Archive for the ‘ડૉ. દિલીપ મોદી’ Category

  • ફૂલ અંતે એક કરમાતું રહ્યું : ડૉ. દિલીપ મોદી
  • રિક્ત ઘરમાં ચંદ્ર આવે : ડૉ. દિલીપ મોદી
  • વરસાદમાં : ડૉ. દિલીપ મોદી
  • વૃક્ષનું ડાઇંગ ડેકલેરેશન : દિલીપ મોદી


  • ફૂલ અંતે એક કરમાતું રહ્યું : ડૉ. દિલીપ મોદી

    Thursday, December 2nd, 2010

    .

    સંભવે છે પણ વિલંબાતું રહ્યું,
    ફૂલ અંતે એક કરમાતું રહ્યું.

    કાગળો પર મૌન ચર્ચાતું રહ્યું,
    કોણ દર્દીલી ગઝલ ગાતું રહ્યું ?

    આંખ મેં મીંચી દીધી ને તે પછી,
    ક્યાં સુધી એ દૃશ્ય દેખાતું રહ્યું !

    રાતભર ઊગી ગયાં કૈં દર્પણો,
    ને યુગોનું સ્વપ્ન ચ્હેરાતું રહ્યું.

    પંખી ટહુકો લઈ જુઓ ઊડી ગયું,
    પિંજરાનું રૂપ બદલાતું રહ્યું.

    આખરે મેં સત્ય સ્વીકારી લીધું,
    ટોળું શ્રદ્ધાનું વિખેરાતું રહ્યું.

    પ્રેમના ચકડોળમાં બેઠો ‘દિલીપ’,
    ઊમ્રભર અસ્તિત્ત્વ ચકરાતું રહ્યું.

    - ડૉ. દિલીપ મોદી

    .

    સત્યને સ્વીકારવું કડવું હોય છે.  પણ, વિલંબાતી સંભાવનાઓમાં અસ્તિત્ત્વ પણ ચકરાતું જાય છે. અને અંતે ઉદ્‍ભવે છે એક દર્દીલી ગઝલ !

    .

    .

    .

    .

    વૃક્ષનું ડાઇંગ ડેકલેરેશન : દિલીપ મોદી

    Saturday, June 5th, 2010

     

    parna marmar

     ( પર્ણમર્મર – પવનની સંગ રચેલું વૃક્ષનું અધૂરું ગીત  )

     

    અટ્ટહાસ્ય કરતો

    કુહાડીનો ઘા

    પૂછે છે વૃક્ષને

    ‘ તારી અંતિમ ઇચ્છા શું છે ?’

    કઠિયારો વૃક્ષને કહે :

    ‘ મારે તારું ડાઇંગ ડેકલેરેશન લેવું છે.’

    વૃક્ષે જવાબ આપ્યો :

    હું નહિ હોઉં ત્યારે

    પવનના કાનમાં ધીમેથી

    સંદેશ પહોંચાડજો કે

    તારી સંગ મસ્તી ભર્યાં

    મર્મર ધ્વનિ વડે

    રચેલું ગીત

    હજી અધૂરું છે….

    - દિલીપ મોદી

     

    વિશ્વ પર્યાવરણ દિને,  વૃક્ષનાં આ અધૂરા ગીતને પૂરું કરવા એક છોડ રોપી, તેની સંભાળ લઇશું ?!! 

     

    .

    વરસાદમાં : ડૉ. દિલીપ મોદી

    Sunday, July 19th, 2009

     

    આંખ શાને દડદડે વરસાદમાં ?
    યાદનાં ફોરાં પડે વરસાદમાં.

    રોમરોમે હું શ્વસું માદક ક્ષણો,
    ભીતરે મસ્તી ચડે વરસાદમાં.

    ઓઢીને છત્રી નીકળતો હોઉં ને,
    આ પવન કાયમ લડે વરસાદમાં.

    રાતભર પડખાં હું ફેરવતો રહ્યો,
    જાગવાનું આવડે વરસાદમાં.

    માની લે, નહિ માનવા જેવી કથા,
    ટેરવાં સૂકાં અડે વરસાદમાં.

    જિંદગી- ક્યાં જિંદગી છે જિંદગી ?
    ‘ હોવું ‘ મારું ખુદ રડે વરસાદમાં.

    હરપળે શોધ્યા કરું છું હું ‘ દિલીપ ‘
    વહાલનો ચહેરો જડે વરસાદમાં.
                          

     – ડૉ. દિલીપ મોદી

     

    “I always like to walk in the rain as no one can see me crying.” : Charlie Chaplin  વરસાદ જેમ વરસેને એમ તરસ કેમ વધતી જાય ?  અંતરની કોરપ વરસાદે કેમેય ના ભીંજાય ? વહાલનો ચહેરો મળે ત્યારે જ ભીંજાય ? અને એટલે જ યાદનાં ફોરાં સમેત આંખ દડદડે વરસાદમાં… !!

     

     

    રિક્ત ઘરમાં ચંદ્ર આવે : ડૉ. દિલીપ મોદી

    Tuesday, June 16th, 2009

     

    ના બનેલી એક ઘટનાનો અચાનક અંત આવે,
    સૂર્ય ડૂબ્યો, કોઈ પડછાયાની તો યે ગંધ આવે.

    માર્ગ લંબાતો ગયો ને જાય વધતી આ તરસ પણ,
    આ સફરમાં માત્ર રણ આવે ને રણમાં ઊંટ આવે.

    દોરડે બંધાય મુશ્કેટાટ સઘળી ભીની ઇચ્છા,
    દોડવા માટે ચરણને ક્યાં દિશા કે પંથ આવે ?

    રાતભર કાતિલ પ્રતીક્ષા બાદ ખોલું દ્વાર ત્યારે,
    આભમાંથી તૂટી જઈને રિક્ત ઘરમાં ચંદ્ર આવે.

    આટલામાં ક્યાંક ખોવાઈ ગયું હોવાપણું લ્યો,
    શોધવા એને નયન આવે પરંતુ અંધ આવે.

    હાથમાં તલવાર ખુલ્લી રાખીને તાક્યા કરે કૈં,
    કાળી રાતો લઈ અજંપો શ્વેત – ઢગલેબંધ આવે.

    જિંદગી ખુદ સાવ કોરો એક કાગળ હોય જાણે,
    એની પર બે અક્ષરોનો કોણ લઈ આનંદ આવે ?

    - ડૉ. દિલીપ મોદી

     

    ” ના બનેલી ઘટના ” નો અચાનક અંત અને તેના પડછાયાની તો યે ગંધ … ?!!   સઘળી ‘ભીની’ ઇચ્છાની તરસ જેમ વધે તેમ તેનો મારગ લંબાતો જ જતો હોય છે.  અને જિંદગીની સફરમાં હોવાપણું પણ ખોવાઈ જતું હોય છે.  નિરાશાત્મક ગઝલ – કોરા કાગળ જેવી જિંદગી પર બે અક્ષરોની ઘટનાનો અનેરો આનંદ લઈને આવે છે, અને ત્યારે રિક્ત ઘરમાં ચંદ્ર આવે તેવી જ સુંદર અનુભૂતિ થાય છે.

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME