Archive for the ‘નીતિન વડગામા’ Category
લીલ્લીછમ લાગણી : નીતિન વડગામા
Thursday, December 10th, 2009

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઇ હવે સુક્કા સંબંધ કેરું નામ.
મ્હોરતાં, ફોરતાં ને પળમાં ઓસરતાં આ શબનમ જેવો છે સંબંધ,
શમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં આંસુ તો રહેશે અકબંધ;
પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં કેમ કરી ચૂકવવા દામ ?
સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે આજકલ હાથલિયા થોર,
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો અમને એ લાગે ગુલમ્હોર;
અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી મારું યે સાવ નામ ઠામ.
- નીતિન વડગામા
અનુબંધ, સંબંધ…. તૂટી શકે કારણ આખરે તો ‘બંધ’ન, પણ લીલીછમ્મ લાગણીઓનાં પૂરને અટકાવી શકાય ? નીતિનભાઈનાં જન્મદિને લીલીછમ્મ લાગણીઓ સહ મબલખ શુભેચ્છાઓ.
.
મેઘ-મુબારક : નીતિન વડગામા
Thursday, July 9th, 2009
( મેઘ-મુબારક… !! )
ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક,
ભીંજવતો એ બાહર ભીતર , મેઘ-મુબારક.
છાંટો પડતાં એકસામટાં મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક.
કાલ હતાં જે સાવ સૂના ને અવાવરું એ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક.
નખરાળી નદીયું ઊભરાતી પૂર આવતાં,
અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક.
ગોરંભાતું આભ ઊતરતું આખેઆખું,
છલકાતાં હૈયાનાં સરવર, મેઘ-મુબારક.
મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે,
જળનાં વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક.
વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને -
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક.
મોલ પછી લ્હેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક.
કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક.
ડાળી થૈ ઝૂકો હું ઊઘડું ફૂલ થઈને -
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક.
- નીતિન વડગામા
આ…ખરે વરસાદનો મોબાઈલ રેન્જમાં આવી જ ગયો અને અમદાવાદ પર મેઘરાજાએ ગઈકાલે રાત્રે મહેર કરી, અમીછાંટણાં કર્યાં. પહેલાં વરસાદનાં સા..દમાં નીતિનઅંકલે આ ગઝલમાં વર્ણન કર્યું છે એવી જ અનુભૂતિઓમાં હૈયું છલકાઈને તરબતર છે ત્યારે ‘ લીલુંછમ્મ ચોમાસું ‘ તો બાકી જ છે પણ તો પણ વૅબમહેફિલ પર તો વરસાદી ગીત-ગઝલોની ઝરમરમાં મન મૂકીને ભીંજાઈશું અને આ ભીનાં અવસરને ઉજવીશું જ … છમ્મ લીલાં થઈ જઈએ એટલું .. !!
.
ગઝલ : નીતિન વડગામા
Friday, March 20th, 2009
આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.
વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?
જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?
આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.
સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !
કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.
સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !
- નીતિન વડગામા
જિંદગી એટલે શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે ઘટતી એક ઘટના…..બાળક જન્મે તો આપણે કહીએ ધરતી પર પહેલો શ્વાસ લીધો અને જો કોઈનું મૃત્યુ થાય તો શ્વાસ છોડ્યો એમ કહેવાય. પણ શું જિંદગી શ્વાસોચ્છવાસની એક પ્રક્રિયા માત્ર છે, ખરી ? તો પરપોટા જેવી જિંદગીનું સત્ય શું ? નીતિનભાઈ કહે છે એમ, સાવ કોરા કાગળ વંચાય તો આ ‘અક્ષર’નો મર્મ પકડાય. પણ તેને માટે મન પણ કોરા કાગળ જેવું જોઈએ. માત્ર પંખીની આંખ જોવા તેની આસપાસનું બધુંય ભૂંસવું પડે તો જિંદગીનાં સત્યને એ ‘પદારથ’ને પામવા પામર જીવને કેટલું ભૂંસવું પડે ?!! પણ આપણે તો અધૂરા પાત્ર એટલે છલકાઈ જઈએ તો વળી અજવાળું પામીએ તો ડહાપણનાં દીવડા ત્યાં જ બૂઝાય પણ જાય…. સીધાં-સાદાં સરળ શબ્દોમાં ઊંડા અર્થગહનવાળી નીતિનભાઈની આ ગઝલ જરૂર માણવી ગમશે.
.
સઘળુંય સાંપડશે : નીતિન વડગામા
Wednesday, December 10th, 2008
જરા તું ઝૂક થૈ ડાળી તને સઘળુંય સાંપડશે,
પછી રાજી થશે માળી તને સઘળુંય સાંપડશે.
હશે જો ધાર એની તો જ ધાર્યું કામ કરવાની,
કલમ, કરવત ને કોદાળી તને સઘળુંય સાંપડશે.
અદબ વાળી અહીં તું સાવ ખાલી હાથ કાં ઊભો ?
દઈ દે હાથમાં તાળી તને સઘળુંય સાંપડશે.
પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ છોડી દે,
નદી થૈ જાને નખરાળી તને સઘળુંય સાંપડશે.
ઉપરછલ્લું અડકવાથી કશું પણ હાથ નહીં લાગે,
રહેશે જાત ઓગાળી તને સઘળુંય સાંપડશે.
રટણ તું રોજ કરજે હા, કદી તો પ્રેમરસ પાશે,
વરસશે સ્હેજ વનમાળી તને સઘળુંય સાંપડશે.
- નીતિન વડગામા
માનવ સ્વભાવની સઘળુંય પામવાની ઘેલછાને કવિશ્રીએ બરોબર પારખી છે અને આથી જ સઘળુંય સાંપડશે કહી જાણે એક દિલાસો આશ્વાસન આ ગઝલ આપે છે. પણ શરત બસ એટલી છેકે, શાંત દરિયો ના થઈશ નદી નખરાળી બની જા….. ?!! કોઈનાં હાથને સાથ આપ, જાત ઓગાળી નાંખ ને હરિવરનું રટણ કરતાં કરતાં બસ ડાળીની જેમ ઝૂકી જો - આ વનમાળી તને ભીંજવી દેશે….. આજે નીતિનભાઈનાં જન્મદિને તેમને ‘સઘળુંય સાંપડે’ તેવી શુભેચ્છાઓ સહ…….. !!!
સાંજ ઢળતી જાય છે : નીતિન વડગામા
Wednesday, September 10th, 2008
વાત કયાં ક્યારેય પૂરી થાય છે ?
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
આયખાનો અર્થ આરંભાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
દ્રશ્ય આછું-પાતળું ઝીલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
ક્યાં કિનારો સહેજ પણ દેખાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
માંડ ચપટીક મર્મ પણ સમજાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
એમ જર્જર જાત સંકેલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
- નીતિન વડગામા
કાલે અમદાવાદમાં ઢળી’તી એક ખુશનુમા સાંજ…… પણ હજુ એનાં આછા ગુલાબી-નારંગી રંગો આંખમાંથી આથમ્યા નથી અને યાદ આવી ગઈ નીતિનભાઈની આ ગઝલ ! સાચે જ જીવનમાં પણ અચાનક એવું થઈ જાય અને આપણને લાગે કે, - ને અચાનક સાંજ ઢળતી જાય છે.

