Archive for the ‘ધૂની માંડલિયા’ Category
ગુજરાતમાં : ધૂની માંડલિયા
Wednesday, May 5th, 2010
વર્ષો પછી નકશો નવો દોરાય છે ગુજરાતમાં,
વર્ષો પછી તાજી હવા ફોરાય છે ગુજરાતમાં.
ગંગા તને તો આશરો કેવળ હતો એક શિવનો,
પણ નર્મદા તો, સર્વથી પોંખાય છે ગુજરાતમાં.
જ્યારે સમયને થાય કે અવતારવો છે યુગપુરુષ,
ત્યારે બધું છોડી, સમય, રોકાય છે ગુજરાતમાં.
મારગ હશે નક્કી અને લક્ષ્યાંક ચોખ્ખાં હોય તો,
મંઝિલ સુધી આરામથી પહોંચાય છે ગુજરાતમાં.
પીઠે છરીનો ઘા એ ઓળખ નથી ગુજરાતની,
મર્દાનગી તો પાળિયે કોળાય છે ગુજરાતમાં,
આવીશ શ્રદ્ધા સાથ તો ખોબો નહીં ખાલી રહે,
ધનધાન છલકાયાં પછી ઢોળાય છે ગુજરાતમાં.
- ધૂની માંડલિયા
ગુજરાતનો પ્રાચીન ઐતિહાસિક વારસો જ તેની ઓળખ માત્ર નથી. પચાસ વર્ષોમાં ગુજરાતે ઘણી સિદ્ધિઓ પણ હાંસલ કરી અને નવો નકશો દોર્યો છે. સમય ને બદલી નાંખનારા બે મોહન કૃષ્ણ અને ગાંધીનું ગુજરાત … જ્યાં વાત નર્મદાને પોંખવાની હોય કે નેનોને.. જો મારગ નક્કી હોય તો મંઝિલ સુધી આરામથી પહોંચાય છે ગુજરાતમાં. ગુજરાતનાં પ્રાચીન વારસાની સાથે તેનું ગ્લોબલાઇઝેશન પણ જાણવું અને માણવું જ રહ્યું. મદનકુમાર અંજારિયાનાં નયા ગુજરાતની કલ્પના ધૂની માંડલિયાની આ ગઝલમાં પૂરી થતી જોવા મળે છે.
.
શબ્દ : ધૂની માંડલિયા
Tuesday, September 22nd, 2009
શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.
આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ;
આમ રાતે બોજ બમણો થાય છે.
આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.
આ સવારો, સાંજ, પછી રાત પણ,
તું ય કાં સૂરજ, બટકણો થાય છે ?
રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ નમણો થાય છે.
- ધૂની માંડલિયા
નમણું રુપ, નજાકત અને તેવી જ નાજુક ગઝલ…. !! શબ્દ સમજણો બને તો અર્થને કંકુવર્ણો થતાં કેટલી વાર ?!! જો શબ્દને વ્યાપક સ્વરુપે સ્વીકારીએ તો પણ અને ગઝલના સંદર્ભમાં પણ…!
.
