Archive for the ‘ડૉ.મહેશ રાવલ’ Category

  • બા-અદબ : ડૉ. મહેશ રાવલ
  • અભાગી રહ્યું છે : ડૉ. મહેશ રાવલ
  • આપણી વાત : ડૉ. મહેશ રાવલ
  • તોય હું તો મૌન છું : ડૉ. મહેશ રાવલ
  • માણસ જેવો માણસ મળશે : ડૉ. મહેશ રાવલ
  • મુબારક : ડૉ. મહેશ રાવલ
  • લખાયો છે : ડૉ. મહેશ રાવલ
  • વચ્ચે : ડૉ.મહેશ રાવલ
  • વરસાદમાં : ડૉ. મહેશ રાવલ


  • લખાયો છે : ડૉ. મહેશ રાવલ

    Monday, April 20th, 2009

     

    લખી છે ઓટ-ભરતી, તો કિનારો પણ લખાયો છે
    પ્રવાહો પર સમંદરનો ઈજારો પણ લખાયો છે !

    ક્ષણોની ભીંતથી જે કંઈ ખર્યું, સઘળું સમેટીને
    સમય સારો લખાયો, તો નઠારો પણ લખાયો છે !

    નવેસરથી લખાણી જિંદગીનીં વાસ્તવિક્તાઓ
    જવાબો અન્યના, તો પ્રશ્ન મારો પણ લખાયો છે !

    વધાવ્યાં છે અમે કાયમ, સમયનાં હર તબક્કાને
    લખાયો સૂર્ય, તો ખરતો સિતારો પણ લખાયો છે !

    કદી ખટરાગ આપસનો, કદી અંગત ખુલાસાઓ
    અમારી લાગણી, તો શક તમારો પણ લખાયો છે !

    અલગ છે કે નથી બાકી હવે, સંબંધ ખાતે કંઈ
    અભાવો પણ લખાયા, તો વધારો પણ લખાયો છે !

    કલમની ધાર, સહુને એકસરખી રીતથી સ્પર્શે
    લખાયા છે તવંગર, તો બિચારો પણ લખાયો છે !

    - ડૉ. મહેશ રાવલ

     

    ” ઉઘડતા અર્થનો વિસ્તાર, નોખો નીકળ્યો છેલ્લે ” -  પોતાની જ આ પંક્તિને સાર્થક કરનાર બળૂકી કલમનાં શાયર ‘નવેસર’ થી જિંદગીની વાસ્તવિકતાઓને વ્યંજનાત્મક, સરળ ભાષામાં પોતાની કૃતિઓમાં ચીતરે છે.  તેમની કલમની ધાર મારી કે તમારી વાતને નહિં ‘આપણી’ વાતને સ્પર્શતી અનુભવી શકાય છે.  ‘ બિચારી’ જિંદગીને શબ્દોમાં મૂકી છે તો સાથે સાથે તેને સમયનાં હર તબક્કામાં ખુમારીપૂર્વક વધાવવાનું પણ આપણને શીખવી જાય છે . 

     

     

    .

    વચ્ચે : ડૉ.મહેશ રાવલ

    Saturday, October 18th, 2008

     

    પગલાં,પગરવ,અટકળ વચ્ચે
    રસ્તો જીવે, બે સ્થળ વચ્ચે

    ઊગીને આથમતા સપનાં
    કોરા ભીના વાદળ વચ્ચે.

    દરિયા જેવો દરિયો નભતો
    ઝરણાંઓની ખળખળ વચ્ચે.

    ખાલી-ભરચક, ભરચક-ખાલી,
    જોયું-જાણ્યું અંજળ વચ્ચે.

    શું અજવાળું, શું અંધારું
    ખુલ્લંખુલ્લી બે પળ વચ્ચે.

    પંખી, માળો, કલરવ ઉછરે,
    અસ્તોદયની સાંકળ વચ્ચે.

    લીલું-સૂકું હોવું, થાવું
    સૂરજ શાખે, ઝાકળ વચ્ચે.

    - ડૉ.મહેશ રાવલ

     

    અસ્તોદયની રોજની ઘટમાળમાં ઘટતી હોય છે જીંદગી નામની ઘટના. લીલું-સૂકું, ખાલી-ભરચક, અજવાળું-અંધારું, એ તો બસ ‘ખુલ્લંખુલ્લી બે પળ’નો ખેલ !! બાકી આપણે તો ‘આંખ ખૂલવી’ અને ‘આંખ બંધ થવી’ની વચ્ચે એક પલકારામાં જ જીવવાનું છે-
    પંખીની જેમ ટહુકીને, પાનખરમાં પણ ડાળીની જેમ લીલપ જાળવીને. કારણ સપનાં તો ઊગીને આથમી જશે સૂર્યની જેમ કોઈ વાદળનાં ‘ભીનાં’ મૌનમાં, પણ વરસેલું વાદળ કોઈને તો ભીંજવી જ જશેને કે પછી ઝરણું બની ખળખળ વહેશે રણને દરિયો બનાવવા !!

     

     

    આપણી વાત : ડૉ. મહેશ રાવલ

    Thursday, September 4th, 2008

     

    રેતી, દરિયો, પથ્થર માણસ
    તડકો, છાંયો, ઝરમર માણસ

    રસ્તો, કેડી, ભેખડ, કોતર
    માટી, સંગેમરમર માણસ

    પર્ણો, ડાળી, કૂંપળ, કાંટા
    લીલી-પીળી કળતર માણસ

    પંખી, માળો, પીંછા, ટહુકો
    ફડકો, ડૂમો, થરથર માણસ

    શબ્દો, વાણી, ટીકા-ટિપ્પણ
    બરછટ, લીસ્સો, અક્ષર માણસ

    જીવન, સપનાં, ઈચ્છા, વળગણ
    ધીમું ધીમું ગળતર માણસ

    અફવા, કિસ્સો, ચર્ચા, ચણભણ
    અડધો, આખો, ઉત્તર માણસ

    ઢીલો, પોચો, અથરો, ધીરો
    નફ્ફટ, નકટો, નક્કર માણસ

    આઘો, ઓરો, ભીતર-બહારે
    ઝાંખો, પાંખો, ઈશ્વર માણસ !

    - ડૉ. મહેશ રાવલ

     

    માણસને સમજવો કે માત્ર જાણવો તે પણ બ્રહ્મજ્ઞાન મેળવવા જેવું જ કપરું છે. પ્રકૃતિના સાંનિધ્યમાં પણ માણસગીરીમાં કોઈ ફર્ક નથી પડતો ને તેની સાથે જ અંતે ‘ઝાંખો, પાંખો, ઈશ્વર માણસ !’ કહીને સુપેરે તેની માણસાઈને પણ બિરદાવે છે અને .’આપણી વાત’ શીર્ષક યથાર્થ સાર્થક થાય છે.
    દરેક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ રહેલો છે. પણ મહેશ અંકલ માટે હું કહીશ કે, સ્ત્રીનો હાથ નહીં પણ સ્ત્રીનો ‘કાન’ રહેલો છે. અંકલની ગઝલના પ્રથમ શ્રોતા હોય છે હર્ષાઆંટી તમે સમજી જ ગયા હશો હવે એમની ગઝલનો રાઝ ……? આજે મહેશઅંકલના જન્મદિને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ….

     

     

    .

    • Page 2 of 2
    • <
    • 1
    • 2
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME