Archive for the ‘જવાહર બક્ષી’ Category

  • અભિસારિકા ગઝલ : જવાહર બક્ષી
  • આજના માણસની ગઝલ : જવાહર બક્ષી
  • ગઝલ : જવાહર બક્ષી
  • ગીત-ગઝલ : જવાહર બક્ષી
  • ચાલ્યા જતા પ્રસંગની : જવાહર બક્ષી
  • નીલકંઠી ક્ષણો : જવાહર બક્ષી
  • પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી


  • નીલકંઠી ક્ષણો : જવાહર બક્ષી

    Tuesday, November 30th, 2010

     

    એક ઝાકળનાં ટીપાંને દરિયે હવે,
    ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

    જાણવાનાં પ્રયત્નો ન કરીએ હવે,
    ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

    નીલકંઠી ક્ષણો શેષ રહી છે હવે,
    ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

    સહુ ક્ષિતિજોને ઓળંગી જઇએ હવે,
    ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

    આપણે ક્યાંય મળીએ ન મળીએ હવે,
    ચાલ આકાશ પાતાળ રમીએ હવે. 

    - જવાહર બક્ષી 

    .

    આકાશ અને પાતાળ વચ્ચે નીલકંઠી ક્ષણોમાં રમાતી રમત એ જ જિંદગી !  હાર-જીતને જાણવાનાં પ્રયત્નો કર્યા વિના, ક્ષિતિજોને ઓળંગવા,  ખેલદિલીપૂર્વક આ રમત રમીએ.  આમ તો ઝાકળના ટીપાંનો દરિયો જ છે ને જિંદગી તો !

     

     

     

    અભિસારિકા ગઝલ : જવાહર બક્ષી

    Monday, July 26th, 2010

    abhisarika

    ( અભિસારિકા )

    સાજણ તારી વાટમાં, બંધનનો વિસ્તાર,
    આકાશ ઊગ્યું આંખમાં, પગમાં ઊગ્યા પ્‍હાડ.

    પગમાં ઊગ્યાં પ્‍હાડ, નીકળું નદી થઇને,
    અધવચ્ચે રોકે મને, પડછાયાનાં ઝાડ.

    પડછાયાનાં ઝાડ સ્‍હેજ પણ વ્‍હેમાયે નહિં !
    એમ તળેથી સરકતાં વહ્યે જાઉં એકધાર.

    વહ્યે જાઉં એકધાર ભિન્ન સંજોગો વચ્ચે,
    પળભરમાં કાંઠે વસે પરિસ્થિતિનું ગામ.

    પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું,
    મને બચાવી નીકળું લઇ શબ્દની આડ.

    લઈ શબ્દની આડ, તને શોધું દરિયામાં,
    મોજાંઓ કહેતાં ફરે, તું છે દરિયાપાર.

    - જવાહર બક્ષી

    સાજનને મળવા નીકળેલી સ્ત્રીની આંખમાં પ્રિયજનને મળવાનાં આકાશી અરમાન હોય છે, પણ પગમાં દુન્યવી બંધનનાં પ્‍હાડ.  જેમ પર્વત પરથી નીકળેલી નદી દરિયામાં ઓગળવા તત્પર હોય એમ એકધારી તે વહેતી જાય છે.  ભલેને, બન્ને કાંઠે  વિપરીત પરિસ્થિતિઓનું ગામ વસેલું હોય ! શબ્દની આડ લઇને , જાતજાતનાં  બહાના  બનાવી પ્રેમીને મળવા નીકળી જાય છે.  પણ દરિયાનાં મોજાં કહે છે, સાજન તો દરિયાપાર છે…. !!

    વળી,  ગઝલ સ્વરુપમાં પણ કવિએ સાની મિસરાની અર્ધ પંક્તિઓને પછીનાં શેરનાં ઉલા મિસરામાં લીધી છે, જે સમગ્ર ગઝલને રસભંગ કર્યા વિના અદ્‌ભૂત રીતે સાંકળે છે,  અને અભિસારિકાનું  સુંદર શબ્દચિત્ર નીપજે છે.

    શબ્દાર્થ :  અભિસારિકા – પ્રેમીને મળવા જતી સ્ત્રી.

    .

    ચાલ્યા જતા પ્રસંગની : જવાહર બક્ષી

    Friday, February 19th, 2010

     

    ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે,
    તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

    જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને,
    પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

    મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યા કરું,
    મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

    મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
    એ શું કે વાત વાતમાં તારું સ્મરણ રહે !

    સ્વપ્નાય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયા,
    જીવનમાં તો પછી ‘ફના’  ક્યાંથી ઝરણ રહે ?

    - જવાહર બક્ષી

     

    જવાહર બક્ષી, જેઓએ પોતાની સાતસો-આઠલો ગઝલોમાંથી માત્ર એકસોને આઠ ગઝલ જ પ્રકાશિત કરી.   તેઓની ગઝલમાંથી કોઈ એક ગઝલ પસંદ કરવું ખૂબ જ કપરું જ લાગે.   અને આથી આજે તેમનાં જન્મદિને માણીએે તેમની ખૂબ જ જાણીતી અને માનીતી બે ગઝલો….!  જેમાં ત્રીજો શેર તો અદ્.ભૂત થયો છે.

     

     

    .

    આજના માણસની ગઝલ : જવાહર બક્ષી

    Friday, February 19th, 2010

     

    ટોળાંની શૂન્યતા છું, જવા દો કશું નથી,
    મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

    હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
    ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

    શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
    મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.

    નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
    હું ઢોલ છું, પીટો મને કૈં થતું પણ નથી.

    સાંત્વનના પોલા થીંગડામાં સૂઈ ગઈ છે રાત,
    બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.

    -  જવાહર બક્ષી

     

    તાત્વિક અને વાસ્તવિક એવી આ ગઝલ એટલે – આજનો માણસ !   જીવનનો મર્મ ( હું છું ને હું નથી ! ) સમજીને પણ આજનો માણસ બ..સ ટોળાની શૂન્યતા સિવાય  કશું નથી.   ફૂટપાથ પર ટૂંટિયું વાળી સૂતેલા માણસના પ્હેરણમાં જેટલાં પોલા થીંગડા હોય છે તેટલો જ પોલો આજનો માણસ બની ગયો છે.   અને આ ખાલીપણું પણ કેવું કે, ઢોલ પીટો તો પણ ? – કશાય કામનું નહીં.  ક્યાંક વાંચેલું,  દરેકનો પોતાનો ક્રોસ હોય છે, જે પોતે જ ઉપાડતો હોય છે.  અને આથી જ કવિને પણ આજના માણસ અને ઈશુમાં કંઈ ફર્ક નથી લાગ્યો.

     

     

    .

    ગીત-ગઝલ : જવાહર બક્ષી

    Monday, September 21st, 2009

     

    તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
    આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ. 

    જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
    વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.

    બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
    એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.

    તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
    કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.

    પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
    કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ. 

    - જવાહર બક્ષી

     

    મિત્રો, નવલી નવરાત્રિમાં આજે માણીશું એક ગીત-ગઝલ. જેમાં રદીફ – રે લોલ છે જેથી ગઝલ પણ ગીતની જેમ જ ગૂંજે છે.   કલ્પન પણ કેવાં મજાનાં છે !!  કોઈની યાદ આવતાં આખુંયે આકાશ આંખમાં ટોળે વળે છે તો દીધેલાં કોલ વટવૃક્ષ બની ગયાં …. વિરહકાળ કેટલો લાં …બો ? અને  તેની યાદોની સફરમાં બે-ચાર પગલાં ચાલ્યાં ત્યાં તો એકલતા રસ્તો બની સામે મળે છે. આ ભીનાં ઉજાગરે પણ દિલ તો જાણે અડધો કૂવો….  હજુયે આંસુ કેમેય કરી ખૂટતાં નથી. બસ, યાદોની હૂંફ અને સહારો…  અને તે પણ કાલે તો બરફનો સૂરજ હોય એમ થીજી જશે !!   જોકે, એ કાલ જલ્દી આવતી પણ નથી અને આવે તો ગમે ? આ મીઠો અજંપો પણ વ્હાલો લાગે કારણ યાદ રુપે પણ પ્રિયજન પાસે તો હોય ને  !!

     

     

    .

    પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી

    Thursday, February 19th, 2009

     

    ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
    સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

    આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
    તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

    નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
    પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

    તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
    ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

    એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
    એના વિષે કશુંય કહી બેસતા નહીં.

    - જવાહર બક્ષી

     

    મિત્રો, પ્રણયોત્સવ તો આપણે સૌ ઉજવી રહ્યાં જ છીએ પણ આજે એક નવો રંગ …… લાલ ગુલાબ આપી તો દીધું પણ જો સામેથી રીજેક્ટ થાય તો ?  જવાહર અંકલે કહ્યું એમ, ધાર્યા મુજબનાં સંબંધ ના પણ ઊગે ?!!  આજે તેમનાં જન્મદિને ધાર્યા મુજબનું બધું જ ઈશ્વર તેમને આપે તેવી શુભેચ્છાઓ સાથે …… 

    સંબંધનો સૂરજ, ભીના સ્મરણનાં શુકન કે તસતસતા મૌનને શબ્દો મળે અને જીવનમાં સતત નિષ્ક્રિયતા વચ્ચે પણ બે ઘડીની નિરાંત નહીં ?!! અદ્…ભૂત કલ્પનો સાથે મનભાવન ગઝલ …….!!

     

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME