Archive for the ‘ડૉ.મહેશ રાવલ’ Category
વરસાદમાં : ડૉ. મહેશ રાવલ
Friday, November 26th, 2010.
કેવું હ્રદય હરખાય છે વરસાદમાં !
નમણાશ બમણી થાય છે વરસાદમાં !
હોઠે ન આવી હોય એ વાતો બધી,
શબ્દો વગર થઈ જાય છે વરસાદમાં !
તન મન દઝાડે જે પવન વૈશાખમાં,
મલ્હાર ગાતો વાય છે વરસાદમાં !
પાલવ ધરાનો કેટલો શોભે હરિત !
સુંદરપણું છલકાય છે વરસાદમાં !
ખળખળ વહે છે સ્વપ્ન,જીવન સીંચતાં,
કાંઠા સજીવન થાય છે વરસાદમાં !
નીકળે ક્વચિત અપવાદ માણસ, આમ તો
પથરા ય પલળી જાય છે વરસાદમાં !
હર બુંદમાં દેખાય છે એની ઝલક,
ઈશ્વર સ્વયં મલકાય છે વરસાદમાં !
- ડૉ. મહેશ રાવલ
.
.
વૈશાખી વાયરાથી દાઝેલાં હોઇએ ત્યારે અષાઢમાં તો વરસાદ વ્હાલો લાગે જ. પરંતુ, કારતકની સૂસવાટા મારતી ઠંડીમાં પણ વરસાદને કોઈ વગોવે તો નહીં જ… કારણ એની હર બુંદમાં જાણે કે ઈશ્વર સ્વયં મલકાય છે.
.
.
.
.
બા-અદબ : ડૉ. મહેશ રાવલ
Saturday, June 19th, 2010
એક ઈચ્છા સળવળે છે, બા-અદબ,
ટેરવે દીવા બળે છે, બા-અદબ.
લોઢ ઊછળે લાગણીનાં ભીતરે,
જેમ દરિયો ખળભળે છે, બા-અદબ.
ભૂખ ઊઘડી સાત ભવની, આ ભવે
મર્મ સઘળાં ઓગળે છે, બા-અદબ.
સ્હેજ પણ અંતર હવે નહીં પાલવે,
સર્વ અંતર પીગળે છે, બા-અદબ.
શક્ય છે ઈતિહાસ આલેખે નવો,
સરફરોશી ઝળહળે છે, બા-અદબ.
થઈ જશે સાતેય કોઠા તરબતર,
જળ, કમળથી નીકળે છે બા-અદબ.
હોય શ્રધ્ધા તો પછી શું જોઇએ ?
એ જ સહુને સાંકળે છે, બા-અદબ.
- ડૉ. મહેશ રાવલ
એક મુશ્કેલ રદીફને પૂર્ણ ન્યાય આપી, બા-અદબ દાદ મેળવી જતી ગઝલ મહેશ અંકલની કલમે. બા-અદબ સળવળતી એક ઈચ્છાને (કલમને) , ટેરવે દીવા પ્રગટાવીને, પ્રજ્વલિત કરવામાં આવી છે. અને ત્યારે, લાગણીનો ખળભળતો દરિયો સાત ભવનાં અંતર કેમ ના ઓગાળે ? બસ જો, હોય શ્રદ્ધા તો પછી શું જોઇએ ? એ જ સહુને સાંકળે છે, બા-અદબ…. !!
.
અભાગી રહ્યું છે : ડૉ. મહેશ રાવલ
Monday, March 15th, 2010
હજુ પણ સતત એમ લાગી રહ્યું છે,
મને કોઇ આજે ય તાગી રહ્યું છે !
ગયું પણ નથી, કોઇ આવ્યું નથી અહીં,
છતાં આંગણું કેમ જાગી રહ્યું છે ?
હતું એ તો હું ક્યારનો ખોઇ બેઠો,
મને કોણ મારાથી માગી રહ્યું છે !
જુદી છે હકીકત હવે સાવ તો પણ,
કશુંક શૂળની જેમ, વાગી રહ્યું છે !
ન રાખી શકાયું કશું હાથવેંતે,
અને હસ્તગત પણ અભાગી રહ્યું છે !
- ડૉ. મહેશ રાવલ
જિંદગીમાં ક્યારેય કશું હાથવગું તો હોતું જ નથી… અને હાથવેંતમાં હોય ત્યારે હથેળીમાં કશુંક ખૂટી જાય, એમ પણ બને. સતત શૂળની જેમ ભોંકાતી જિંદગીની ન ભૂલાતી ક્ષણો ક્યારેય આપણો પીછો છોડતી હોતી નથી. માણસ અને જિંદગીની નાડ પારખવામાં પણ પાવરધા એવાં ડૉકટર – મહેશઅંકલની કલમે ખરેખર તેવી ક્ષણો હૂબહૂ ઉજાગર થઈ છે.
.
મુબારક : ડૉ. મહેશ રાવલ
Tuesday, October 20th, 2009

( નવલા વર્ષનું નવલું પ્રભાત )
સહુને સહુના ઘર મુબારક !
ઉપરછલ્લા થર મુબારક !
ભીનાં-કોરા સગપણ વચ્ચે
સંબંધો દુષ્કર મુબારક !
છુટ્ટા, ભેળાં, કે સહિયારા
સપનાંઓ સધ્ધર મુબારક !
લૂણો ખાતી ભીંતો ઓથે
ઉજવાતા અવસર મુબારક !
મૂંગી તસ્વીરોની નીચે
બોલકણાં અક્ષર મુબારક !
બે-કાંઠે ધસમસ પ્રશ્નોનાં
કાંઠાળા ઉત્તર મુબારક !
વત્તા, ઓછા, ગુણ્યા, ભાગ્યા
સરવાળે સરભર મુબારક !
- ડૉ. મહેશ રાવલ
નવલા વર્ષનું નવલું પ્રભાત મુબારક… !! નૂતન વર્ષે છુટ્ટા, ભેળાં, કે સહિયારા…. સપનાં સૌ સધ્ધર મુબારક… !! અને હા, દિવાળી નિમિત્તે કોઈ ઘરે ના આવી શકે તો સહુને સહુના ઘર મુબારક.
એટલે કે, ભીનાં-કોરા સગપણનાં આ દુષ્કર સંબંધો પણ મુબારક નીવડે. ટૂંકમાં, જિંદગીનું ગણિત એવું માંડવું …વત્તા, ઓછા, ગુણ્યા કે ભાગ્યા કંઈ પણ કરીને… સરવાળે સરભર મુબારક !!
.
માણસ જેવો માણસ મળશે : ડૉ. મહેશ રાવલ
Friday, September 4th, 2009
જ્યાં જોશો ત્યાં આગળ-પાછળ, માણસ જેવો માણસ મળશે.
સપનાં વેચી રળતો અટકળ, માણસ જેવો માણસ મળશે.
હોવાની મબલખ પીડા લઇ, નીકળે ઘરથી ઘરને ખાતર,
મુઠ્ઠીમાં લઇ ચપટી અંજળ, માણસ જેવો માણસ મળશે.
રસ્તો વત્તા પગલાં વત્તા અણધાર્યા જોખમનો ફડકો,
ઉભડક શ્વાસે ઉભડક હરપળ, માણસ જેવો માણસ મળશે.
માનવતા નેવે મૂકીને, રમખાણોમાં ઉઘડે આખો,
ટાણે સાબિત થાતો વ્યંઢળ, માણસ જેવો માણસ મળશે.
ધક્કા દેતો, ધક્કે ચડતો, ધક્કા જેવું હરતો – ફરતો,
ધક્કે ધક્કે વધતો આગળ, માણસ જેવો માણસ મળશે.
લીલ પીળી કળતર વચ્ચે, પરસેવે નીતરતો લથબથ,
મરતાં મરતાં જીવતો કેવળ, માણસ જેવો માણસ મળશે.
માથે ભમતો માણસનો ભય, આંખોમાં તરવરતો કાયમ,
જાસાચિઠ્ઠીનો થઈ કાગળ, માણસ જેવો માણસ મળશે.
- ડૉ. મહેશ રાવલ
મહેશઅંકલનો પણ આજે જન્મદિન…. બસ ‘માણસ’ જેવો જ માણસ સૌ કોઈને અને તેમને પણ મળે …. આપણા સૌ વતી જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. !!
.
તોય હું તો મૌન છું : ડૉ. મહેશ રાવલ
Thursday, June 4th, 2009
ડૉ. મહેશ રાવલની ઓડીયો સીડી -શબ્દસ્વર- નું લોકાર્પણ કવિ શ્રી સંજૂ વાળાના હસ્તે રવિવાર તા.૨૪.૫.૨૦૦૯ ના રોજ રાજકોટ ખાતે શહેરના નામાંકિત કવિઓ, ભાવકો અને આકાશવાણી, દૂરદર્શન અને હેલો સૌરાષ્ટ્ર (લોકલ ન્યુઝ ચેનલ) ના આમંત્રિત સ્નેહીજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ. અતિથી વિશેષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને કલારસિક, ભાવક શ્રી અનિલભાઈ ખંભાયતાને આમંત્રિત કરેલાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.શૈલેષ ટેવાણીએ (દૂરદર્શન-રાજકોટ) કર્યું. તેમનો ગઝલ સંગ્રહ નવેસર પણ ૨૪.૫.૦૬ ના રોજ પ્રકાશિત થયેલો, અને શબ્દસ્વર ઓડીયો સીડી પણ એ જ તારીખે લોકાર્પિત થઈ. તો તેમની ૨૮મી લગ્નગાંઠ પણ ઉજવાઈ.
મહેશઅંકલનાં જ સ્વરમાં એક તરન્નુમ ……. બીજા નવા વોલ્યુમની શુભેચ્છાઓ સહ ….
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પાંપણે ઘેરાય શ્રાવણ, તોય હું તો મૌન છું,
બોલકું એકાંત છે પણ, તોય હું તો મૌન છું.
એક પળ એવી નથી વીતી હજુ એકેય ક્ષણ,
જે ક્ષણે ના હોય ભારણ, તોય હું તો મૌન છું.
રોજની ઘટના બની ગઈ છે હવે તો આંસુઓ,
કંઈ નથી એનું નિવારણ, તોય હું તો મૌન છું.
લાગણીનો અર્થ સીધો મેં કર્યો’તો લાગણી,
એમણે બીજો કર્યો પણ, તોય હું તો મૌન છું.
નામ પણ શું આપવું આ તૂટતા સંબંધને,
આમ દરિયો આમ છે રણ, તોય હું તો મૌન છું.
- ડૉ. મહેશ રાવલ
.
