Archive for the ‘ઝવેરચંદ મેઘાણી’ Category

  • કોઈનો લાડકવાયો : ઝવેરચંદ મેઘાણી
  • ચારણ-કન્યા : ઝવેરચંદ મેઘાણી
  • તમે મારા દેવનાં દીધેલ છો : સંપા-ઝવેરચંદ મેઘાણી
  • તરુણોનું મનોરાજ્ય : ઝવેરચંદ મેઘાણી
  • ફાગણનો ફાગ : ઝવેરચંદ મેઘાણી
  • મેઘાણી : ‘ગની’ દહીંવાલા
  • વર્ષા : ઝવેરચંદ મેઘાણી
  • સ્વતંત્રતાની મીઠાશ : ઝવેરચંદ મેઘાણી


  • વર્ષા : ઝવેરચંદ મેઘાણી

    Monday, July 18th, 2011

    .

    ( ભીડેલા આભને ભેદી … આવ રે આવ અહીં ચાલી )

    .

    ભીડેલા આભને ભેદી કો’ રાજબાળ તાળીઓ પાડતી છૂટી,
    બાપુના લાખ લાખ હેમર હાથીડલા હાંકતી હાંકતી છૂટી.

    ઘાટા અંબોડલાની મેલી લટ મોકળી, રંગભરી રાસડે ઘૂમે,
    લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી, ચાંદા સૂરજને ચૂમે.

    રુંધ્યાં જોબન એના જાગી ઊઠ્યાં રે આજ, કાજળ ઘૂંટે છ (છે) કાઠિયાણી,
    નવરંગી ચૂંદડીના ચીરા ઉરાડતી (ઊડાડતી) કોને ગોતે છ મસ્તાની !

    કોને પાવાને કાજ સંચી રાખેલ હતી આ વડલાની દૂધની કટોરી!
    ચાંદા-સૂરજની ચોકી વચ્ચેય તુંને કોણ ગયું શીખવી ચોરી !

    સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘોડલાની જોડ મેં દીઠી;
    એની બેલાડમ ચડી, ક્યાં ચાલી એકલી, ચોળી તું તેજની પીઠી ?

    નિર્જન ગગનના સીમાડા લોપતી, આવ રે આવ અહીં ચાલી;
    સૂતી વસુંધરાને વીજળ સનકાર કરી, પાતી જા ચેતનાની પ્યાલી.

    - ઝવેરચંદ મેઘાણી

    .

    .

    હે…ઇને બાપુને ચોરે ડાયરો જામિયો હોય …. ને, વરહાદ જો ધાઈડ પાઇડે, ને ત્‍ઇંયે,  જો બાપુ વરહાદનું ગાણું ગાય તો ?  -  હા, આજે ભીંજાઈશું કાઠિયાવાડી વરસાદમાં ઝવેરચંદ મેઘાણીની કલમે.   અંબોડલાની એક જ લટને હજુ તો છૂટી કરી, આંખ્યુંમાં કાજળ આંજી, તેજ ની પીઠી ચોળી,  કોઇ રાજબાળાની જેમ વર્ષા આવી રહી છે અને કવિ તેને આવકારતાં ગાઇ ઊઠે છે, આવ રે આવ અહીં ચાલી,  પાતી જા ચેતનાની પ્યાલી !!

    .

    .

    .

    .

    ચારણ-કન્યા : ઝવેરચંદ મેઘાણી

    Monday, September 20th, 2010

    ,.

    .

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    .

    સાવજ ગરજે !

    વનરાવનનો રાજા ગરજે
    ગીરકાંઠાનો કેસરી ગરજે
    ઐરાવતકુળનો અરિ ગરજે
    કેડ્યપાતળિયો જોદ્ધો ગરજે
    મોં ફાડી માતેલો ગરજે
    જાણે કો’ જોગંદર ગરજે
    નાનો એવો સમદર ગરજે !

    ક્યાં ક્યાં ગરજે ?

    બાવળના જાળામાં ગરજે
    ડુંગરના ગાળામાં ગરજે
    કણબીના ખેતરમાં ગરજે
    ગામ તણા પાદરમાં ગરજે
    નદીઓની ભેખડમાં ગરજે
    ગિરિઓની ગોહરમાં ગરજે
    ઊગમણો, આથમણો ગરજે
    ઓરો ને આઘેરો ગરજે

    થર થર કાંપે !

    વાડામાં વાછડલાં કાંપે
    કૂબામાં બાળકડાં કાંપે
    મધરાતે પંખીડાં કાંપે
    ઝાડ તણાં પાંદડલા કાંપે
    પહાડોના પથ્થર પણ કાંપે
    સરિતાઓના જળ પણ કાંપે
    સૂતાં ને જાગંતાં કાંપે
    જડ ને ચેતન સૌએ કાંપે

    આંખ ઝબૂકે

    કેવી એની આંખ ઝબૂકે
    વાદળમાંથી વીજ ઝબૂકે
    જોટે ઊગી બીજ ઝબૂકે
    જાણે બે અંગાર ઝબૂકે
    હીરાના શણગાર ઝબૂકે
    જોગંદરની ઝાળ ઝબૂકે
    વીર તણી ઝંઝાળ ઝબૂકે
    ટમટમતી બે જ્યોત ઝબૂકે

    જડબાં ફાડે !

    ડુંગર જાણે ડાચાં ફાડે !
    જોગી જાણે ગુફા ઉઘાડે !
    જમરાજાનું દ્વાર ઉઘાડે !
    પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
    બરછી સરખા દાંત બતાવે
    લસ લસ કરતા જીભ ઝુલાવે.

    બ્હાદર ઊઠે !

    બડકંદાર બિરાદર ઊઠે
    ફરસી લેતો ચારણ ઊઠે
    ખડગ ખેંચતો આહીર ઊઠે
    બરછી ભાલે કાઠી ઊઠે
    ઘર ઘરમાંથી માટી ઊઠે
    ગોબો હાથ રબારી ઊઠે
    સોટો લઈ ઘરનારી ઊઠે
    ગાય તણા રખવાળો ઊઠે
    દૂધમલા ગોવાળો ઊઠે
    મૂછે વળ દેનારા ઊઠે
    ખોંખારો ખાનારા ઊઠે
    માનું દૂધ પીનારા ઊઠે !
    જાણે આભ મિનારા ઊઠે !

    ઊભો રે’જે

    ત્રાડ પડી કે ઊભો રે’જે !
    ગીરના કુત્તા ઊભો રે’જે !
    કાયર દુત્તા ઊભો રે’જે !
    પેટભરા ! તું ઊભો રે’જે !
    ભૂખમરા ! તું ઊભો રે’જે !
    ચોર લૂંટારા ઊભો રે’જે !
    ગા-ગોઝારા ઊભો રે’જે !

    ચારણ કન્યા

    ચૌદ વરસની ચારણ કન્યા
    ચૂંદડીયાળી ચારણ કન્યા
    શ્વેતસુંવાળી ચારણ કન્યા
    બાળી ભોળી ચારણ કન્યા
    લાલ હિંગોળી ચારણ કન્યા
    ઝાડ ચડંતી ચારણ કન્યા
    પહાડ ઘૂમંતી ચારણ કન્યા
    જોબનવંતી ચારણ કન્યા
    આગ ઝરંતી ચારણ કન્યા
    નેસ નિવાસી ચારણ કન્યા
    જગદમ્બા શી ચારણ કન્યા
    ડાંગ ઊઠાવે ચારણ કન્યા
    ત્રાડ ગજાવે ચારણ કન્યા
    હાથ હિલોળી ચારણ કન્યા
    પાછળ દોડી ચારણ કન્યા

    ભયથી ભાગ્યો !

    સિંહણ, તારો ભડવીર ભાગ્યો
    રણ મેલીને કાયર ભાગ્યો
    ડુંગરનો રમનારો ભાગ્યો
    હાથીનો હણનારો ભાગ્યો
    જોગીનાથ જટાળો ભાગ્યો
    મોટો વીર મૂછાળો ભાગ્યો
    નર થઈ તું નારીથી ભાગ્યો
    નાનકડી છોડીથી ભાગ્યો !

    - ઝવેરચંદ મેઘાણી

    .

    તુલસીશ્યામ પાસે એક નેસડામાં  રહેતી ચારણ કન્યા હીરબાઇ  પોતાનાં વાછરડાને સિંહનાં સકંજામાંથી બચાવવા પ્રયત્ન કરે છે અને ત્યાં હાજર લોકલાડીલા કવિ ઝવેરચંદ મેઘાણી આ અદ્‌ભૂત રચનાનું  સર્જન કરે છે.  દુલા કાગ પણ આ સમયે ઘટનાસ્થળે હાજર હતાં અને તેઓ તેમના પુસ્તકમાં આ ઘટનાનું સુંદર વર્ણન કર્યું છે.

    “તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”   – દુલા કાગ  ( સાભાર : ગોપાલ કાકા )

    ઝવેરચંદ મેઘાણીનાં પત્ની તેમનાં નાના બાળકોને લઇ દિલ્હી જતાં હતાં અને બાજુમાં બેઠેલ મુસાફર બાળકો સાથે વાતચીતનો દોર ચાલુ કરે છે. વાત-વાતમાં જાણવા મળે છે કે તેઓ તો લોકલાડીલા કવિનાં વારસ છે.  મુસાફર પણ, લોક સાહિત્ય અને નાટકના માણસ.  નોકરી – ધંધો છોડી નાટકની પાછળ લાગેલાં. પછી તો પહોંચ્યા પોતાના માનીતા કવિ પાસે  અને મંચ પર ચારણ ક્ન્યાને જીવતી કરી દીધી.   તે મુસાફર એટલે બાલકૃષ્ણ દવે – એટલે કે, લોકલાડીલા ગાયક પ્રફુલ્લ દવેનાં કાકા.  આજે તેમના જ અવાજમાં માણીશું ચારણ કન્યા…. ! ( સાભાર : પિનાકી મેઘાણી )

    .

    .

    .

    કોઈનો લાડકવાયો : ઝવેરચંદ મેઘાણી

    Saturday, August 28th, 2010

    .

    .

    ઝવેરચંદ મેઘાણી કહે છે, “રાગ-સૂરમાં ગાવા સારુ બનેલાં ગીતોને એના કલ્પાયેલા ઢાળથી જુદી રીતે ગાવાથી જ એનો વધ થાય છે, કેમકે રચનારાના હૃદયમાં એ શબ્દો ગૂંથતી વેળા અમુક રાગનું સતત ગુંજન ચાલેલું હોય છે.  એ રાગ અમુક ભાવનો વાહક બનવા પસંદ થયો હોય છે. આમ કર્તાએ મુકરર કરેલ ઢાળ કાવ્યકૃતિનું અવિચ્છેદ્ય અંગ બની જાય છે.  માટે જ મારા નિર્માણ કરેલ ઢાળોમાં મારા ગીતો નથી ગવાતાં ત્યારે એ ગીતો દુખિત બને છે.  ‘કોઇનો લાડકવાયો’ એ મારું ઘણું જ લાડકવાયું ગીત મારા કંઠનાં મુકરર સૂરોમાંથી જ ઉદ્‌ભવેલું અને એ જ સૂરો વડે સીંચાયેલું.  તેને જ્યારે કલિંગડા કે મરાઠી સાખીનાં બદલે મૂળ ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું ત્યારે મારું પ્રિય સંતાન રીબાતું હોવાની વેદના થાય છે અને મારું પ્રિયમાં પ્રિય બાળક કતલ થયું હોય એવો ખેદ થાય છે.”

    આપણાં સૌના લાડીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં જન્મદિને તેમનાં લાડકવાયા ગીતને તેમનાં પ્રિય રાગ કલિંગડામાં, તેમની સુપુત્રી ઇન્દુબેન શાહનાં સ્વરમાં માણી,  તેમને યાદ કરી,  ફરી આ ગીતને મૂળ અંગ્રેજી કાવ્ય સાથે માણીએ.   ( વિશેષ માહિતી અને ઓડિયો માટે પિનાકીભાઇ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર )

    .

    .

    zaverchand meghani

    ( રક્ત ટપકતી…… ઝવેરચંદ મેઘાણીના હસ્તાક્ષરમાં )
    સાભાર : યશ મેઘાણી

    .

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    ( ઝવેરચંદ મેઘાણીનાં સુપુત્રી ઈન્દુબેન અનિલભાઇ શાહનાં સ્વરમાં )

    રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
    કેસર-વરણી દેશસેવિકા કોમલ  સેજ  બિછાવે
    ઘાયલ મરતાં મરતાં રે
    માતની આઝાદી ગાવે

    કો’ની વનિતા, કો’ની માતા, ભગિની  ટોળે  વળતી
    શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી
    મુખથી ખમ્મા ખમ્મા કરતી
    માથે કર મીઠો  ધરતી

    થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
    શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને
    નિજ   ગૌરવ   કેરે   ગાને
    જખમી જન જાગે અભિમાને

    સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
    છેવાડો  ને  એકલવાયો    અબોલ  એક   સૂતેલો
    અણપૂછયો અણપ્રીછેલો
    કોઇનો અજાણ લાડીલો

    એનું  શિર  ખોળામાં  લેવા  કોઇ જનેતા ના’વી
    એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી
    કોઇના   લાડકવાયાની
    ન કોઇએ ખબર પૂછાવી

    ભાલે એને બચીઓ ભરતી  લટો  સુંવાળી  સૂતી
    સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી
    કોઇના    લાડકવાયાની
    આંખડી અમૃત નીતરતી

    કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
    આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં
    આતમ-દીપક  ઓલાયા
    ઓષ્ટનાં ગુલાબ કરમાયાં

    કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
    હળવે એનાં  હૈયા ઉપર કર-જોડામણ કરજો
    પાસે  ધૂપસળી   ધરજો
    કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો

    વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
    એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે
    સહુ માતા ને ભગિની રે
    ગોદ લેજો  ધીરે  ધીરે

    વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
    એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા
    રે ! તમ ચુંબન ચોડાતાં
    પામશે લાડકડો શાતા

    એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
    એની રક્ષા કાજે અહરનિશ પ્રભુને પાયે પડતી
    ઉરની    એકાંતે    રડતી
    વિજોગણ હશે દિનો ગણતી

    કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં
    એને કંઠ વીંટાયાં હોશે  કર બે કંકણવંતા
    વસમાં વળામણાં  દેતાં
    બાથ ભીડી બે પળ લેતાં

    એની કૂચકદમ જોતી   અભિમાન ભરી મલકાતી
    જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી
    અધબીડ્યાં બારણિયાંમાંથી
    રડી હશે કો આંખ બે રાતી

    એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે
    એકલડો ને  અણબૂઝેલો   અગન-પિછોડી ઓઢે
    કોઇના   લાડકવાયાને
    ચૂમે પાવકજ્વાલા મોઢે

    એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
    એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી
    લખજો: ‘ખાક પડી આંહી
    કોઈના   લાડકવાયાની’

    - ઝવેરચંદ મેઘાણી

    .

    લોકલાડીલા, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મદિને તેમની એક અમર કૃતિ….  તેમનાં જ હસ્તાક્ષરમાં.  Marie La Coste  રચિત Somebody’s Darling કાવ્ય પરથી તેમને આ ગીતની પ્રેરણા મળેલી. તેમનાં જ શબ્દોમાં…..
    ” Somebody’s Darling એ નામનું એક અંગ્રેજી પદ ભાઈ શ્રી દેવીદાસે અબ્બાસ દાદાની વિદાય – રાત્રિએ વાંચી સંભળાવેલું. તે પરથી આ સૂઝ્યું છે. અત્યારનાં આપણા સમયને અનુરુપ ભાવ આપેલો છે. અનુવાદ નથી. “

    પ્રથમ ગુજરાતી બ્લૉગનું સ્થાન અને માન જે ધરાવે છે તે ‘ ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો ‘ પર તેમણે આ મૂળ અંગ્રેજી કાવ્ય પણ મૂકેલ છે. મૂળ અંગ્રેજી કાવ્ય અને civil war વિષે વધુ માહિતી માટે War and American popular culture: a historical encyclopedia By M. Paul Holsinger ( e-book ) અને કાવ્ય પ્રકાશિત થયેલ તેની માહિતી… !!

    .

    somebody's darling

    ( special thanks to http://web2.lib.unc.edu/music/eam/index.html )

    SOMEBODY’S DARLING

    Into the ward of the clean white-washed halls,
    Where the dead slept and the dying lay;
    Wounded by bayonets, sabres and balls,
    Somebody’s darling was borne one day.

    Somebody’s darling so young and so brave,
    Wearing still on his sweet yet pale face
    Soon to be hid in the dust of the grave,
    The lingering light of his boyhood’s grace.

    Somebody’s darling, somebody’s pride,
    Who’ll tell his Mother where her boy died?

    Matted and damp are his tresses of gold,
    Kissing the snow of that fair young brow;
    Pale are the lips of most delicate mould,
    Somebody’s darling is dying now.

    Back from his beautiful purple-veined brow,
    Brush off the wandering waves of gold;
    Cross his white hands on his broad bosom now,
    Somebody’s darling is still and cold.

    Give him a kiss, but for somebody’s sake,
    Murmur a prayer for him, soft and low,
    One little curl from his golden mates take,
    Somebody’s they were once, you know,

    Somebody’s warm hand has oft rested there,
    Was it a Mother’s so soft and white?
    Or have the lips of a sister, so fair,
    Ever been bathed in their waves of light?

    Somebody’s watching and waiting for him,
    Yearning to hold him again to her breast;
    Yet there he lies with his blue eyes so dim,
    And purple, child-like lips half apart.

    Tenderly bury the fair, unknown dead,
    Pausing to drop on this grave a tear;
    Carve on the wooden slab over his head,
    “Somebody’s darling is slumbering here.”

    - Marie Ravenal de la Coste

    .

    ગુજરાતી સાહિત્યનો ” મેઘાણી ” નામનો ઈતિહાસ પ્રત્યક્ષ નિહાળવો હોય તો તેમની વૅબસાઇટ  www.jharverchandmeghani.com ની  મુલાકાત જરુર લેશો.  સંજય ભાવેએ અભિવાચનમાં જણાવેલું કે, જ્યારે તેઓ ૮ વર્ષનાં હતાં ત્યારે ઑક્સફર્ડ યુનિ. ના વિદ્ધાનો તેમનાં નિવાસસ્થાને ઉતરેલાં અને તેમણે ગાયેલું એક લોકગીત, તે સમયનું રેકોર્ડ કરેલ, જે હાલમાં પણ કેલિફોર્નિયા યુનિ.ની લાયબ્રેરીમાં છે. તેમની સાઇટ પર તેમના અવાજમાં રેકોર્ડ કરેલ ગીત સાંભળી પણ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો.  પિનાકીભાઇ મેઘાણીને આટલી સમૃદ્ધ અને ભવ્ય વૅબસાઇટ બનાવવા માટે દિલથી અભિનંદન.  યશ મેઘાણીને પણ તેનાં જન્મદિન માટે આગોતરી શુભેચ્છાઓ….. !!

    .

    .

    ,

    સ્વતંત્રતાની મીઠાશ : ઝવેરચંદ મેઘાણી

    Sunday, August 15th, 2010

    તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી,
    મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી !

    પૂછી જોજો કોઈ ગુલામને -
    ઊઠ્યા કેવા ઓઘ એને મને
    મળી મુક્તિ મંગલ જે દિને
    એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ – શી ઓહો સુખની ઘડી !
    એની આંખ લાલમલાલ છાતીમાં છોળો છલકાઈ પડી !

    એને ભાન મુક્તિ તણું થયું
    એનું દૈન્ય ક્યાં ટપકી ગયું
    એનું દિલગુલાબ ઝૂલી રહ્યું
    એના મસ્તકે નમવાનું ભૂલી આભ-શું માંડી આંખડી
    એની ઊર્મિ રાંક મટી રુડા જગબાગમાં રમવા ચડી !

    પડું કેદખાનાને ઓરડે
    લટકુંયે ફાંસીને દોરડે
    લાખો ગોળી તોપ તણી ગડે
    તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
    તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !

    કાળી રાત ચોગમ ઘૂઘવે
    લાખો શાપ બંધુજનો લવે
    વા’લાં વેરી થૈ રોવે-મૂંઝવે
    છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી
    ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી

    મારા દેશનાં સહુ શોષિતો
    દુનિયાનાં પીડિતો-તાપિતો
    ખૂણે ખૂણે ગાય તારાં ગીતો
    એનાં ભૂખ્યાં પેટ છતાં એને કેવી મોંઘી તું, કેવી મીઠડી
    એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી

    - ઝવેરચંદ મેઘાણી
    ( ૧૯૩૦ )

    સ્વતંત્રતા એટલે કે, મુક્તિનો આનંદ અનેરો જ હોય…. !  બસો વર્ષની ગુલામી પછી, અનેક શહીદોનાં બલિદાન બાદ, મળેલી આ અણમૂલ આઝાદીનાં ૬૪મા વર્ષે,  આપણે તો માત્ર આઝાદીને જાળવવાની છે , મૂલવવાની છે. ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદ મેઘાણી રચિત આ ગીતમાં ‘સ્વતંત્રતા’ કેટલી મોંઘેરી અને મીઠડી હતી  તેનો અંદાજ લગાવી શકાય છે.  સી.એન.વિદ્યાવિહારના પ્રાર્થના મંદિરમાં મોટે અવાજે આ ગીત ગાતાં, ત્યારે તેની મીઠાશ ન’તી સમજાઇ પણ આજે… આઝાદીનાં મોંઘા મૂલ સમજાય છે.  આજનાં આ પવિત્ર દિને  ભારત દેશની સંસ્કૃતિ અને કલાનાં અણમોલ, વૈભવી વારસાને  જાળવીએ અને મૂલવીએ તે જ આપણો નિશ્ચય હોઇ શકે.  દેશનાં પ્રવર્તિત દૂષણો અને સમસ્યાઓનો સૌ સાથે મળીને ઉકેલ લાવીએ જેથી આઝાદીનાં શતાબ્દી પર્વે આવનારી પેઢી આ સમસ્યાનો સામનો કરવો ન પડે.  આપ સૌને સ્વતંત્રતા મુબારક !

    આજે આઝાદીનાં શુભ પર્વની સાથે વૅબમહેફિલનાં આંગણે, તેની દ્વિતીય વર્ષગાંઠનો અણમોલ અવસર પણ છે.  વૅબમહેફિલ પર મૂકેલી વિધ વિધ રચનાઓ માણતાં વાચકો કે ભાવકો પોતાની રચનાઓ ઇ-મૅલમાં મોકલી તેને વૅબમહેફિલ પર મૂકવા ફરમાઇશ કરતાં હતાં. આથી મને વિચાર આવ્યો કે, વાચકોનો પોતાનો એક અલગ વિભાગ રાખીએ તો કેવું ?  નામી અને પ્રતિષ્ઠિત સાહિત્યકારો સાથે,  વિચાર – વિમર્શ બાદ, મારી આગ્રહભરી વિનંતી બાદ અમે નિર્ણય કરી આજથી ‘વાચકોની કલમે’ એક વિભાગ શરુ કર્યો છે.  ગુજરાતની ‘સુવર્ણ જયંતિ’ નિમિત્તે  ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એવું જ કંઇક ‘લખો ગુજરાતી’ !  એટલે કે, આજથી વૅબમહેફિલમાં પણ લોકશાહીનું રાજ…. લોકો દ્વારા, લોકો માટે, લોકોની મહેફિલ :)

    આ વિભાગ શરુ કરવા પાછળ મારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે, આ બહાને, વાચકો ગુજરાતી ભાષા અને સાહિત્યને વધુ વાંચશે અને સમજશે.  વાચકોને નમ્ર વિનંતી કે તેઓએ પહેલાં પણ પોતાની રચના મોકલી હોય તો પણ, ફરીથી પોતાની રચના ગુજરાતીમાં ટાઇપ કરી, મોકલી આપશો.  આપની રચના માટે જે પણ કોઇ પ્રતિભાવ આવે તેને ખેલદિલીપૂર્વક વધાવી, પોતાની ભૂલ સુધારવા પ્રયત્ન કરશો.  અને જો યોગ્ય ગણાશે, તો આવતી કાલે, સાહિત્યકારની ‘category’ માં આપની રચના જરૂરથી મૂકવામાં આવશે જ.

    આપ સૌ વાચકો, સાહિત્યકારો અને મંથન તેમજ નીરજનો ટેકનિકલ સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર.

    તા.ક. વૅબસાઇટમાં જરુરી ફેરફાર કરતાં હોવાથી, હજુ ૨-૩ દિવસ કદાચ આપને મુશ્કેલી પડે તો ક્ષમા કરશો.

    .

    તમે મારા દેવનાં દીધેલ છો : સંપા-ઝવેરચંદ મેઘાણી

    Monday, April 19th, 2010

     

    Dr.Arnold A. Bake (1899-1963)

    ( ડૉ. આર્નોલ્ડ બેક રેકોર્ડીંગ કરતાં …. રાણપુર,જાન્યુઆરી, ૧૯૩૯)

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    “>

    તમે મારા દેવનાં દીધેલ છો,
    તમે મારા માંગીને લીધેલ છો,
    આવ્યાં ત્યારે અમર થઈને રો’.

    મહાદેવ જાઉં ઉતાવળી, ને જઈ ચઢાવું ફૂલ,
    મા’દેવજી (જ્યારે) પ્રસન્ન થયા, ત્યારે આવ્યા (તમે) અણમૂલ;
    તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલવસાણું છો.
    - આવ્યા ત્યારે અમર થઈને રો’, તમે મારા દેવનાં.

    હનુમાન જાઉં ઉતાવળી, ને જઈ ચઢાવું તેલ,
    હનુમાનજી પ્રસન્ન થયા, ત્યારે ઘોડિયા બાંધિયા ઘેર;
    તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલવસાણું છો.
    - આવ્યા ત્યારે અમર થઈને રો’, તમે મારા દેવનાં.

    સંપાદક : ઝવેરચંદ મેઘાણી

     

    સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડનાં ઘરે ઘરે ફરી, આપણાં લોકલાડીલાં કવિ ઝવેરચંદ મેઘાણીએ લોકમુખે ગવાતાં લોકગીતોનો સંગ્રહ કર્યો.   પણ લોક-સાહિત્યનાં આ મૂળ તો જ્યારે તેઓ ૭-૮ વર્ષની ઉંમરનાં હતાં એટલે કે, બાળપણથી જ રોપાયેલાં હતાં.  અમેરિકાથી એક ટીમ લોક સાહિત્ય પર સંશોધન કરવા આવે છે, ત્યારે તેઓ બાળ ઝવેરનો સંપર્ક કરે છે. જે દર્શાવે છે કે, બાળપણથી જ તેઓની રસ, રુચિ કેવી કેળવાયેલી હતી.  વળી, તેમનાં અવાજમાં તે લોક ગીતો રેકોર્ડ પણ કરેલાં છે. 

    આ લોકગીતને આપણે એક હાલરડા તરીકે જાણીએ અને માણીએ છીએ.  પણ, આ ગીતમાં એક કોડભરી કન્યા, મહાદેવને પ્રસન્ન કરી પોતાનાં હૈયાનાં હારને પામે છે તે વાતને પ્રથમ અંતરામાં કહી છે. તો બીજા અંતરામાં હનુમાનજીને પ્રસન્ન કરી, પુત્રવાંછનાને પૂર્ણ કરે છે તેનું વર્ણન કર્યું છે. 

    આજે, ‘ક્યું કિ સાસ ભી કભી બહુ થી’  ટીવી સિરિયલને કારણે, આ લોકગીત લોકમુખે એવું ચઢી ગયું કે ભવિષ્યમાં તે સિરિયલ-સોન્ગ તરીકે જ ઓળખાય તેવી સંભાવના છે.  :)   અને ત્યારે આ ગીત ઝવેરચંદ મેઘાણીનાં જ સ્વરમાં સાંભળવું ગમશે.  આ લોકગીત ફાલ્ગુની શેઠ અને હંસા દવેનાં સ્વરમાં પણ,  જે તે નામ પર ક્લિક કરતાં સાંભળી શકશો.  ( ફોટો અને રેકોર્ડીંગ … સાભાર - પિનાકીભાઈ મેઘાણી )

     

    .

    તરુણોનું મનોરાજ્ય : ઝવેરચંદ મેઘાણી

    Monday, August 31st, 2009

     

    horse

     

    ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;
    અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:

    આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે,
    વિશ્વભરના યુવાનોની આંખો અડે;
    પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
    ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે.

    કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધ ચડે;
    રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે ?

    કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિં !
    યુદ્ધ ચડતાંને અપશુકન ધરશો નહિં !
    કેસરી વીરના કોડ હરશો નહિં !
    મત્ત યૌવન તણી ગોત કરશો નહિં !

    રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુ ને પાય;
    લાતો ખાધી, લથડિયાં-એ દિન ચાલ્યા જાય :

    લાત ખાવા તણા દિન હવે ચાલિયા,
    દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;
    માગવી આજ મેલી અવરની દયા,
    વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

    અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
    સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :

    લોપવી સીમ, અણદીઠને દેખવું,
    તાગવો અતલ દરિયાવ-તળિયે જવું,
    ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું :
    આજ યૌવન ચહે એહ વિધ જીવવું.

    - ઝવેરચંદ મેઘાણી

     

    ઝવેરચંદ મેઘાણીનું એક શૌર્યગીત.  જે સાતમા કે આઠમા ધોરણમાં ભણતાં’તાં ત્યારે કોઈ વાર્તામાં quote કરેલું ( કદાચ પન્નાલાલ પટેલની વાર્તામાં ?)  વાંચેલું.  મમ્મીને પૂછતાં જાણવા મળ્યું કે આ ઝવેરચંદ મેઘાણીનું ગીત છે. બસ, એટલી જ મમત ત્યારે હશે પણ હમણાં બે-ત્રણ મહિના પહેલાં આખું ગીત વાંચ્યું ત્યારે જે આનંદ થયો તે વ્યક્ત કરવો મુશ્કેલ છે અને એટલે જ પ્રવિણભાઈ અને સુનીલભાઈની ફરમાઈશ જલ્દી પૂરી કરવાનો પ્રયત્ન કરું છું.  :)

     

    શબ્દાર્થ :  દર્પભર – અભિમાનપૂર્વક,  અવર – બીજું, અન્ય.

     

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME