર્ણો પણ કંપાવી દે !

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME