Archive for the ‘નિર્મિશ ઠાકર’ Category

  • ક્રિકેટરનું ભજન : નિર્મિશ ઠાકર
  • ગઝલ : નિર્મિશ ઠાકર
  • ઘર અશ્રુનું : નિર્મિશ ઠાકર
  • ફ્લેટને ત્રીજે માળેથી
  • બે ટ્રાયોલૅટ : નિર્મિશ ઠાકર
  • શે’ર પે સવાશે’ર : નિર્મિશ ઠાકર
  • સોરાબજીના સોજ્જા સત્તા ! : નિર્મિશ ઠાકર
  • સોરાબજીના સોજ્જા સત્તા : નિર્મિશ ઠાકર


  • ક્રિકેટરનું ભજન : નિર્મિશ ઠાકર

    Wednesday, March 30th, 2011

    .

    .

    યારી આપે એ પીચ સારી,
    સંસાર મહીં યારી આપે એ પીચ સારી !

    મર્યાદિત ઓવરની મેચ સમું આયખું
    તું વીંઝ ભલે આમતેમ બેટ
    ઉપરનો અમ્પાયર ઊંચકી દે આંગળી
    જ્યાં જમડા પૂછે કે હાઉ’ઝ ધેટ ?
    સાવ સસ્તામાં મેચ જશો હારી !
    સંસાર મહીં યારી આપે એ પીચ સારી !

    ડેડ પીચ ઉપર પણ અણધાર્યા ટર્ન મળે
    અનહદના થાય જો ઇશારા
    ખેલો ડિફેન્સ તોયે સર્જાતા સ્ટ્રોક
    ખેલ ગેબી ને ફિલ્ડર બિચારા !
    ભયી કરમનકી ગતિ ન્યારી !
    સંસાર મહીં યારી આપે એ પીચ સારી !

    સંસારી હૂક જાય ખાલી, નો ગેરન્ટી !
    સંતોની સ્ક્વેર કટ સારી
    કાહે કોચિંગ નાહી લેવત હૈ સંતનકા
    લમ્બી જો ખેલની હો પારી !
    સંસાર મહીં યારી આપે એ પીચ સારી !

    - નિર્મિશ ઠાકર

    .

    .

    આજે તો, બસ ક્રિકેટની જ વાત ….  World-Cup તો જાણે જીતી પણ જવાય.  પણ સંસારરુપી ખેલમાં  પણ, જો પીચ સારી મળે તો જ જીતવાની આશા.  અને એટલે જ, સંતો જે સ્કવેર કટ શીખવાડે તે શીખી લેવામાં જ શાણપણ.   મેચ જીતીએ કે હારીએ, રમત કેવી રમીએ છીએ એ જ મહત્વનું છે, ખરું ને ?

    .

    .

    .

    .

    સોરાબજીના સોજ્જા સત્તા : નિર્મિશ ઠાકર

    Tuesday, June 15th, 2010

     

    બરછત અંગ ( ગુરુ અંગ )

    ગુરુ થિઓંચ પન લાગેંચ ગધેરો
    પૈસાની પાછલ તું થિઓંચ અધીરો
    ત્યુસનમાં બી તું માંગેચ એડવાન્સ
    દોલતની પાછલ સું કરેંચ ડાન્સ ?
    જ્ઞાન ભૂંકેચ તે બી જાસે ખાલી
    દોલત બી આવસે ને જાસે ચાલી !
    આતલું તું રાખસે કે ભેજામાં ઘાલી ?

    * * * * * * *

    સ્તુદન્તની સામ્મે તું ચાવેંચ પાન
    પ્રશ્ન પૂછેંચ સાથે ખોતરેંય કાન
    ખોખરુંય ગલું ને પારેંચ હાકોટા
    વેતરેંચ વાંકું ને વાલેંચ ગોટા
    ઉછીનું ગોખેંચ ને ભાસન ઠોકેંચ
    સાંભરશે કોન, આંય બધ્ધાં ઊંઘેચ !
    ડોલા ફારેંચ ? તું તો ઉલ્લું લાગેંચ !

    * * * * * * *

    વેકેસન લામ્બા ને લામ્બા માગેંચ
    પગાર તો એથી બી લામ્બા માગેંચ
    પોકારે નારા ને પારેંચ હરતાલ
    ભનતરનો જરા બી રાખેંચ ખિઆલ ?
    ભનતરની ઉપ્પર તું ફેરવેંચ પાની
    ગુરુ થિઓંચ ને કરેંચ મનમાની ?
    ઉપ્પરવાલો બી તારી જાનેંચ કહાની !

    * * * * * * *

    ક્લાસમાં તો કોર્સની બ્‍હારનું બોલેંચ
    ‘જ્ઞાન’ કેવચ ને ગપ્પા ઠોકેંચ
    એક્ઝામની પેલ્લાં તો ફોડેંચ પેપર
    સપ્લીમેન્તરીના પછી માગેંચ નંબર
    ‘જ્ઞાન’ વેચવાની તેં ખોલીંચ દુકાન ?
    સિક્સનમાં સું ખાવા કરેંચ રમખાન ?
    હું સું કેવચ, પરેંચ કૈં ભાન ?

    * * * * * * *

    કૂવામાં હોસે તે હવારામાં જાસે
    બચ્ચાં બી ફ્યુચરમાં મવાલી થાસે
    આજ વાવિઉં તે જ ઊગસેને કાલ ?
    તિચર થિયોંચ જરા સમજીને ચાલ
    સોરાબે સિક્સનમાં ખાધાચ ખત્તા
    સોધે બમ્બઈ ને પછી પહોંચે કલકત્તા !
    સત્તા લખેંચ એ બી ઊન્ધા ને ચત્તા !

    - નિર્મિશ ઠાકર

     

    ગઇકાલે, નિર્મિશ નજરે આજકાલનાં શિષ્યો વિશે જાણ્યું.  જોકે, કૂવામાં હશે તો હવાડામાં આવશે એટલે સઘળો દોષનો ટોપલો ગુરુ કે શિક્ષણ વ્યવસ્થાને માથે જ પડવાનો છે.   તો માણીએ,  નિર્મિશ નજરે આજનાં ગુરુજીઓ…. ! 

     

    .

    સોરાબજીના સોજ્જા સત્તા ! : નિર્મિશ ઠાકર

    Monday, June 14th, 2010

     

    બગરેલું અંગ    ( શિષ્ય અંગ )

    ‘ભનુંચ’ કેવચને ચાલેંચ અધ્ધર
    ક્લાસમાં બેસેંચ ને મારેંચ મચ્છર
    માસ્તર સામ્ભે આંખ તીખી કરેંચ
    અક્કડ રેવચ ને ચાલેંચ ત્રાંસું
    ભેજામાં તારા સું ભરીઉંચ ભૂંસું ?
    ફ્યુચરમાં કોન જાને ઉકાલસે સું સું ?

    * * * * * * *

    ‘ભનતર’ કેવચને ભમતો ફરેંચ
    ભેજાગેપ ભમ્મરડો તું તો લાગેંચ
    જાલ જ્ઞાનની તને અરસે જરી
    ઝતપત વાંકી તું કરસે ધરી
    ચક્કર ખાસે ને તું જાસે પરી
    ઊછલીને થોરું તું જાસે થરી !
    ભનસે સું ઉપ્પરવાલો હરિ ?

    * * * * * * *

    ગમ્મતમાં બી લામ્બી બોલેંચ ગાળ
    છોકરી દેખેંચ તો પારેંચ લાળ
    ફાંફાં મારેંચ ને સોધેંચ મેતર
    લખેંચ ઊન્ધા ને સીધ્ધા લવલેતર
    બતરીસ લક્સન તારાં હું તો દેખુંચ
    ભનતરમાં ગનતરની પારેંચ ગૂંચ !
    આંય હસેંચ સું, હું ઘાસ કાપુંચ ?

    * * * * * * *

    ચક્કરબત્તી જેવો થૈ ગ્યોંચ બાઘો
    પાછો આવેંચ ને જાયેંચ આઘો
    લખેંચ એન્ની બી પેલ્લાં ભૂસેંચ
    ભનેંચ એન્ની બી પેલ્લાં ભૂલેંચ
    એક્ઝામમાં મારેંચ તું ગોલ ગોલ ગપ્પાં
    મેથ્સમાં બી ઠોકે તું અખાના છપ્પા !
    ઠેકાને લાવસે તને સોરાબના સત્તા !

    - નિર્મિશ ઠાકર

     

    લામ્બાઆ…. વેકેશન પછી શાળા, કોલેજો લગભગ ચાલુ થઇ ગઇ છે ત્યારે નિર્મિશ નજરે આજકાલનાં શિષ્યો !  ક્રિકેટની સિક્સરો વિશે જાણી અખાએ છપ્પા એટલે કે,  છ પંક્તિઓમાં સમાજને ચાબખા માર્યાં હશે,  તો નિર્મિશભાઇ પણ સોરાબજીની બાનીમાં સોજ્જા ( સરસ ) સત્તા એટલે કે સાત પંક્તિઓમાં ચાબખા મારે છે. ટૂંકમાં, નિર્મિશભાઇ છગ્ગો નહીં સત્તો મારે છે.  :)

     

    .

    શે’ર પે સવાશે’ર : નિર્મિશ ઠાકર

    Friday, May 8th, 2009

    ~: કવનમાં વક્રીભવન :~

    પત્નીને-

    ગુજારે જે શિરે તારે જગતનો નાથ સ્હેજે,
    ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.  

    -  બાલાશંકર કંથારિયા

    ગુજારે જે શિરે તારે આ ઘરની નારી સ્હેજે,
    હજી તો દાળ ખારી છે, જીવન ખારું ગણી લેજે.

    * * *

    ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
    થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી.  

    -  ચીનુ મોદી

    ક્યારે કાર સાથે, ક્યારેક નાર સાથે 
    બગડે તો થાકવાનું બસ ભાર તાણી તાણી !

    * * *

    મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
    પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.  

    - અકબરઅલી જસદણવાળા

    જીવનમાં સ્થિરતા કેવી ? મનોમંથન કરી લઉં છું,
    મિસિસ છે કોરિયોગ્રાફર ને હું નર્તન કરી લઉં છું.

    * * *

    એક પ્રણાલિકા નિભાવું છું, લખું છું ‘સૈફ’ હું,
    બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે ?  

    - સૈફ પાલનપુરી

    એક પત્નીવ્રત, નસીબે શે’ર એક જ છે હવે,
    આખી ગઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે ?

    * * *

    લેણદારોને -

    દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’,
    ચૂકવું બધાં નું દેણ જો અલ્લાહ ઉધાર દે ! 

    - ‘મરીઝ’

    બ્રહ્મા-વિષ્ણુ-મહેશ મને કાંઈ ના ધીરે !
    ચૂકવું બધાં નું દેણ જો અલ્લાહ ઉધાર દે !

    * * *

    જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’,
    હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે ! 

    - ગની દહીંવાળા

    લેણદારોના હૃદયનો તું જ પડઘો છે કવિ !
    થાય ના ચૂકતે કશું ને નામ બોલાયા કરે !

    * * *
    રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
    હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

    - બરકત વિરાણી ‘બેફામ’

    રડ્યા સૌ લેણદારો મુજ મરણ પર એ જ કારણથી,
    હતો હા વાયદો આજે ને મારી હાજરી નહોતી.

    * * *

    અંતે -

    દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બે-ચાર સંખ્યામાં,
    ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે ? 

    - જલન માતરી

    આ મુક્તકથી મળ્યાં છે સ્ટેજ પર બે-ચાર ટમેટાં,
    જો ફટકારું ગઝલ તો સ્ટેજ પર પથ્થર નહીં આવે ?

     

    just for a change  … આજે  નિર્મિશ અંકલનાં શે’ર પે સવાશે’ર ……!!  પત્ની અને લેણદારોને બાજુમાં બેસાડીને વાંચવાથી તેની કૉરિયોગ્રાફી મુજબ ડાન્સ નહિં કરવો પડે તેની ખાતરી મારા તરફથી……. !!

     

     

     

    બે ટ્રાયોલૅટ : નિર્મિશ ઠાકર

    Thursday, March 19th, 2009

    triolet

    : મને ના માપ :

    ફ્રેમમાં બેસી જનારા ચિત્ર જેવો હું નથી.
    બ્હારના આકાર રાખીને મને ના માપ તું.
    જો મને, છોડીને દ્ર્ષ્ટિ રોજના વ્યવહાર શી,
    ફ્રેમમાં બેસી જનારા ચિત્ર જેવો હું નથી.
    કૈં હદોની પારથી અંદર છતાંયે બ્હારથી,
    જો રચું આશ્ચર્ય ના, તો બોલ મારું કામ શું ?
    ફ્રેમમાં બેસી જનારા ચિત્ર જેવો હું નથી.
    બ્હારના આકાર રાખીને મને ના માપ તું. 

    : હે કવિ ! :

    પ્યાસ આખા વિશ્વની આપી તને
    હે કવિ, તારે બીજું શું જોઈએ ?
    મૃગજળોમાં શબ્દ-મૃગ દોડાવને !
    પ્યાસ આખા વિશ્વની આપી તને
    છોડ પૃથ્વી, ઊડતો જા કલ્પને !
    પ્યાસમાં તું પી જાજે આકાશને !
    પ્યાસ આખા વિશ્વની આપી તને
    હે કવિ, તારે બીજું શું જોઈએ ?

    - નિર્મિશ ઠાકર

    ગઈકાલે જ નિર્મિશભાઈની ગઝલ આપણે માણી આજે વાત કરવી છે ટ્રાયોલેટની.  જેનો સ્પેલિંગ TRIOLET છે પણ ફ્રેંચ ઉચ્ચાર ટ્રીલટ કરવામાં આવે છે.  ટ્રાયોલેટ એ ૧૩મી સદી – મધ્યકાલીન ફ્રેંચ સાહિત્યમાં ઉદ્ ભવેલો કાવ્યપ્રકાર છે. 

    સ્વરૂપ : 
    આ કાવ્યપ્રકાર આઠ પંક્તિ ધરાવે છે.
    “A B a A a b A B ” તે તેનું બંધારણ સ્વરૂપ છે. જેમાં-
    પ્રથમ પંક્તિ – A
    દ્વિતીય પંક્તિ – B
    તૃતીય પંક્તિ – a ( પ્રથમ પંક્તિ સાથે પ્રાસ કરતી પંક્તિ)
    ચતુર્થ પંક્તિ – A ( પ્રથમ પંક્તિનું પુનરાવર્તન )
    પંચમ પંક્તિ – a (  પ્રથમ પંક્તિ સાથે પ્રાસ કરતી પંક્તિ )
    ષષ્ટમી પંક્તિ – b ( દ્વિતીય પંક્તિ સાથે પ્રાસ કરતી પંક્તિ )
    સપ્તમ પંક્તિ – A ( પ્રથમ પંક્તિનું પુનરાવર્તન )
    અષ્ટમી પંક્તિ – B ( દ્વિતીય પંક્તિનું પુનરાવર્તન )

    પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ અને તૃતીય પંક્તિનો અંતિમ શબ્દ પ્રાસ કરતો હોવો જરૂરી છે.  તેવી જ રીતે, દ્વિતીય પંક્તિનો અંતિમ શબ્દ અને છઠ્ઠી પંક્તિનો અંતિમ શબ્દ પ્રાસ કરતો હોવો જરૂરી છે.

    નિર્મિશઅંકલ સાથે વાત થઈ તે મુજબ, ટ્રાયોલૅટ ફ્રેંચ ઉપરાંત અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, પંજાબી, સિંધી જેવી ભાષાઓમાં પણ રચાયાં છે.  ભૂતકાળમાં શ્રી જમિયત પંડ્યાએ તેને સિંધી પ્રકાર અપનાવી “તેઓને પૂછ !” ને ગઝલનાં રદ્દીફની જેમ ટ્રાયોલૅટ રચવા પ્રયત્ન કર્યો છે. પણ જો રદ્દીફ વિના માત્ર કાફિયા કે હમકાફિયાનો ઉપયોગ કરવાથી ટ્રાયોલૅટનું મૂળ સ્વરૂપ વધુ સાચવી શકાય છે. હાઈકુ અને સૉનેટની જેમ આ નવ્યપ્રકાર પણ એનાં મૂળ છંદશાસ્ત્રને સ્વીકાર્યા વિના, આપણે ત્યાં પ્રચલિત સંસ્કૃત અથવા ગઝલનાં છંદોમાં સ્વીકાર્ય અને સ્થિર બની શકે તેમ છે.  આ સાથે સર્જકો અને અભ્યાસુઓને વધુ રસ લેવા વિનંતી.  વધુ માહિતી માટે આપ પ્રતિભાવ વિભાગમાં પૂછી શકો છો અને તે અંગે નિર્મિશભાઈ જરૂર માર્ગદર્શન આપશે.  જો કે પહેલાં તો આપણે નિર્મિશભાઈને ફોઇબા બનવાનું કહી આ કાવ્યપ્રકારનું ગુજરાતી નામકરણ કરવાનું કહીશું ?!! 

    આ સાથે વીકીપિડીયા પર તે વિશે જરૂર વાંચશો અને ક્લાસિક ગણી શકાય તેવું થોમસ હાર્ડીનું આ ટ્રાયોલૅટ પણ…. 

     

     

    .

    ગઝલ : નિર્મિશ ઠાકર

    Wednesday, March 18th, 2009

     

     

    દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે ?
    ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે ?

    ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી -
    ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે ?

    કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી,
    મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે ?

    ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં,
    અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે ?

    ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક,
    ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે ?

    જૂના જ શબ્દમાં કૈ પ્રગટાવજો અપૂર્વ,
    એ માગણી તમારી, ભાષા નથી તો શું છે ?

    એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના,
    આ વેદના અમારી, ભાષા નથી તો શું છે ?

    - નિર્મિશ ઠાકર

     

    નિર્મિશભાઈ એટલે ગણપત હુરટી પણ આજે તેમનાં જન્મદિને તેમની એક અલગ જ પ્રતિભા ઉપસાવતી મારી પ્રિય ગઝલ. આમ તો ભાષા એટલે કાનોને સંભળાતી વાણી કે આંખોથી વંચાતી કલમ એક સીધી સાદી વિભાવના. પણ નિર્મિશભાઈ વાત લઈને આવ્યાં છે હૃદયલિપિની…..પણ તેના માટે મત્લાના શેરમાં કહી દીધું એમ, મનની બારી ખુલ્લી રાખવી પડે તો જ દ્રશ્યોની ભાષા પામી શકાય અને ફૂલો ભરેલ ક્યારીની ભાષા ઉકેલી શકાય. તો કાળી સડક પર મજૂરનાં પ્રસ્વેદની લિપિ આપણે ઉકેલી શક્યાં છીએ ? અને હમણાં જ વીમેન્સ ડૅનાં નારીવિષયક અછાંદસમાં નિર્મિશભાઈએ સ્ત્રી પોતાનાં ઘરની શોધમાં તે જ ઘર  અશ્રુનું બની ગઈ તેવી નારીસંવેદનાની લિપિને પણ કેટલી સુંદર રીતે ઉકેલી છે.  ફૂટપાથની સાથે અટારી શબ્દ સમાજમાં પ્રવર્તિત આર્થિક પરિસ્થિતિ જેટલો જ ચોટદાર વિરોધાભાસ ઉપજાવી ભૂખ્યા સૂતેલ બાળકની નહિં આપણી ઉંઘ ઉડાડી દે છે. આ બધીય વેદનાનો અનુવાદ ચોક્કસ આપણા હૃદય મહીં થઈ શકે તેવી કલમનાં બાદશાહને જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન અને હા… Indian Expressમાં તેમના વિશેનો એક લેખ જરુર વાંચશો અને તેમની પોતાની વૅબસાઈટની પણ મુલાકાત એક નવા જ નિર્મિશભાઈની ઓળખ કરાવશે.  અને વૅબમહેફિલમાં તેમનાં અન્ય કાવ્યો …..

     

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME